બાળક દત્તક લેવાની બાબતમાં ઘરના તમામ સભ્યોનું અલગ મંતવ્ય છે. શું કરવું?

Published: Jun 06, 2019, 14:05 IST | સેજલને સવાલ - સેજલ પટેલ

મારો પરિવાર ઑથોર્ડોક્સ છે અને ખૂબ જ રૂટીન પ્રકારની જિંદગી માટે ટેવાયેલો છે. મારા હસબન્ડ મુક્ત વિચારના છે પરંતુ પરિવારથી વિરુદ્ધ જઈને કોઈ પણ નિર્ણય લેવામાં સંકોચ થાય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: મારો પરિવાર ઑથોર્ડોક્સ છે અને ખૂબ જ રૂટીન પ્રકારની જિંદગી માટે ટેવાયેલો છે. મારા હસબન્ડ મુક્ત વિચારના છે પરંતુ પરિવારથી વિરુદ્ધ જઈને કોઈ પણ નિર્ણય લેવામાં સંકોચ થાય છે. ઘરમાં હંમેશાં વડીલોનું જ ધાર્યું થાય એવું વલણ અહીં રહ્યું છે. મને પણ બીજી બાબતોમાં એટલી તકલીફ નથી, પરંતુ માત્ર અમારા અંગત જીવનમાં તેમનો ચંચુપાત વધારે છે એની સમસ્યા છે. અમારા બન્નેની ઉંમર હવે ૩૭ વર્ષ થશે. અમે ફર્ટિલિટી માટે બે વાર ટ્રીટમેન્ટ કરાવેલી, પણ એ પછીયે સફળતા નથી મળી. આખરે અમે સ્વીકારી લીધું કે આપણે આપણું બાળક નથી કરવું. એના કરતાં સાવ નવજાત હોય એવું બાળક દત્તક લઈ લઈએ. આ વાતે ઘરમાં વડીલો વચ્ચે પણ મતભેદો થઈ ગયા છે. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ. જેઠને આ વાત બહુ સારી લાગી છે, જ્યારે જેઠાણી વાંકાં છે. સાસુમાને વાંધો નથી, પણ સસરા કહે છે કે પારકું લોહી આપણા ઘરમાં ન જોઈએ. સાસરેથી પાછાં આવેલાં નણંદબાએ જીવનની બહુ થપાટો ખાધી છે એટલે તેમનું કહેવું છે કે તમતમારે ચાહે એ કરો. જો બાપુજી ના માને તો જુદા રહેવા જતાં રહો, પણ બાળક દત્તક લેવું હોય તો એ કામ કરવું જ જોઈએ. અમને એમ લાગે છે કે બાળક હંમેશાં પરિવારમાં ખુશી લાવવાનું માધ્યમ હોય છે, જ્યારે અમે જે કરવા જઈ રહ્યાં છીએ એ વિવાદ ખડા કરે છે. મારા હસબન્ડ કહે છે કે પરિવાર સાથે ઝઘડીને આપણે દત્તક બાળક પણ નથી લેવું. જોકે આ નિર્ણયને કારણે સસરા-જેઠાણી અને એ બધા તરફથી ફરીથી ફર્ટિલિટી ટ્રીટમેન્ટ દ્વારા પોતાનું બાળક કરવાનું પ્રેશર તો ઊભું જ છે. શું કરવું એ સમજાતું નથી.

જવાબ: આજના વિભક્ત થઈ રહેલા સમાજમાં તમે હજીયે સંયુક્ત પરિવારની પરંપરાને જાળવી રાખી છે એ ઉમદા છે. ભારતીય સમાજમાં સ્ત્રીઓ પર બાળક માટેનું જે દબાણ કરવામાં આવે છે એ અત્યંત ગૂંગળાવનારું છે. બાળક પેદા કરવું કે ન કરવું એ ઍબ્સોલ્યુટલી પતિ-પત્નીએ જ નક્કી કરવું જોઈએ. પોતાનું બાળક મેળવવાની ઝંખના આમ તો દરેક સ્ત્રીને હોય જ, પણ જ્યારે એમાં મુશ્કેલી પડતી હોય ત્યારે વ્યક્તિએ પોતાની જાતને તો સમજાવવાની હોય જ છે, પણ સાથે પરિવારજનોની વેધક નજરનો પણ સામનો કરવો પડે છે.

દત્તક બાળક લેવાનો તમારો વિચાર ઉત્તમ છે. કદાચ આજની દુનિયાની ડિમાન્ડ પણ છે. હજારો બાળકો અનાથ અને તરછોડાયેલી અવસ્થામાં મળે છે. જો તેમને પ્રેમ આપીને ઉછેરવામાં આવે તો તમને માની મમતા વહાવવાનો મોકો મળે અને પેલા અનાથ બાળકને હૂંફાળી ગોદ. બન્ને પક્ષે વિન-વિન સિચુએશન થઈ જાય. જોકે પરિવારજનો એ વાતના વિરોધમાં હોય તો અધૂરા મન સાથે બાળક દત્તક લેવાની પ્રક્રિયા ન કરવી. એનું કારણ એ છે કે આવનાર બાળકને જો ઘરમાં જ ક્યાંક ઘૃણા અને તિરસ્કારનો સામનો કરવાનો આવશે તો એ તેના માનસિક વિકાસ માટે વધુ આકરું હશે. કદાચ તમે નણંદના કહેવા મુજબ અલગ રહેવા જતાં રહો અને પછી બાળક દત્તક લો તોય વિખૂટાં પડવાનું કારણ તો કહેવાશે જ.

આ પણ વાંચો : યોનિપ્રવેશથી પત્નીને દુઃખાવો થાય છે શું કરું?

કદાચ ઑથોર્ડોક્સ વિચારશૈલીને કારણે પરિવારજનોને બીજાના સંતાનને અપનાવતાં તકલીફ થતી હોય તો તેમને સમય આપો અને તમારો અડગ નિર્ણય જણાવી દો કે કાં તો બાળક દત્તક લઈશું કાં બાળક વિનાનાં રહીશું. જે અસમંજસ તમે અનુભવો છો એ તેમને અનુભવવા દો, આપમેળે પરિવારજનો ચોક્કસ તમારા મનની વાત સમજશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK