લગ્ન બાદ જેઠાણી મને કામમાં વાંક કાઢીને કૉર્નર કર્યા કરે છે. શું કરું?

Published: Feb 05, 2020, 15:58 IST | Sejal Patel | Mumbai

પિયરમાં મોટી હોવાથી જવાબદારીના મામલે સાંભળવું પડતું હતું, લગ્ન બાદ નાની વહુ છું એટલે બધાની આંખે ચડું છું

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારાં લગ્ન થયાંને દોઢ વર્ષ થયું છે. સાસરીમાં આમ તો સેટ છું, પણ જેઠાણીની સમસ્યા હજી છે. તે રોજ કોઈકને કોઈક કામમાં વાંક કાઢીને મને કૉર્નર કર્યા કરે છે. તેને પોતાને સામાજિક જવાબદારીઓ નિભાવવી ગમતી નથી એટલે તે બધે જ મને આગળ કરે છે અને પછી જો બહાર મારાથી કોઈકને કંઈક બોલાઈ જાય તો મને જ વગોવે. તેનો તો બધા સંબંધીઓ સાથે ઘરોબો બંધાઈ ગયો છે એટલે બીજા લોકો પણ તેની ભૂલોને અથવા તો કડવા શબ્દોને બહુ તૂલ નથી આપતા, પણ જો હું તેમને સહેજ માપ આપવામાં કાચી જાઉં તો તરત વાત સાસુમા સુધી પહોંચે. છેલ્લે બે-ત્રણ વાર મેં કોઈક બહાનું કાઢીને જવાનું ટાળ્યું અને મારાં જેઠાણીને જ મોકલ્યાં. અમારા પરિવાર તરફથી મોટો વહેવાર નહોતો થયો એટલે મને હતું કે એ સોશ્યલ ફંક્શનમાં કંઈક તો ગરબડ થશે જ. પણ એવું ન થયું. જેઠાણીએ પોતાના તરફથી ચાંદલો ઉમેરીને વાતને જાળવી લીધી. જો આવું મેં કર્યું હોત તો મારાં સાસુએ મને ઠપકો આપ્યો હોત, પણ જેઠાણીને કંઈ જ ન કહ્યું. જેઠાણીના સજેશન્સ તેમને માન્ય હોય, પણ મારાં નહીં. હું કંઈક કહું એટલે તરત કહે કે આપણા પરિવારના રિવાજો તને નહીં સમજાય. જેઠાણી જ્યારે નવાં લગ્ન કરીને આવ્યા ત્યારથી તેમણે સાસુને પોતાનાં કરી રાખ્યાં છે. મારા સગાંવહાલાંઓ કહે છે કે મારી સાસુએ જેટલી મને હેરાન કરી છે એનાથી અડધી પણ મારી જેઠાણીને નથી કરી. તેનાં લગ્નને નવ વર્ષ થયાં છે. પિયરમાં હું મોટી દીકરી હતી એટલે ત્યાં પણ જવાબદારીના નામે મને સાંભળવું પડતું હતું અને અહીં હું નાની હોવાથી બધા મને સંભળાવી જાય છે. મુસીબતો હંમેશાં મારી પર જ કેમ આવે છે?

જવાબ : કુછ તો લોગ કહેંગે લોગોં કા કામ હૈ કહેના... આ વાક્ય જીવનમાં દરેક ડગલે યાદ રાખવી જરૂરી છે. લગ્ન પછી નવા ઘરમાં સેટલ થવાનો તબક્કો દરેક યુવતીના જીવનમાં બહુ જ મહત્ત્વનો હોય છે. એવા સમયે છોકરીઓ બીજા સાથે પોતાની સરખામણી ન કરે એ બહુ જ મહત્ત્વનું છે. બીજા સાથે આમ થાય છે તો મારી સાથે કેમ નહીં? બીજાને આ હકો મળે છે તો મને કેમ નહીં? આવી તુલના કદી ન કરવી.

બીજું, મુસીબત કદી કોઈનો ચહેરો જોઈને ભટકાતી નથી. ઇન ફૅક્ટ, મુસીબત જેવું કંઈ હોતું જ નથી. માત્ર પરિસ્થિતિઓ જ હોય છે. જ્યારે આપણે પરિસ્થિતિને હૅન્ડલ નથી કરી શકતા ત્યારે એ સ્થિતિ આપણા માટે મુસીબત સમાન ભાસે છે. તમારાં જેઠાણીએ જે-તે સોશ્યલ ફંક્શનમાં પરિસ્થિતિનો તાગ મેળવીને જે કરવા જેવું હતું એ કરી લીધું, તમે એ સ્થિતિમાં હોત તો એવો નિર્ણય લેવાનું ચૂકી ગયા હોત અથવા તો નિર્ણય લેવાની હિંમત ન કરી શક્યા હોત. બરાબરને?

બીજા લોકો તેમને વખોડતા કેમ નથી એવો પ્રશ્ન કરવાને બદલે તમારે એ વિચારવું જોઈએ કે તમે જે પરિસ્થિતિઓમાં મુકાઓ છો એમાં ફરિયાદ કરવાને બદલે તમારે શું કરવું જોઈએ? કોઈ શું કહેશે એનો ડર રાખ્યા વિના તમારે જે-તે સ્થિતિમાં સાચું શું થવું જોઈએ એનો વિચાર કરીને નિર્ણય લેવો. બને કે એ નિર્ણય ખોટો હોય તો સાંભળવું પણ પડે. ધારો કે સાંભળવું પડે તો એમાંથી શીખવું અને નેક્સ્ટ ટાઇમ એનું ધ્યાન રાખવું.

અને હા, હજી તમારાં નવાં-નવાં લગ્ન છે ત્યારે તમારે સાસરિયાંઓનો વિશ્વાસ જીતવા માટે ધીરજ તો રાખવી જ પડશે. તમે મનમાં નકારાત્મકતા રાખશો તો વિશ્વાસ જીતવાની પ્રક્રિયા વધુ કપરી બનશે. એના કરતાં તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરતા રહેશો તો વાંધો નહીં આવે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK