મારી ગર્લફ્રેન્ડ મારા પહેલાના રિલેશનશિપને લઈને મારા પર શંકા કર્યા કરે છે

Published: Oct 09, 2019, 16:22 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

છેલ્લાં સવાબે વર્ષથી હું એક છોકરી સાથે રિલેશનશિપમાં છું. એ પહેલાં અમે બન્ને એકબીજાને ઓળખતાં હતાં, પણ જુદાં શહેરોમાં રહેતાં હતાં અને કોઈ નજદીકી નહોતી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : છેલ્લાં સવાબે વર્ષથી હું એક છોકરી સાથે રિલેશનશિપમાં છું. એ પહેલાં અમે બન્ને એકબીજાને ઓળખતાં હતાં, પણ જુદાં શહેરોમાં રહેતાં હતાં અને કોઈ નજદીકી નહોતી. એમાંય માત્ર ૬ મહિનાથી જ અમે વધુ ઇન્ટિમેટ છીએ. એ પહેલાં અમારી દોસ્તી હજી બંધાઈ રહી હતી. એક વાર દોસ્તો સાથે ટ્રુથ ઑર ડેરની ગેમ રમતાં હતાં ત્યારે મારા પાસ્ટ વિશેની વાત થઈ અને એમાં હું સાચું બોલી ગયો. એ વખતે તો વાત હસવામાં પતી ગઈ. એ પછી મારી ગર્લફ્રેન્ડે મને સવાલ પૂછી-પૂછીને મગજ કાણું કરી નાખ્યું. હું પાસ્ટમાં જેની સાથે હતો તેની સાથે કેટલો સમય હતો, શું હતું, કેટલાં આગળ વધેલાં એ બધાના જવાબ તેણે માગ્યા. આ સવાલ પૂછતી વખતે તે એટલી પોલાઇટ હતી અને વારંવાર કહેતી હતી કે મારા પર સાચો પ્રેમ હોય તો સાચું કહી દેને? હું તારા પાસ્ટને વળી શું કરવાની? મને પણ લાગ્યું કે તે મૅચ્યોરિટી સાથે વાત કરી રહી છે. મેં તેને મારા બે અફેર વિશેની વાતો કરી દીધી. આ બધાની સાથે મેં એક ખોટું કામ કરેલું એની પણ તેને ખબર પડી. આ બધું જ મેં છોડી દીધું છે અને એ વાતને પણ અઢી-ત્રણ વર્ષ થઈ ગયાં છે. જ્યારથી અમારી વચ્ચે આ વાત થઈ છે ત્યારથી તેનો વાત કરવાનો તરીકો બદલાઈ ગયો છે. દરેક વાતમાં તે પાસ્ટની ભૂલોને ટાંકીને સંભળાવે એટલું જ નહીં ‘લાળ ટપકાવતા પુરુષો’ કહીને હડધૂત કરવાનો એકેય મોકો નથી છોડતી. તે પોતાને સતીસાવિત્રીના રૂપમાં રજૂ કરે છે. ઇન ફૅક્ટ, મને ખબર છે કે તેને પણ કૉલેજમાં બૉયફ્રેન્ડ્સ હતા, પણ મેં ક્યારેય એવી શંકા નથી કરી. મેં મારી ભૂલો માટે માફી પણ માગી છે અને તેની સાથેની રિલેશનશિપ શરૂ થયા પછી મેં કદી એ વિશેનો વિચાર પણ નથી કર્યો અને કરવાનો પણ નથી એવું વચન આપ્યા પછી પણ તેને ભરોસો નથી. તેને ડર લાગે છે કે લગ્ન પછી હું તેને વફાદાર નહીં રહું તો? આ બાબતે વધુ સફાઈ આપીને હવે મને પણ ઇરિટેશન થાય છે. શું કરું? એક મજાકે મારી જિંદગી મજાક બનાવી દીધી છે.

જવાબઃ તમારું ફ્રસ્ટ્રેશન સમજી શકાય એવું છે. જ્યારે આપણે પ્રામાણિકતાથી ભૂતકાળની કબૂલાત કરી લેતા હોઈએ અને એમાંથી શીખીને આગળ વધ્યા હોઈએ એ પછી પણ સતત એ ભૂલોને જ પિનપૉઇન્ટ કરીને સંભળાવવામાં આવે તો હર્ટ થાય જ.

કેટલાક લોકોની ખાસિયત હોય છે દાટેલાં મડદાં ઊખેડીને એનું પોસ્ટમૉર્ટમ કર્યા કરવાની. એમાંય આપણે જો સૌથી મોટું ખોટું વાક્ય બોલતા હોઈએ છીએ કે ‘સાચું કહી દો હું કંઈ નહીં કહું.’ આ વાત પેરન્ટ્સ બાળકને પણ કરતા હોય છે અને પતિ-પત્ની એકબીજાને પણ કહેતાં હોય છે. જોકે સામા પક્ષથી જ્યારે સાચું બોલાય કે તરત જ આપણે તાડૂકી ઊઠીએ છીએ. બહુ ઓછા લોકો સાચી વાતને પચાવીને એને સાચા પરિપ્રેક્ષ્યમાં સમજવાની ધીરજ કેળવી શકે છે.

આ પણ વાંચો : સેક્સ કર્યા વિના કે મૅસ્ટરબૅશન કર્યા વિના વીર્ય નીકળે ખરું?

તમે આ રિલેશનશિપ પહેલાં બીજા સાથે સંબંધમાં હતા. એ કોઈ ગુનો કે બેવફાઈ તો નથી જ. એમ જો તેને શંકા રહ્યા કરતી હોય તો વહેમનું ઓસડ દાડા એ કહેવતને યાદ કરવી. બાકી જે થાય છે એ સારા માટે થાય છે એવો અભિગમ રાખવો. લગ્ન પછી જો તેને પાસ્ટની ખબર પડી હોત અને તે રોજ એનો ઇશ્યુ કરતી હોત તો કેટલી તકલીફ થાત? એને બદલે અત્યારે જ તેની અને તમારી બન્ને પાસે પસંદગીનો અવકાશ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK