પેરન્ટ્સ વિશે પૂછતા બૉયફ્રેન્ડ આપે છે બ્રેકઅપની ધમકી. શું કરૂ?

Published: Jul 19, 2019, 13:15 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

હું એક છોકરા સાથે પ્રેમમાં છું જે પહેલાં મારી ઑફિસમાં કામ કરતો હતો. તે દેખાવમાં ખૂબ હૅન્ડસમ અને ગુડલુ‌કિંગ છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું એક છોકરા સાથે પ્રેમમાં છું જે પહેલાં મારી ઑફિસમાં કામ કરતો હતો. તે દેખાવમાં ખૂબ હૅન્ડસમ અને ગુડલુ‌કિંગ છે. તે મુંબઈમાં એકલો જ રહે છે. ભાડે ઘર રાખીને બે છોકરાઓ સાથે તે રહે છે. વાત એમ છે કે તે મારાથી કશુંક છુપાવતો હોય એવું લાગે છે. તે મારા વિશે બધું જ પૂછે છે, પણ પોતાની વાત આવે ત્યારે કહે છે કે હું આ દુનિયામાં એકલો જ છું એમ સમજવાનું. જોકે ક્યારેક તે બીજા કલીગ્સ સાથે વાતચીત દરમ્યાન તેની બહેનનો બર્થ-ડે છે એવી વાત કરતો જોવા મળેલો અને જ્યારે મેં તેના વિશે પૂછ્યું તો તરત જ વાત કાપી નાખી. તેની શરત છે કે મારે તેના પરિવારજનો વિશે કંઈ જ ન પૂછવું. એ સિવાય તે મારી સાથે બહુ જ પ્રેમાળ બનીને વર્તે છે, પણ ગુસ્સો આવે ત્યારે તે કોઈનાય કન્ટ્રોલમાં નથી રહેતો. બે મહિના પહેલાં તેણે પોતાને સારી ઑપર્ચ્યુનિટી મળી રહી છે એમ કહીને જૉબ બદલી છે. ત્યારથી અમારા મળવામાં ઘટાડો થઈ રહ્યો છે. એમ છતાં તે ક્યારેક મને તેના દોસ્તો સાથેના અપાર્ટમેન્ટ પર બોલાવે છે. મોટા ભાગે હું જ્યારે જાઉં ત્યારે તેના દોસ્તો હોતા નથી ને એવા સમયે મને ત્યાં બહુ ઠીક લાગતું ન હોવાથી હું બહાર જવાની જીદ પકડું છું. હું જ્યારે મારી સ્કૂલ-કૉલેજની વાત કરું તોય તે પોતાના દિવસોની વાત જરાય કરતો નથી. તેના મોબાઇલમાં મૉમ અને ડૅડના નામે નંબર સેવ કરેલા છે અને છતાં તે મને કહે છે કે તે કડવા ભૂતકાળને ફરી કદી યાદ કરવા નથી ઇચ્છતો એટલે એ વિશે પૂછવું નહીં. એમ છતાં કુતૂહલવશ હું પૂછી બેસું છું અને તે બ્રેકઅપની ધમકી આપે છે. મારે શું કરવું?

જવાબ : આપણે ત્યાં કહેવત છે કે છાશ લેવા જવી હોય તો દોણી ન સંતાડાય. તમારો બૉયફ્રેન્ડ તમારી સાથે સંબંધ આગળ વધારવા માગે છે, પણ પોતાની દોણી સંતાડી રાખે છે. યસ, આ પ્રકારની બિહેવિયર શંકા ન ઊપજાવે તો નવાઈ લાગે.

બની શકે કે તેનો ભૂતકાળ ખરેખર કડવો હોય, પણ જેની સાથે તમે આખું જીવન જોડવા જતાં હો તેના પરિવારજનો અને કૌટુંબિક સંબંધોનું સમીકરણ શું છે એ સ્પષ્ટ હોવું જરૂરી છે. કદાચ જો તમે માત્ર એક દોસ્ત હો અને તે અંગત વાત ન કરે તો ચાલે, પણ જો તમે આગળ જતાં જીવનસાથી બનવાનું વિચારતાં હો તો બન્ને પક્ષે પૂરી પારદર્શિતા હોવી અતિઆવશ્યક છે.

તમારે એક વાર બહુ સ્પષ્ટતા સાથે તેની સાથે વાત કરવાની જરૂર છે. એ પહેલાં થોડું ઑબ્ઝર્વેશન કરવું પણ જરૂરી છે. જ્યારે પણ તેના પેરન્ટ્સ કે પરિવારની વાત આવે છે ત્યારે તે કંઈક છુપાવવા માગતો હોવાથી ગુસ્સે થાય છે કે પછી તે દુખી થઈ ગયો હોવાથી પીડા છુપાવવાના પ્રયત્નરૂપે અકળાય છે? આ બહુ બારીક નિરીક્ષણ છે. છુપાવનારના ચહેરા પર ભય હોય છે જ્યારે દુખી વ્યક્તિના ચહેરા પર પીડા. તમારે તેને વિશ્વાસ અપાવવો પડશે કે ગમેએવો ભૂતકાળ હશે, તમે તેનો સાથ નહીં છોડો. એમ છતાં તે ન વાત કરે તો તમારે તેને સ્પષ્ટપણે કહેવું પડશે કે જ્યાં સુધી તે તેના પરિવાર વિશે વાત નહીં કરે ત્યાં સુધી તમે પણ આ સંબંધમાં આગળ વધવા નથી ઇચ્છતાં.

આ પણ વાંચો : દહેજના નામે મને સતાવીને બીજી છોકરીઓ જોવા લાગેલા સાસરિયાંઓનું શું કરું?

જો તેના માટે કડવો ભૂતકાળ આજના તમારી સાથેના વર્તમાન કરતાં પણ વધુ મહત્ત્વનો હોય તો એ સ્પષ્ટ કરે છે કે તે તમારા કરતાં વીતી ગયેલા સમયને વધુ પસંદ કરે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK