મૂંગાં પ્રાણીઓની સેવા માટે મેં નોકરી છોડી દીધી, પણ ભાઈ-ભાભીને તકલીફ થવા લાગી છે

સેજલને સવાલ - સેજલ પટેલ | Jun 13, 2019, 13:17 IST

હું ૩૮ વર્ષની છું. અનમૅરિડ છું અને એમ જ રહેવા માગું છું. યંગ એજમાં પ્રેમ થયેલો પણ સાથે રહેવાનું સંભવ ન બન્યું.

મૂંગાં પ્રાણીઓની સેવા માટે મેં નોકરી છોડી દીધી, પણ ભાઈ-ભાભીને તકલીફ થવા લાગી છે

સવાલ : હું ૩૮ વર્ષની છું. અનમૅરિડ છું અને એમ જ રહેવા માગું છું. યંગ એજમાં પ્રેમ થયેલો પણ સાથે રહેવાનું સંભવ ન બન્યું. મને જીવનમાં જે ચીજ જોઈએ એ ન મળે તો હું એના વિના ચલાવી લઉં પણ પસંદગીમાં કૉન્પ્રોમાઇઝ કરવામાં નથી માનતી. અત્યારે મમ્મી અને ભાઈ-ભાભી સાથે રહું છું. જીવનમાં એકલતાની લાગણીને ભરવા માટે હું પ્રાણીઓ તરફ અનાયાસે વળી ગઈ હતી. પહેલાં શેરીઓમાં ફરતા એક-બે માંદા કૂતરાઓની સારવાર કરાવી અને તેમને રાખવાનું શરૂ કર્યું. એ પછી કોઈ પાળેલા કાચબાને એમ જ રસ્તે છોડી ગયેલું તેને હું ઘરે લઈ આવી. ક્યારેક ઘાયલ પંખીઓની પણ હું સારવાર કરું છું. મને આ કામમાં બહુ જ સંતોષ મળે છે, પણ પૂરો સમય નથી આપી શકતી. ઘરમાં છ પાળેલાં પ્રાણીઓ છે અને પંખીઓની અવરજવર તો ખરી જ. આ બધાંને કારણે ઘરમાં બહુ તકલીફ થવા લાગી છે. ભાઈ-ભાભી પણ જૉબ કરતાં હોવાથી ઘરે મમ્મી પહોંચી વળતી નહોતી. મેં આ બધાંની સંભાળ રાખવા માટે થઈને દોઢ-બે વર્ષથી નોકરી છોડી દીધી છે. હવે સમસ્યા એ થાય છે કે પાળતું પ્રાણીઓ માંદા-સાજા થાય તો એનો ખર્ચ વગેરે બહુ થાય છે. મારો ભાઈ અત્યારે તો ખર્ચ માટે ના નથી પાડતો, પણ ભાભીની બડબડાટને કારણે મમ્મી કહે છે કે તારાં આ પાળેલાં પ્રાણીઓને લઈને બીજે રહેવા જતી રહે. આ જ પ્રાણીઓ મારો પરિવાર છે, તેમને કેવી રીતે છોડી દેવાં? મારો જ પરિવાર મને સમજતો નથી. આ પ્રાણીઓ મને જીવથીયે વહાલાં છે, પણ મારા પરિવારજનોને એ આંખમાં કણાની જેમ ખટકે છે. પરિવારને પણ પ્રાણીઓ પ્રત્યે પ્રેમ જાગે અને તેઓ પણ આ કામમાં સપોર્ટ કરે એ માટે શું કરવું?

જવાબ : માત્ર પ્રાણીઓ માટે નહીં, પૃથ્વી પરના તમામ સજીવો પ્રત્યે કાળજી અને અનુકંપા હોવાં જ જોઈએ. જોકે આ વાતમાં થોડાક પ્રૅક્ટિકલ પણ થવું જોઈએ. તમને પ્રેમ છે તો એ સારું છે, બધાએ પ્રાણીઓને પ્રેમ કરવો એવો આગ્રહ ઠીક નથી. તમે એવી અપેક્ષા રાખો છો કે બધા તમે જેમ ઇચ્છો એ મુજબનો પ્રાણીઓને પ્રેમ કરે, જે સંભવ નથી.

તમારાં મમ્મી જે અત્યારે સમજાવે છે એ બાબતે ગંભીરતાથી ધ્યાન આપવાની જરૂર છે. ભાઈ-ભાભીનું ઘર એ પોતાનું ન ગણાય એવું નથી, પણ ઘર એવું હોય જેમાં તમારી પ્રવૃત્તિઓ અને રહેણીકરણીથી એ ઘરમાં બધા જ લોકો કમ્ફર્ટેબલ હોય. મુંબઈનાં નાનાં ઘરોમાં તમે ઘરમાં પાળેલાં પ્રાણીઓ અને પંખીઓને રાખતાં હો અને તમારાં ભાઈ-ભાભીને એ ન ગમતું હોય તો એ તેમના પરનો અણગમતો બોજો જ છે. આજે ભલે તેઓ નથી બોલતાં, જ્યારે પાણી ગળે આવી જશે ત્યારે વાત બહુ બગડશે. એમાં પાછું તમે પ્રાણીઓને રાખવા માટે નોકરી પણ છોડી દીધી છે. મતલબ કે તમે આર્થિક નિર્ભરતા પણ નથી જાળવી. તમારે આજની જ નહીં, ભવિષ્યની ચિંતા પણ કરવાની છે. તમે આર્થિક રીતે પગભર રહો એ તમારા ઘડપણ માટે પણ બહુ જરૂરી છે એમ થશે તો જ પાછલી જિંદગી ઓશિયાળાં બનીને નહીં જીવવું પડે.

આ પણ વાંચો : ઇન્દ્રિયમાંથી ચીકણું અને ઘટ્ટ વીર્ય વહી જાય છે અને ઉત્તેજના આવતી નથી

તમારે જો મૂંગાં અને અબોલ પ્રાણીઓની સેવા કરવી હોય તો જાતે પગભર થાઓ. આ માટે અનેક સંસ્થાઓ કાર્યરત છે તેમની સાથે મળીને કામ કરો. જાતે જ બધું કરવું એવો અભરખો છોડો, પ્રાણીઓની સંભાળ જરૂર રાખો, પણ પરિવારજનોને પરેશાની ન થાય એની દરકાર પણ રાખો. એમ કરશો તો જ ભાઈ-ભાભીને તમે પાળેલાં પ્રાણીઓથી પ્રેમ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK