જુદી જુદી સંસ્કૃતિના લોકો વચ્ચેના લગ્નો કેમ લાંબા નથી ટક્તા ?

Published: Aug 12, 2019, 15:17 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

પહેલાં કરતાં હાલમાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એક સમય હતો જ્યારે માતાપિતા જ દીકરા-દીકરી માટે પાત્રની પસંદગી કરતા.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : પહેલાં કરતાં હાલમાં છૂટાછેડાનું પ્રમાણ ખૂબ વધી ગયું છે. એક સમય હતો જ્યારે માતાપિતા જ દીકરા-દીકરી માટે પાત્રની પસંદગી કરતા. ઘણી વાર તો તેમને લગ્ન પહેલાં પૂછવામાં કે એકબીજાનું મોં પણ બતાવવામાં ન આવ્યું હોય અને છતાં તેમનું લગ્નજીવન ઘણું સરસ ચાલે. આજે તો છોકરો-છોકરી જાતે જ પ્રેમ કરીને જીવનસાથી પસંદ કરે છે. નાત-જાતની ચિંતા નથી કરતા. ધારો કે સામાજિક બૅકગ્રાઉન્ડ વિશે કંઈક કહીએ તો તરત જ કહે બે દિલો વચ્ચે પ્રેમ થાય ત્યારે સમાજની ઊંચનીચ જોવાતી નથી. ખાસ કરીને બે વિભિન્ન સંસ્કૃતિ ધરાવતા પરિવારો વચ્ચે લગ્ન થાય ત્યારે એમાં છૂટા પડવાનું અથવા તો કલેશનું 

પ્રમાણ બહુ હોય છે. મરાઠી પંજાબીને પરણે, બંગાળી ગુજરાતીને પરણે કે સાઉથ ઇન્ડિયન મારવાડીને પરણે એમ જ્યારે ઇન્ટરકાસ્ટ અને આંતરસમાજના લગ્ન થાય ત્યારે આવું બહુ થાય છે. તો શું આવાં લગ્નો ન કરવાં જોઈએ કે પછી કોઈક રીતે આવાં લગ્નોને ટકાવી પણ શકાય?

જવાબ : પરિવારે પસંદ કરેલા પાત્ર સાથે લગ્ન કરવાથી જ એ લાંબુ ચાલશે એવી સરળ ત્રિરાશિ મંડાય એમ નથી. આજે હવે યુવાનો પહેલાંની જેમ પેરન્ટ્સની પસંદગીને જ માન્ય રાખીને પરણે એવો જમાનો નથી રહ્યો. ધારો કે તેઓ એવું કરે તોય એ લગ્નો અતૂટ રહેશે એવી કોઈ બાંહેધરી આપી શકાય એમ નથી. એનું કારણ એ છે કે હવે યુવાનોમાં સંબંધો બાબતેની સમજણમાં ઓટ આવવા લાગી છે. પ્રેમલગ્ન હોય કે અરેન્જ્ડ, જ્યાં સુધી પારદર્શક કમ્યુનિકેશન, પરસ્પર માટેની સમર્પણવૃત્તિ, એકબીજાને સુખી કરવાની ભાવના નહીં વિકસે ત્યાં સુધી લગ્નોનું આયુષ્ય જોખમમાં રહેવાનું જ.

બાકી બે જુદાં કલ્ચર્સ વચ્ચે ઘર્ષણનું પ્રમાણ વધારે રહે છે એ વાત થોડેક અંશે સાચી છે, પરંતુ એમાં પણ મૂળ સમસ્યા તો કમ્યુનિકેશનના અભાવની જ છે. એક રિલેશનશિપ કાઉન્સેલર સાથેની વાતમાં એક યુગલનો કિસ્સો સાંભળ્યો હતો. એ કદાચ તમને પણ ગમશે.

એક ભારતીય યુવક ઇન્ટરનેટ પરની ઓળખાણથી ઇટલીની કન્યા પરણીને ઘરે આવ્યો. ત્રણ જ મહિનામાં બન્ને વચ્ચે જોરદાર ઝઘડા થવાનું ચાલુ થઈ ગયું. મૉડર્ન હોવાથી તેમણે છૂટાં પડતાં પહેલાં કાઉન્સેલર પાસે જવાનું વિચાર્યું. જ્યારે ભારતીય પતિએ વાતચીત દરમ્યાન કાઉન્સેલરને કહ્યું કે, ‘પત્ની મને જરાય રિસ્પેક્ટ નથી કરતી. તે મને કૂતરાની જેમ હડધૂત કરે છે. આવું મૉડર્નાઇઝેશન તેના ઘેર રાખે. બોલો, તે મને બ્રેડના પૅકેટમાંથી છેક છેલ્લો કડક બ્રેડ હોય એ જ ખાવા આપે. મારા પરિવારમાં એને કોઈ હાથ પણ ન લગાડે અને માત્ર એ કૂતરાને નાખવા માટે જ રાખીએ. જ્યારે તે જાણીજોઈને મારી ડિશમાં એ જ કડક બ્રેડ
મૂકે.’ કાઉન્સેલરે પત્ની સાથે વાત કરી ત્યારે પૂછ્યું કે, ‘શું તમે પતિને છેલ્લો કડક બ્રેડ આપો છો?’ તો પેલીએ કહ્યું, ‘અમારા આટલા ઝઘડા થતા હોવા છતાં હું તેને કડક બ્રેડ આપું છું. અમારા ઇટલીમાં તો જાડા બ્રેડ માટે લોકો પડાપડી કરે અને જેને તમે સૌથી વધુ રિસ્પેક્ટ આપતા હો એની જ ડિશમાં એ સર્વ થઈ શકે. મને એ બહુ જ ભાવતો હોવા છતાં હું તેના માટે સેક્રિફાઇસ કરું છું, પણ તેને તો કંઈ પડી જ નથી.’

આ પણ વાંચો : મારે જાણવું છે કે આ ફોરપ્લેનું મહત્વ શા માટે છે અને એનાથી ખરેખર શું ફાયદો થાય?

આ વાત કહેવાનો ભાવાર્થ એટલો કે બે જુદી સંસ્કૃતિમાં ઉછરેલા લોકો જ્યારે એક છત તળે રહેવા લાગે ત્યારે તેમણે એકમેકને સમજવા માટે ખુલ્લા મને કમ્યુનિકેશન કરવું પડે. જીવનસાથી કેમ આવું કરે છે એ સમજવાની પહેલ કરવામાં આવે તો ખરેખર કોઈ વાંધો ન આવે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK