કહેવાય છે કે જે માણસજાતને જીતી લે છે એ જગ જીતી જાય, પણ જાતને જીતવા કરવાનું શું?

Published: May 16, 2019, 14:58 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

હું ૨૧ વર્ષનો છું. પોસ્ટ-ગ્રૅજ્યુએશન ચાલે છે અને સાથે પાર્ટટાઇમ જૉબ પણ કરું છું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ૨૧ વર્ષનો છું. પોસ્ટ-ગ્રૅજ્યુએશન ચાલે છે અને સાથે પાર્ટટાઇમ જૉબ પણ કરું છું. મેં બહુ નાનપણથી જ સફળ થવાનાં સપનાં જોયાં છે. ઘરમાં પહેલેથી જ વાંચનનો વારસો મળ્યો છે. ખêબ પુસ્તકો વાંચીને વિચાર-મનન કરવાનું મને ગમે છે. ઘણી વાર મોટિવેશનલ સ્પીકરોની ફિલોસૉફીને પ્રૅક્ટિકલી અમલી કઈ રીતે બનાવવી એ મૂંઝવણ થઈ જાય છે. આજે તમે એના પર પ્રકાશ પાડો તો સારું. કહેવાય છે કે બીજાને પાછળ પાડવાની માનસિકતા સાથે નહીં, જાતે આગળ વધવાના વિચારને પોષવાથી જ સફળ થવાય છે. બીજા લોકો પર જીત હાંસલ કરવા કરતાં વ્યક્તિ જો પોતાની જાત પર વિજય મેળવી લે તો જગ જીતી શકે. મને આ વાતનો પહેલો હિસ્સો બરાબર સમજાય છે. બીજા પર જીત હાંસલ કરવા જવામાં આપણે વ્યર્થ એનર્જી ખર્ચી નાખીએ છીએ. બીજા પર જીત મેળવવા માટે આપણું ફોકસ આપણી મંઝિલથી હટીને એ વ્યક્તિઓ પર કેશ્ચિન્દ્રત થઈ જાય છે. મારા અંગત અનુભવે કહું તો આ માનસિકતાને કારણે થાય છે એવું કે એક વ્યક્તિને પાછળ પાડ્યા પછી તમને બીજી આગળની વ્યક્તિને પછાડવાનો ગોલ મળી જાય છે. આપણે એમાં જ એવા ફસાયેલા રહીએ છીએ કે પર્સનલ ગ્રોથ ખોરંભે ચડી જાય છે. મને આ વાત સમજાઈ ગઈ છે, પણ હજીયે સમજણ એ નથી પડતી કે જાત પર જીત મેળવવી એટલે શું? ઘણા કહે છે મન અને છએ ઇન્દ્રિયો પર કાબૂ મેળવો એટલે જાતને જીતી લીધી કહેવાય, પણ શું ખરેખર સંસારમાં રહીને આપણે ઈન્દ્રિયો પર કાબê મેળવી શકીએ ખરા?

જવાબ: તમે નાની ઉંમરે ગહન વિચારો કરો છો એ ગમ્યું. મોટા ભાગે મોટિવેશનલ સ્પીકરો જે બોલે છે એ સાંભળીને થોડીક મિનિટો માટે કંઈક કરવાની ચાનક ચડી જાય છે, પણ એ સ્પીચનું હાદર્‍ જો જીવનમાં ન ઊતરે તો એ થોડા જ સમયમાં ઠાલી ફિલોસૉફીનો ખડકલો બનીને મગજમાં ખોટી જગ્યા રોકવા લાગે છે.

જીત. દરેક વ્યક્તિને જીતવું ગમે છે. બીજા પર જીત હોય કે જાત પર. જોકે સમસ્યા એ છે કે જાતને જીતવી બહુ અઘરી છે, કેમ કે એમાં તમારે તમારી જ આળસ, ચંચળતા, આવેગો અને નબળાઈઓ સામે જંગે ચડવું પડે છે. હું પર્સનલી એવું માનું છું કે જ્યાં જંગની વાત આવે છે ત્યારે એમાં સાથે-સાથે થોડીક આક્રમકતા, દમન અને જડતા પણ આવી જ જાય છે. જાતનું દમન કરવાનો કોઈ મતલબ નથી. ધારો કે તમે ઇન્દ્રિયો પર દમન કરીને તમારી પાસેથી અમુક કામ કઢાવી શકવામાં સફળ થાઓ તો શું થાય? થોડીક વાર માટે ખુશ થવાય, પણ પછી ફરીથી એ જ દમનનીતિ પર આવી જ જવું પડે. કશાકને જીતી લેવું એનો મતલબ એ કે જે-તે ચીજ, વ્યક્તિ કે પરિસ્થિતિ પર તમારું નિયંત્રણ હોવું. દમન કરીને લાવેલું નિયંત્રણ ઝાઝું ટકતું નથી. એના કરતાં જીતવાની લાય જ છોડી દેવી. બીજાને કે જાતને કોઈનેય જીતવાની જરૂર નથી. માત્ર જાગૃતિ હોવી જોઈએ.

આ પણ વાંચો : પતિને ફિઝિકલ રિલેશન સિવાય મારામાં કોઈ રસ નથી, પડતો શું કરવું?

દરેક ક્ષણે શરીર-મનમાં જે થાય છે એ બાબતે સભાનતા હોવી જરૂરી છે. તમે જે કોઈ કામ કરો છો એ બાબતે તમે સંપૂર્ણ સભાન હો એવી કોશિશ કરવી જોઈએ. આ સભાનતા ત્યારે જ આવે જ્યારે આપણે પહેલાં શરીરની ક્રિયાઓ બાબતે સભાન થઈએ. શરીરમાં શ્વાસ જાય અને ઉચ્છ્વાસ નીકળે છે એની પણ સભાનતા આવે ત્યારે આપણે જાત પરનું નિયંત્રણ મેળવ્યું કહેવાય.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK