સહેલીની જેમ આવકારી તે દેરાણી, પિયરના પૈસાનો દેખાડો કરે છે. શું કરું?

Published: Sep 30, 2019, 16:40 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

મારાં લગ્નને દસ વર્ષ થયાં છે. મારા દિયરને મેં મારા પોતાના નાના ભાઈની જેમ સાચવ્યો હતો, પણ તેનાં લગ્ન થઈ ગયાં એ પછીથી ઘરમાં સમીકરણો બદલાવા લાગ્યાં.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલઃ મારાં લગ્નને દસ વર્ષ થયાં છે. મારા દિયરને મેં મારા પોતાના નાના ભાઈની જેમ સાચવ્યો હતો, પણ તેનાં લગ્ન થઈ ગયાં એ પછીથી ઘરમાં સમીકરણો બદલાવા લાગ્યાં. લગ્ન કરીને આવી ત્યારે સાસુને શરૂઆતમાં કચકચની આદત હતી. જોકે એમાં પણ મારા પતિ અને દિયર બન્નેએ ખૂબ સારો સાથ આપ્યો હતો. સાસુમા સાથે મારું બરાબર ગોઠવાઈ રહ્યું હતું ત્યાં જ દિયરનાં લગ્ન થયાં. ચાર મહિનામાં જ હવે મને ઘરમાં ગૂંગળામણ થવા લાગી છે. દેરાણી આવી ત્યારે મેં તેને જેઠાણીની જેમ નહીં, બહેનપણીની જેમ ઘરમાં આવકારી; પણ તે તો માથે ચડી ગઈ છે. આજના જમાનાની મૉડર્ન યુવતીઓ પોતાની મોટાઈ બતાવવામાંથી ઊંચી નથી આવતી. એમાં પાછું તે ખાધેપીધે સુખી ઘરની છે એટલે અહીં આવીને પોતાની ઊંચી લાઇફસ્ટાઇલનો રોફ જમાવે છે. મને તો આમ ન ફાવે અને તેમ ન ફાવે એમ કહીને બધું જ તેને ગમતું કરવાનું તેનું વલણ છે. મોડા ઊઠવું, રાતે મોડા સુધી જાગવું અને એકદમ બાળક જેવું જ વર્તન તેનું છે. વળી, લગ્ન વખતે પણ પોતાના પિયરથી સારાં કપડાં-દાગીના લાવી છે એટલે એનો પણ દેખાડો કર્યા કરે. તેના પિયરિયાં પરિવારમાં પણ બધાને મોટી ગિફ્ટ આપે છે એને કારણે તેનો ઠસ્સો પડી જાય છે. અમારા પરિવારના સ્ટાન્ડર્ડ મુજબ કંઈક નવી વસ્તુ ખરીદાતી હોય ત્યારે પણ વારંવાર બોલીને સંભળાવશે કે મને તો અમુક પ્રકારની લાઇફસ્ટાઇલની જ આદત છે, મને તો આવું જ જોઈએ. બહેન, કોઈ વાતે-વાતે પોતાની મોટાઈ હાંકતું હોય તો ખરાબ તો લાગે જને? તેને જમીન પર લાવવા શું કરવું? મારા હસબન્ડ કહે છે કે તમે બેઉ ઝઘડા કરો એના કરતાં તો જુદા થઈ જઈએ.

જવાબઃ દરેક ઘરમાં લગ્ન પછી સંબંધોનાં સમીકરણો બદલાતાં હોય છે અને એવા સમયે વ્યક્તિએ ઠાવકાઈથી કામ લેવું પડે. તમે જ્યારે આ ઘરમાં આવ્યાં ત્યારે તમારાં સાસુએ પણ આવું જ કંઈક ફીલ કર્યું હશે. પોતાનો દીકરો પત્નીનો થઈ જાય, ઘરમાં નવી આવેલી વહુને ભાવતું-ગમતું થાય એ સ્વીકારતાં કદાચ તમારી સાસુને પણ તકલીફ થઈ હશે. જોકે આ પ્રકારનું પરિવર્તન થવું ખૂબ સ્વાભાવિક છે. યસ, તેની મોટાઈનાં ગાણાંથી ઇરિટેશન થાય એવું પણ નૅચરલ છે. જોકે એને કારણે તમે તમારો મોભો અને સન્માન ઘટી જશે એવું ન માનો. જરાક વિચારો કે તે કેટલો સમય પિયરિયાંના પૈસાના જોરે અહીં મોટાઈ મારવાની છે? થોડાં જ વર્ષોમાં તેણે સાસરિયાંની નવી દુનિયાની ધરતી પર લૅન્ડિંગ કરવું જ પડશે.

હવે તમને ઇરિટેશન થાય છે એનું શું કરવું? તમારા મનમાં તેની મોટાઈ માટે ઈર્ષાભાવ જાગે છે એનું શું કરવું? તો સાચું કહું, જસ્ટ ઇગ્નોર. કોઈકને તેની ૧૫,૦૦૦ની સાડી બતાવે અને મને જલન થાય તો તેને મજા આવે અને ફરીથી તેને જલાવવાનું મન થાય, પણ જો તે લાખ રૂપિયાનું પટોળું લાવે તોય મને જરાય અસર ન થાય તો તેને દેખાડો કરવાની કેટલી ખુશી થશે?

કહેવાનો ભાવાર્થ એટલો જ કે કોઈ મોટાઈ બંધ કરે, બણગાં ફૂંકવાનું અટકાવે એવું ઇચ્છતા હો તો તેને એમ કરવાથી મળતી ખુશીની ફીલિંગને રોકવી પડે.

આ પણ વાંચો : મારી ફ્રેન્ડે લવ-મેરેજ કર્યા હતા 6 વર્ષ બાદ પતિ એની સાથે રૅપ જેવી હરકત કરે છે

તમારા મનમાં ઈર્ષાભાવ પણ જાગી શકે છે. જોકે આ નાની-મોટી તકલીફોને એકતા કપૂરની સાસ-બહૂ સિરિયલનું સ્વરૂપ ન અપાઈ જાય એ જરૂરી છે. તમને તેની મોટાઈની વાતોથી કોઈ બળતરા ન થતી હોય અને તમેતમારે જેમ પહેલાં રહેતાં હતાં એમ જ મોજમાં રહો તો શું થશે? શું તેને દેખાડો કરવાની મજા રહેશે?

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK