પરિવારમાં લાડકોડથી ઉછરેલો છોકરો બની ગયો છે સ્વાર્થી, શું કરવું?

Published: May 22, 2019, 14:06 IST | સેજલને સવાલ - સેજલ પટેલ

દીકરો ભણવામાં હોશિયાર છે, પણ બહુ સ્વાર્થી હોવાથી બીજાની જરાય દરકાર કરતો જ નથી, એનું શું કરવું?

સવાલ: મારો દીકરો ૧૦ વર્ષનો છે. જેઠ-જેઠાણી અને અમારા પરિવારમાં એક જ સંતાન હોવાથી તેને બહુ જ લાડકોડ મળ્યા છે. સાસુ-સસરાનો પણ બહુ લાડકો છે. ખૂબ પ્રેમભર્યા વાતાવરણમાં મોટો થયો હોવાથી તેને બીજાની પડી જ નથી. તે બધાને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ લે છે. તેની સ્કૂલના બીજા બધા છોકરાઓમાં તે વધુપડતો સેલ્ફિશ છે. તેને જે જોઈએ એ જોઈએ જ. ઘરમાં તેને એ મળી જાય, પણ બહાર જાય ત્યારે તો તેણે બીજાનો વિચાર કરતાં શીખવું જરૂરી છેને? ઓપન હાઉસમાં એક-બે વાર તેની ટીચરે પણ કમેન્ટ કરેલી કે મારો દીકરો ભણવામાં હોશિયાર છે, પણ બહુ સ્વાર્થી છે. તેને બીજાને મદદ કરવાની ભાવના કદી નથી હોતી. પોતાની કોઈ ચીજ તેની પાસેથી છૂટતી નથી. તેની પાસે ચાર પેન હોય તો પણ તે દોસ્તને એક વાપરવા નહીં આપે. મારા સસરાનું કહેવું છે કે તેનામાં સેલ્ફલેસનેસ વિકસાવવાની જરૂર છે. હજી તો તે નાનો છે એવું માનીએ છીએ, પણ બીજાની જરાય દરકાર ન હોય એ કેવી રીતે ચલાવી લેવાય? અમે પરિવાર તરીકે અમારા સમાજ માટે રાહતકાર્યો કરીએ છીએ. એમાં તેને હાજર રાખીને બીજાને મદદ કરવાથી કેટલી ખુશી મળે છે એનો અનુભવ કરાવવાની કોશિશ કરીએ છીએ. મહિનામાં એકાદ વાર તેના હાથે મંદિરની આસપાસના લોકોને જરૂરી ચીજોનું દાન કરવાનું ગોઠવીએ છીએ. એ ઉપરાંત બીજું શું કરવું જોઈએ?

જવાબ: અંગત રીતે હું માનું છું કે નિ:સ્વાર્થ જેવું કશું હોતું નથી. આપણે જેકંઈ કરીએ છીએ એ તમામમાં સ્વાર્થ તો હોય જ છે. સ્વાર્થ એટલે કે સ્વના અર્થમાં હોય એવું. આપણે કંઈ પણ કરીએ એમાં આપણી અંગતતા હંમેશાં કેન્દ્રસ્થાને જ હોય છે. તમે માનો છો કે બીજાને મદદ કરવી એ નિ:સ્વાર્થતા છે, પણ આપણે જેને પોતાના માનીએ છીએ એવાને જ મદદ કરીએ છીએ. મારા સમાજ માટે કામ કરું, મારા પરિવાર માટે કંઈક કરું, મારા દોસ્ત માટે કંઈક કરવું એ બધામાં ક્યાંક ને ક્યાંક તો ‘મારા’પણું કેન્દ્રસ્થાને છે જ છે. સેલ્ફલેસનેસ એટલે કે જેમાં તમે તમારી જાતને સંપૂર્ણપણે નાબૂદ કરી નાખી હોય. જ્યાં આપણને મારા-તારાનો કોઈ ભેદ ન રહે અને એકાત્મ સધાય ત્યારે જ ખરી સેલ્ફલેસનેસ આવે છે. ખેર, આ એવી ગૂઢ વાતો છે કે જ્યાં સુધી એ પૂરેપૂરી આપણને ન સમજાય ત્યાં સુધી બાળકમાં એનું રોપણ કરવું અઘરું છે.

બીજું, બીજાને મદદ કરવામાં મહાનતા છે એવી ધારણા અતિશય છીછરી છે. મંદિરની બહાર બેઠેલા લોકોને ચીજોની વહેંચણી કરવાથી ક્યાંક ‘અમે આ લોકોને મદદ કરીએ છીએ’ એવો ભાવ ઊભો થઈ જાય તો એ એથીયે ભૂંડું  થાય. પપ્પાના પૈસે ચીજો ખરીદીને ગરીબોને મદદ કરવાથી બાળકમાં નિ:સ્વાર્થતા કદી નહીં વિકસે. હા, કદાચ આપવાની બાબતમાં હાથ છૂટો થાય, પણ ખરા અર્થમાં બીજાનો વિચાર કરવાની માનસિકતા નહીં કેળવાય.

આ પણ વાંચો : હસ્તમૈથુન કરવાથી ગૅસની સમસ્યા ઊભી થઇ છે શું કરવું?

બીજાનો વિચાર કરતાં શીખવવા માટે નિ:સ્વાર્થ થવાની નહીં, પણ અત્યંત સ્વાર્થી થઈને વિચારવું જોઈએ. સામેવાળી વ્યક્તિ જે સ્થિતિમાં છે એમાં જો હું હોઉં તો મારી સાથે લોકો કેવી રીતે વર્તે એ મને ગમે? એ સવાલ જાતને પૂછતાં શીખવવો. ધારો કે મારી પાસે પેન ન હોય અને એને કારણે હું ક્લાસમાં જે શીખવાય છે એ લેસન નોટબુકમાં ઉતારી ન શકું તો હું શું ઇચ્છું? મારો દોસ્ત પેનની હેલ્પ કરે તો બહુ સારું લાગેને? બસ, તો મારે તેને એ મદદ કરવી. દરેક પરિસ્થિતિમાં જાતને મૂકીને વિચારવાથી આપણે અનાયાસ સાચું કરતા થઈ જઈએ છીએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK