મારા બૉયફ્રેન્ડના ઘરવાળા લગ્ન માટે ઉતાવળ કરે છે. કોઈ ઉપાય ખરો?

Published: May 08, 2019, 13:57 IST | સેજલને સવાલ - સેજલ પટેલ

મારા ઘરમાં હજી ત્રણ વર્ષ સુધી લગ્ન વિશે નથી વિચારવાનું, પણ બૉયફ્રેન્ડના પરિવારને ઉતાવળ છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : અમે બન્ને ફેસબુક પર મળ્યાં. એ એન્જિનિયર છે અને જૉબ કરે છે. જ્યારે હું ચાર્ટર્ડ અકાઉન્ટન્સીની સ્ટુડન્ટ છું. અમે એકબીજાને બે વર્ષથી ઓળખીએ છીએ અને એકબીજાને બહુ પ્રેમ કરીએ છીએ. અમારી વચ્ચે બહુ સરસ અન્ડરસ્ટૅન્ડિંગ છે, પણ તેની ફૅમિલી તેનાં લગ્ન વિશે બહુ ફાસ્ટ નિર્ણયો લેવા માગતી હતી. તેણે મને ઘણી વાર લગ્નની વાત મારા પોતાના ઘરમાં કરવાનું કહ્યું હતું, પણ મારા ઘરમાં હજી ત્રણ વર્ષ સુધી મારાં લગ્ન વિશે નહીં વિચારે. હું ૧૯૯૭માં જન્મી છું અને તે ૧૯૯૨માં. હવે થયું એમ છે કે તેના પરિવારે તેને માટે લગ્ન નક્કી કરી લીધાં છે. તેમણે એક એવી છોકરી પસંદ કરી છે જેને હું પહેલાંથી ઓળખું છું. તે મારા ફોઈના દીકરાની એક્સ-ગર્લફ્રેન્ડ છે. એ છોકરીએ મારા લવને બહુ હેરાન કર્યો છે અને આગળ પણ મને એમ લાગે છે કે આ છોકરી મારા ફ્રેન્ડની લાઇફ ખરાબ કરશે. મારે મારા લવને આ ઝંઝટમાંથી કાઢવો છે, પણ મારી ફૅમિલીને કેમ હૅન્ડલ કરું ને કેમ તેની ફૅમિલીને સાચી વાત કહું એ સમજાતું નથી. એક વાત હું વિશ્વાસપૂર્વક કહી શકું કે અમે એકબીજાની સાથે લાઇફ ગાળવા ઇચ્છીએ છીએ. પ્લીઝ હેલ્પ મી આઉટ.

જવાબ : તમારો જન્મ ૧૯૯૭માં થયો છે મતલબ કે તમે હજી જસ્ટ બાવીસ વર્ષનાં છો. તમે જેને પસંદ કરો છો તે તમારાથી પાંચ વર્ષ મોટો છે. જેમ તમારા પેરન્ટ્સને લગ્નની ઉતાવળ ન હોય એમ સ્વાભાવિકપણે તેના પેરન્ટ્સને દીકરાને જલદી પરણાવી દેવાની ઇચ્છા રહેવાની. આવા સંજોગોમાં લગ્ન કરવા માગતી બે વ્યક્તિઓએ બન્નેની પરિસ્થિતિ સમજીને ઉકેલ લાવવો જોઈએ.

તમારા કેસમાં એ ઉકેલ લાવવાનો જ્યારે મોકો હતો ત્યારે પોતાના પેરન્ટ્સને વાત કરવાની પહેલ કરવામાં તમે પાછાં પડ્યાં. તમે બન્નેએ સ્વીકારી લીધું કે ભલે છોકરાના પરિવારવાળા બીજાની પસંદગી કરી લેતા. બહેન, તમે એકવીસમી સદીના યુવાનો છો. શું તમે કોને પસંદ કરો છો અને કોની સાથે લગ્ન કરવા માગો છો એની સ્પષ્ટ વાત પેરન્ટ્સ પાસે રજૂ કરવાની હિંમત નથી ધરાવતાં? જેમ તમે પાછાં પડ્યાં એમ પેલો યુવક પણ ડાહ્યોડમરો થઈને પરિવારે બતાવેલી છોકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો એ શું બતાવે છે?

હવે જ્યારે કોઈ ત્રીજી છોકરીની વાત વચ્ચે આવી છે

ત્યારે તેને ખરાબ ચીતરવી અથવા તો તે ‘મારા લવ’ને ખુશ નહીં રાખી શકે એની ચિંતા કરવી વ્યર્થ છે. જ્યારે આપણને જે જોઈતું હોય એ બીજાને મળે ત્યારે હંમેશાં એ મેળવનાર વ્યક્તિ લાયક નથી એવું જ લાગવાનું. આવા સમયે તમે સ્વસ્થતા અને તટસ્થતાપૂર્વક વિચારી શકો એવી સંભાવના પણ બહુ ઓછી છે. માટે પેલી છોકરી સારી નથી એવું સાબિત કરવાની દિશામાં જવાની જરાય જરૂર નથી. જો પેલા છોકરાનાં લગ્નની વાત પસંદગી કરવા સુધી જ પહોંચી હોય તો હજીયે સમય છે. પહેલાં તો તમારા બૉયફ્રેન્ડને શાંતિથી મળો. સાથે બેસીને નક્કી કરો કે એકબીજા સાથે લગ્ન કરવા માટે બન્ને કેટલાં સિરિયસ છો.

આ પણ વાંચો : પૂર્વકર્મોને કારણે અંગત અને પ્રોફેશનલ જીવનમાં ખૂબ મુશ્કેલીઓ આવી છે

જો તમને લાગતું હોય કે પેરન્ટ્સને કહેવાની હિંમત તો નહીં જ થાય તો તમારા ‘લવ’ની ચિંતા કરવાની પણ છોડી દો. સાથે જ તમારા પ્રેમીની પણ આ મામલે મક્કમતા દાખવવાની કેટલી તૈયારી છે એ પણ નાણી જુઓ. જો તમે બન્ને મજબૂત હશો તો તમારા પરિવારને એકાદ વર્ષ વહેલાં લગ્ન કરી લેવામાં અને તેના પરિવારને એક-બે વર્ષ રાહ જોઈ લેવામાં વાંધો નહીં આવે. પણ તમે બેઉ મક્કમ હો તો જ એ શક્ય છે, કેમ કે લગ્નમાં બે હાથે જ તાળી પડે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK