મારી ફ્રેન્ડે લવ-મેરેજ કર્યા હતા 6 વર્ષ બાદ પતિ એની સાથે રૅપ જેવી હરકત કરે છે

Published: Sep 27, 2019, 16:52 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

લગ્નજીવનમાં થતા રેપ માટે સ્ત્રીએ કોની પાસે જઈને ફરિયાદ કરવી?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી બહેનપણીની જિંદગીમાં અચાનક જ એવો બદલાવ આવ્યો છે કે તે પોતે પણ હેબતાઈ ગઈ છે. લવ-મૅરેજ કરેલાં ત્યારે તેનો પતિ બન્ને પરિવારો સામે એવો અડી ગયેલો કે બન્ને પક્ષોની બોલતી બંધ થઈ ગયેલી અને બન્ને પરિવારો ચૂપચાપ તેમનાં લગ્ન કરાવી આપવા તૈયાર થઈ ગયા હતા. લગ્નને છ વર્ષ થઈ ગયાં છે અને એક બાળક પણ છે. મારી બહેનપણી બહુ જિદ્દી અને અડિયલ હતી એટલે અમે લોકો તેને કહેતાં કે તને સમજે અને સાચવી શકે એવો છોકરો ક્યાંથી મળશે? તેનાં લગ્ન થયાં પછી અમે જ્યારે પણ તે કપલને મળતાં ત્યારે સાચે જ મને લાગતું કે બન્ને એકબીજા માટે જ બન્યાં છે. બાળકના જન્મ પછી તેમની વચ્ચે થોડીક તકલીફો શરૂ થવા લાગેલી. તેના વરે નોકરી છોડીને ધંધો શરૂ કર્યો અને એમાં જોઈએ એવું સેટિંગ ન થયું હોવાથી પૈસેટકે પણ હવે જરાક સ્થિતિ નબળી પડી છે. આ બધું તો આપણે ચલાવી લઈએ, પણ બહેન, પરિસ્થિતિની સાથે તેના પતિના સ્વભાવમાં એવો બદલાવ આવ્યો છે કે કોઈ સ્ત્રી ન ચલાવે. મારી બહેનપણી કહે છે કે છેલ્લા લગભગ આઠેક મહિનાથી તેમની વચ્ચે બેડરૂમમાં કંઈ ઠીક નથી ચાલી રહ્યું. પેલી ના કહે એટલે પતિને જોર ચડે અને લિટરલી તમે રેપ કહી શકો એ હદે જબરજસ્તી કરે. સવારે પાછો નાના બાળકની જેમ માફી માગી લે. છ મહિના પહેલાં તેણે મને વાત કરેલી અને હવે તો વાત વણસતી જ જાય છે. લગ્નજીવનમાં થતા રેપ માટે સ્ત્રીએ કોની પાસે જઈને ફરિયાદ કરવી? હજી તે પોલીસ ફરિયાદ કરવાની ના જ પાડે છે. બલિહારી એ છે કે બાકી તે એટલો પ્રેમ દર્શાવે છે કે કોઈને આ વાત કહી હોય તો સાચી ન માને.

જવાબ : અજાણ્યાઓ દ્વારા થતી જબરજસ્તી કરતાં જ્યારે જાણીતા અને જેને ખૂબ ચાહી હોય એવી વ્યક્તિ જ જાતીય અત્યાચાર કહેવાય એવી બળજબરી કરે એ બહુ કઠિન સ્થિતિ છે. આ અનુભવ માત્ર શારીરિક રીતે જ નહીં, માનસિક રીતે પણ ખૂબ ટ્રૉમેટિક હોય. જોકે તમે જે વાત કરી છે એમાં મને એવું લાગે છે કે પરિસ્થિતિને માત્ર સ્ત્રી પર થતા અત્યાચાર સાથે જોડીને અલગ ઍન્ગલ આપી ન દેવો જોઈએ. પતિ-પત્ની વચ્ચે બેડરૂમમાં જ થાય છે એની વાતો કાયદાની રૂએ કરવા લાગવી પડે ત્યારે સમજવું કે આપણો સમાજ હજી સંબંધોની બાબતમાં બહુ અપરિપક્વ છે. એમાંય જ્યારે પોતાના જ પરિવારજનો સામે લડીને પ્રેમલગ્ન કરીને સાથે રહેવાનું નક્કી કરનારા યુગલને માત્ર આ એક જ બળજબરીના મુદ્દાને ધ્યાનમાં રાખીને મુલવવો ઠીક નથી.

તમારે જો આ કેસમાં કંઈક મદદ કરવી હોય તો બને ત્યાં સુધી સલાહ આપવાથી દૂર રહો. આ તો મેરિટલ રેપ કહેવાય, પ‌ત્નીને મસોતાની જેમ વાપરીને ફેંકી દો એ કંઈ થોડું ચલાવી લેવાય... જેવાં ઉશ્કેરણીજનક વાક્યોથી બળતામાં ઘી હોમાશે અને વાત વધુ વણસશે. પતિ-પત્નીના સંબંધોમાં ક્યારેક બન્ને પાત્રો પોતપોતાની મનમરજી કરી જ લેતાં હોય છે. આ વાતને વધુ હાઇલાઇટ કરવાને બદલે એ શોધવું મહત્વનું છે કે આવું શા માટે થઈ રહ્યું છે.

આ પણ વાંચો : મારી પત્નીને સેક્સ દરમિયાન યોનિપ્રવેશ વખતે દુખાવો થાય છે. કોઈ ઉપાય બતાવો

બહેનપણીનો પતિ કંઈ ક્રિમિનલ રેપિસ્ટ તો નથી જ. તમારા પત્રમાંથી એવું પણ સમજાય છે કે તેમની વચ્ચે આ બાબતને બાદ કરતાં બીજી તકલીફો નથી. હા, બેડરૂમમાં બળજબરી થાય એની નારાજગી રોજિંદા જીવનમાં દેખાય, બાકી તેમની વચ્ચે પ્રેમ નથી રહ્યો કે પરવા નથી રહી એવું કંઈ તો નથી જ. સમજવાની જરૂર છે કે મેઇડ ફોર ઇચઅધર ગણાતું કપલ અત્યારે કેમ આ સ્થિતિમાં છે. આવા સંજાગોમાં આ યુગલને એકબીજા વિરુદ્ધ ઉશ્કેરવાને બદલે બન્નેની વાત સાંભળે એવા સાઇકોલૉજિસ્ટ અને સેક્સોલૉજિસ્ટને કન્સલ્ટ કરવાનું કહેવું જોઈએ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK