લગ્નના બે પ્રપોઝલમાં રિજેક્શન મળતાં ભાઈ હવે લગ્ન કરવાની જ ના પાડે છે

સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ | Oct 10, 2019, 16:08 IST

કૉલેજના દિવસોમાં બહુ ઝડપથી જુવાનિયાઓમાં દિલની આપ-લે થઈ જતી હોય છે, પણ ૨૫-૨૭ વર્ષની ઉંમર પાર કરો એટલે તમારે જીવનસાથીની શોધ માટે ખરેખર મહેનત કરવી પડે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : કૉલેજના દિવસોમાં બહુ ઝડપથી જુવાનિયાઓમાં દિલની આપ-લે થઈ જતી હોય છે, પણ ૨૫-૨૭ વર્ષની ઉંમર પાર કરો એટલે તમારે જીવનસાથીની શોધ માટે ખરેખર મહેનત કરવી પડે. મારા ભાઈના કેસમાં પણ એવું જ બની રહ્યું છે. આમ તો તે કળાનો જીવ છે અને એન્જિનિયરિંગનું ભણીને એક મલ્ટિનૅશનલ કંપનીમાં કામ કરી રહ્યો છે. અત્યારે તેની ઉંમર ૨૯ વર્ષની છે અને બે બ્રેક-અપ પછી હાલમાં તે એકલો છે. એ પછી તે કોઈક રિલેશનશિપ માટે એટલો ડેસ્પરેટ હતો કે તેની જ ઑફિસમાં એક-બે જણને એમ જ પ્રપોઝ કરીને ઊંધેકાંધ પટકાયો. તેની એ છોકરીઓ સાથે કોઈ દોસ્તી નહોતી અને છતાં તેને લાગતું હતું કે હવે જો તે મોડું કરશે તો સિંગલ રહી જશે એટલે તેણે એમ જ પ્રપોઝ કરી દીધું. તેમના તરફથી ચોખ્ખી ના આવી. એટલું જ નહીં, વાત ઑફિસમાં ફેલાઈ ગઈ હોવાથી તેની મજાક પણ બની. અત્યારે તે બહુ જ નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેને કઈ રીતે સંભાળવો એ સમજાતું નથી. આટલા કડવા અનુભવ પછી તે અત્યારે બીજા જ અંતિમ પર ઊભો છે અને કહે છે કે હવે તેને લગ્ન જ નથી કરવાં. તેનો સ્વભાવ અને ફિતરત જોતાં તે એકલો રહી શકે એમ જ નથી. આ બધા અનુભવ પહેલાં તે બહુ જ સોશ્યલ હતો, પણ હવે તે પોતાના કોચલામાં સંકોરાવા લાગ્યો છે. અમારા ઘરમાં જ્ઞાતિ કે સમાજના મૅરેજ બ્યુરો દ્વારા જોડી ગોઠવવાનો વિચાર પણ થઈ શકે એમ નથી. એવી ફૉર્મલ વ્યવસ્થાથી અમે બહુ દૂર થઈ ગયા છીએ ત્યારે તેના માટે પ્રેમલગ્ન જ વિકલ્પ છે. તેને આ ફેઝમાંથી બહાર કેવી રીતે કાઢવો?

જવાબ : જ્ઞાતિ/સમાજની મૅરેજ બ્યુરો જેવી વ્યવસ્થાથી દૂર રહેનારા બહુ ભાગ્યે જ જોવા મળે છે. સમાજની આવી વ્યવસ્થાઓ થોડીક ઑર્થોડોક્સ ભલે લાગે, પણ એમાંથીયે સમજપૂર્વક પસંદગી કરવામાં આવે તો કમ્પૅટિબલ જીવનસાથી જરૂર મળી શકે.

મહત્વનું બે પાત્રોની કમ્પૅટિબિલટી છે. એ પાત્રો કયા માધ્યમથી કે કઈ ચૅનલ દ્વારા મળે છે એ નહીં. પ્રેમ દ્વારા જ લાઇક-માઇન્ડેડ વ્યક્તિ મળી શકે એવું નથી, અરેન્જ્ડ મૅરેજમાં પણ મળી જ શકે છે. જરૂર હોય છે જ્યારે આપણે પસંદગી કરી રહ્યા હોઈએ ત્યારે આપણું પોતાનું મગજ સ્વસ્થ અને સંતુલિત વિચારો કરી શકતું હોય. પૈસા, દેખાવ, માનમોભો, સ્ટેટસ, ઓળખાણ જેવી ચીજોને બાજુએ મૂકીને તમે વૈચારિક, બૌદ્ધિક અને ઇમોશનલ વેવલૅન્ગ્થ મૅચ થાય છે કે નહીં એ જોઈ શકો.

અત્યારે તમારા ભાઈના મનમાં એવું લાગે છે કે તે તરત ‘પ્રેમ’ નહીં કરી લે તો પછી તેને જીવનસાથી નહીં મળે. એટલે જ તેણે ડેસ્પરેશનમાં ખોટાં ડગલાં લીધાં ને હવે આ દ્રાક્ષ ખાટી છે એમ કહીને હવે તો ઉપવાસ જ કરવા છે એવું નક્કી કરી બેઠો છે. આ સ્મશાન વૈરાગ્ય કહેવાય. એ જો લાંબો ચાલ્યો તો તે વધુ હેરાન થશે.

આ પણ વાંચો : મારી ગર્લફ્રેન્ડ મારા પહેલાના રિલેશનશિપને લઈને મારા પર શંકા કર્યા કરે છે

મને એવું લાગે છે કે જો તેને સમજાવવામાં આવે કે અરેન્જ્ડ મૅરેજ માટેની પ્રચલિત વ્યવસ્થાઓ તેને પસંદ ન હોય તો તે મૉડર્ન અપ્રોચ ધરાવતી મૅચમેકિંગ વેબસાઇટ્સ કે ઍપ્સનો સહારો પણ લઈ શકે છે. એ એક પ્રકારે અરેન્જ્ડ જેવી જ વ્યવસ્થા છે, પરંતુ અહીં ફાયદો એ છે કે બે વ્યક્તિ પહેલી મુલાકાતથી જ એકબીજાને જીવનસાથી તરીકે ફાવશે કે નહીં એ દૃષ્ટિકોણથી જ જુએ છે. તમે ખુલ્લામને એકબીજાને સવાલો કરી શકો છો, બે-ત્રણ-પાંચ વાર મળી શકો છો અને પછી નક્કી કરી શકો છો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK