મારા કાકાનું કોઈ મહિલા સાથે અફેર ચાલે છે, શું મારે આ વિશે કાકીને જાણ કરવી જોઈએ?

Published: Oct 24, 2019, 16:12 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

લોકો કહેતા હોય છે કે આજની જનરેશન બહુ છૂટછાટ લેતી થઈ ગઈ છે, પરંતુ મને એવું લાગે છે કે હકીકતમાં તો મિડલ-એજના લોકો વધુપડતા કામુક અને સેક્સ્યુઅલી ઍડવાન્સમેન્ટ્સ લેનારા હોય છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : લોકો કહેતા હોય છે કે આજની જનરેશન બહુ છૂટછાટ લેતી થઈ ગઈ છે, પરંતુ મને એવું લાગે છે કે હકીકતમાં તો મિડલ-એજના લોકો વધુપડતા કામુક અને સેક્સ્યુઅલી ઍડવાન્સમેન્ટ્સ લેનારા હોય છે. મારી ઉંમર ૨૧ વર્ષ છે અને મારા પપ્પા પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા છે. ઘરમાં હવે કાકા-કાકી અને મમ્મી જ છે. મમ્મી એકલી હોવાથી મને બહુ પ્રોટેક્ટિવ કરીને રાખે છે. તેને એમ લાગે છે કે હું ક્યાંક ખોટા રવાડે ચડી જઈશ. આ બધું એટલા માટે કહેવાનું કેમ કે આજના પેરન્ટ્સ બધા જ આદર્શો યંગ જનરેશન માટે જ રાખે છે. મને હમણાં જ ખબર પડી છે કે મારાં કાકીના હોવા છતાં કાકાનું અફેર મારા જ સગાંમાં એક બહેન સાથે ચાલે છે. આ અફેર આજકાલનું નહીં, દસ વર્ષથી છે. મને ખબર નથી કે આ બધા વિશે કાકીને ખબર છે કે નહીં, પરંતુ કાકા-કાકીના સંબંધો બહારથી નૉર્મલ લાગતા હોવાથી ખબર નહીં જ હોય એવું ધારી લઉં છું. બન્ને વચ્ચે ફિઝિકલ સંબંધો પણ છે. એના તો પુરાવા પણ મારી પાસે છે. મારી મમ્મી અને કાકા મને રાતે અમુક-તમુક જગ્યાએ નહીં જવાનું એવા રિસ્ટ્રિક્શન મૂકે છે, પણ તેમનાં કરતૂતોનું શું? મારાં કાકી સાવ જ ભોળાં છે અને મને લાગે છે કે તેઓ હજી અંધારામાં જ છે. આવામાં મારે તેમને કંઈ કહેવું જોઈએ? ઘણી વાર મને થાય છે કે મને તેમના સંબંધો વિશે ખબર છે એ કહી દઉં. જોકે અમે કરીશ તો તેમને લાગે છે કે હું બ્લૅકમેઇલ કરું છું.

જવાબઃ એક વાત હંમેશાં યાદ રાખવી કે આપણે જે કોઈ એક, બે ઘટનાઓ કે અનુભવો જોઈએ એને સેપરેટલી જ સમજવાની કોશિશ કરવી જોઈએ. એમાંથી જનરલાઇઝ્ડ તારણો કાઢી લેવાનું બને ત્યાં સુધી ટાળવું. જેમ કે મિડલએજવાળાં વધુ કામુક હોય છે એવી માન્યતાની ગઠરી બાંધવાની જરૂર નથી. હા, કદાચ તમારા કાકાને બીજી કોઈ સ્ત્રી સાથે સંબંધો હોય એ વાત સાચી હશે. જો એ વાત સાચી હોય તો એ સંબંધો સામાજિક દૃષ્ટિએ યોગ્ય પણ નથી જ. જોકે લોકોના અંગત જીવનની વાતોને જનરલ સ્ટેટમેન્ટ ન બનાવી દેવું.

અત્યારે તમારાં મમ્મી અને કાકા તમારી પર કેટલાંક રિસ્ટ્રિક્શન્સ મૂકી રહ્યાં છે એટલે તમને આ વાતે ગુસ્સો આવતો હશે. એનો મતલબ એ કે તમે પણ આ મામલે છૂટછાટ મળે એ માટે તડપી રહ્યા છો. એવું હોય તો એ પણ તમારી ઉંમર જોતાં ખોટું નથી. યૌવનના ઉંબરે ઊભેલી વ્યક્તિને બધી જ બાબતની સ્વતંત્રતા મેળવી લેવાની ઉત્સુકતા રહે છે અને જો ન મળે તો છટપટાહટ પણ વધે છે. મમ્મી દ્વારા મુકાતું રિસ્ટ્રિક્શન અલગ કારણોસર છે એટલે એને સાંકળીને તમારા કાકાની વર્તણૂકનો ભાંડાફોડ કરવાનો તમારો વિચાર હોય તો એ યોગ્ય નથી. 

તેઓ ખોટું કરે છે એવું તમે માનો છો એનાથી તમને પણ મનમાં એવી દલીલ થાય છેને કે તમે કરો છો અને મને ના પાડો છો એવો વિરોધાભાસ કેમ? બહેન, આપણે સમાજમાં એક બહુ જ મોટો બદલાવ લાવવાની જરૂર છે. કોઈએ કોઈના અંગત જીવનમાં માથું ન મારવું. સંતાનો પુખ્ત થાય ત્યાં સુધી પેરન્ટ્સ ચિંતિત હોય ત્યાં સુધી ઠીક છે એ પછી કોણ કોની સાથે કેવી રીતે અંગત જિંદગીમાં સંકળાયેલું છે એનું પિષ્ટપિંજણ કરવાની કોઈએ દરકાર ન કરવી જોઈએ.

આપણે આપણી જિંદગીમાં આપણને જે સાચું લાગે છે એ કરવું, બીજાને જે સાચું લાગે એ તેઓ કરે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK