બૉયફ્રેન્ડની મમ્મીએ મારા પેરન્ટ્સને ઘરે બોલાવીને એમની સાથે ગેરવર્તન કર્યું

Published: May 02, 2019, 14:27 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

બૉયફ્રેન્ડની મમ્મીએ મારા પેરન્ટ્સને તેના ઘરે બોલાવીને ખૂબ ઉદ્ધતાઈભર્યું વર્તન કરતાં મને સંબંધમાં રસ નથી રહ્યો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૨૬ વર્ષની વર્કિંગ ગર્લ છું. છેલ્લાં ચાર વર્ષથી એક છોકરાના પ્રેમમાં છું. હાલમાં તે બૅન્ગલોર જૉબ કરે છે. અમે નેક્સ્ટ છ-બાર મહિનામાં લગ્ન કરી લેવાનું વિચારતાં હતાં એટલે બન્નેના પેરન્ટ્સને અમારા સંબંધની વાત કરી હતી. તે બૅન્ગલોર હતો એટલે તેણે ફોન પર જ વાત કરેલી અને તેના પેરન્ટ્સે મને મળવા માટે ઘરે બોલાવેલી. તેની મમ્મીએ આગ્રહ રાખેલો કે હું મારા પેરન્ટ્સ સાથે જ મળવા આવું. મને લાગ્યું કે આ તો પૉઝિટિવ સાઇન છે. મારા પેરન્ટ્સ પહેલાં છોકરાને મળવા માગતા હતા, પણ તેની મમ્મીના આગ્રહને કારણે મેં માંડ મમ્મી-પપ્પાને મનાવી લીધાં. મને અત્યારે ગુસ્સો એ વાતનો આવે છે કે મેં શા માટે આવી ભૂલ કરી? એક તો મારો બૉયફ્રેન્ડ તેના ઘરે હતો નહીં. એવામાં તેના ઘરે જઈને એવી વિચિત્ર પરિસ્થિતિ નિર્માણ થઈ કે શું કરવું એ જ ન સમજાય. જેટલા પ્રેમથી તેની મમ્મીએ બોલાવેલાં એટલો જ લુખ્ખો આવકાર મળ્યો. મારા પેરન્ટ્સ પહેલી વાર ગયેલા એટલે જરા સારી લાગે એવી ગિફ્ટ તેમને આપેલી. બોલો, તેમણે અમારી સામે જ એ ગિફ્ટ ખોલી અને આ તો કેટલી તુચ્છ છે એમ કહીને બાજુએ મૂકી દીધી. તેમના વર્તન પરથી એવું લાગ્યું કે તેમને હું પસંદ નથી અને તેઓ પોતાના દીકરાને ના પાડી શક્યા નથી એટલે આ રીતે બદલો લે છે. તેના પપ્પા હજીયે સહેજ ફ્રેન્ડ્લી લાગે એ રીતે વાત કરતા હતા, પણ તેની મમ્મી તો મારી ઊલટતપાસમાં જ લાગેલી. બૉયફ્રેન્ડ કહે છે કે જો હું એ વખતે હાજર હોત તો આવું કદાપિ ન થવા દેત. તે મારા પેરન્ટ્સની માફી માગવા તૈયાર છે, પણ મેં તેને કહી દીધું છે કે અમે બે જ બહેનો છીએ અને હું નથી ઇચ્છતી કે લગ્ન પછી મારા પેરન્ટ્સ સાથે કોઈ આ રીતે વર્તે. એના કરતાં તો તેની સાથે લગ્ન ન જ કરવાં બહેતર છે. જોકે બૉયફ્રેન્ડ બહુ જ પાછળ પડ્યો છે. મારું પણ મન તો તેની સાથે જ છે ત્યારે શું કરવું એ સમજાતું નથી.

જવાબ : જ્યાં સુધી એકબીજાના પેરન્ટ્સ આગળ જીવનસાથીની ઓળખાણ ન થઈ જાય ત્યાં સુધી ડાયરેક્ટ પેરન્ટ્સની જ મીટિંગ ગોઠવી લેવાનું જરા ઉતાવળભર્યું કહેવાય. એમાંય બૉયફ્રેન્ડની હાજરી વિના તેના ઘરે પેરન્ટ્સને લઈ જવાનું પગલું જ યોગ્ય નહોતું. ધારો કે બૉયફ્રેન્ડ બહુ બિઝી હતો અને બૅન્ગલોરથી આવી શકે એમ નહોતો તો મીટિંગ થોડી પાછી ઠેલવામાં કાંઈ ખાટું-મોળું તો થવાનું નહોતું.

હવે તમને પેરન્ટ્સનું સન્માન વહાલું હોવાથી તમે બૉયફ્રેન્ડને ના પાડી દીધી એ બહુ જ સારું કર્યું. તમારો બૉયફ્રેન્ડ પણ હકીકત જાણ્યા પછી પસ્તાવો કરે છે અને માફી માગવા તૈયાર છે એ બતાવે છે કે તે પણ તમને ખૂબ પ્રેમ કરે છે. જોકે અહીં સવાલ એ પણ છે કે શું બૉયફ્રેન્ડને તમારા પેરન્ટ્સ મળ્યા છે? ન મળ્યા હોય તો એ મીટિંગ ગોઠવો. હા, તેના પેરન્ટ્સને બોલાવવાની જરૂર નથી. માત્ર છોકરાને જ બોલાવો. તમારા પેરન્ટ્સને તે કેવો લાગે છે એ અને તે પેરન્ટ્સ સાથે કઈ રીતે માફી માગીને બગડેલી વાતને સુધારવાની કોશિશ કરે છે એ બન્ને જોવું રહ્યું.

આ પણ વાંચો : લગ્નજીવનમાં તકલીફ આવે ત્યારે સ્પેસ આપવી જોઈએ કે ઝઘડો કરી લેવો જોઈએ?

ધારો કે બન્ને બાજુથી વાત પૉઝિટિવ રહે તો તેના પેરન્ટ્સ સાથે ફરીથી મીટિંગ ગોઠવો. આ વખતે બેમાંથી કોઈનાય ઘરે નહીં પણ બહાર ક્યાંક રેસ્ટોરાંમાં મળવાનું રાખો. આ બેઠકમાં તમારો બૉયફ્રેન્ડ તેની મમ્મીના ઉદ્ધતાઈભર્યા વર્તનને કઈ રીતે કાબૂમાં રાખે છે એ જોયા પછી આ સંબંધમાં આગળ વધવું કે નહીં એ નક્કી કરવામાં સરળતા રહેશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK