હું કૉલગર્લ પાસે ગયો એ વાતનો હંગામો કરનારી મારી પત્ની પોતે લેસ્બિયન છે

Published: Mar 13, 2020, 14:16 IST | Sejal Patel | Mumbai

હું કૉલગર્લ પાસે ગયો એ વાતનો હંગામો કરનારી મારી પત્ની પોતે લેસ્બિયન છે, એનું શું કરવું?

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારાં લગ્નને દસ વર્ષ થયાં છે. આઠ વર્ષની એક દીકરી છે અને છેલ્લા સાત-આઠ મહિનાથી પત્ની સાથે ઝઘડા ચાલી રહ્યા છે. વાત એમ હતી કે લગ્ન પછી પણ મારી પત્નીને ભાગ્યે જ મારી સાથે સંબંધ રાખવામાં રસ પડતો. બહુ કહેતો ત્યારે તે મહિને-બે મહિને તૈયાર થતી. લગ્નના પાંચેક વર્ષ પછી તો તેણે સાવ જ નિઃરસતા દાખવવી શરૂ કરી. હું સ્વીકારું છું કે મારે તેને પ્રેમથી જીતવાની કોશિશ કરવી જોઈતી હતી, પણ મેં શૉર્ટકટ વાપર્યો અને હું કૉલગર્લના સહારે ગયો. ત્રણેક મુલાકાત થઈ હશે ત્યાં એની ઘરમાં ખબર પડી ગઈ અને શરૂ થયો તાયફો. બહુ ઝઘડો થયો અને તેણે આ વાત બેડરૂમમાં રાખવાને બદલે મારા અને તેના તમામ પરિવારજનોને કહી દીધી. સ્વાભાવિક રીતે બધાની મારા તરફ જોવાની દૃષ્ટિ બદલાઈ ગઈ. જીવવું કઠિન થઈ પડેલું, પણ કંઈક આડુંઅવળું પગલું લઈશ તો દીકરીનું શું થશે એ વિચારીને જાતને કાબૂમાં લીધી. છૂટાછેડા સુધી વાત પહોંચી, પણ તેણે એટલી મોટી રકમ માગી કે મારી ઓકાત નહોતી એટલે માફી માગીને વાતને ત્યાં જ પૂરી કરવા સમજાવ્યું. તે ઘરની બહાર જાય તોય મારાથી પૂછાય નહીં કે ક્યાં જાય છે અને ક્યારે આવશે? ધારો કે પૂછી લીધું તો તરત જ વડછકું નાખે કે તમારી જેમ કોઠા પર નથી જવાની. ઘટનામાં ટ્વિસ્ટ  હવે છે. મને થોડાક સમય પહેલાં જ ખબર પડી છે કે તેને મારી સાથે રસ એટલા માટે નથી કેમ કે તેને લેસ્બિયન સંબંધોમાં વધુ રસ છે. તેની એક ફ્રેન્ડ છે જે મુંબઈમાં જ રહે છે અને તે ડિવોર્સ લેવાની છે. મેં આ વાત જ્યારે તેને પૂછી તો પહેલાં તો તેણે ઘસીને ના પાડી દીધી, પણ જ્યારે દીકરીના સમ દીધા ત્યારે તેણે એ કબૂલી લીધું. આ ઘટના જાણ્યા પછી મારી સાથે બહુ મોટી છેતરામણી થઈ છે એવું લાગે છે, પણ જો હું કંઈક બોલીશ તો બધા મારા જ પાસ્ટને ઢાંકવા આ કહું છું એવું માનશે. મારે શું કરવું?   

જવાબ : એક વાત સમજવી બહુ જ જરૂરી છે. ફિઝિકલ નીડ્સ એ જીવન જરૂરિયાતની પ્રાથમિક ચીજોમાંની એક છે. વ્યક્તિ લગ્ન કર્યા પછી જીવનસાથી પાસેથી એની પૂર્તિની અપેક્ષા રાખે એ પણ સ્વાભાવિક છે. તમારી અપેક્ષા પૂર્ણ ન થઈ અને તમે ખોટા વિષચક્રમાં ફસાયા એ દુખદ વાત છે. તમને જે રીતે એ માટે કૉર્નર કરીને સૌની સામે ‘અપલક્ષણા’ ચિતરવામાં આવ્યા એને કારણે તમારી અંદર રોષ હોય એ પણ એટલું જ સ્વા‌ભાવિક છે.

જોકે બીજી તરફ જોઈએ તો તમારી પત્ની લેસ્બિયન પ્રેફરન્સ ધરાવે છે એ તેનો ગુનો નથી, પરંતુ એ હકીકતને છુપાવવા માટે તેણે જે રસ્તાઓ અપનાવ્યા છે અને ચોરી ઉપર સિનાજોરી કરવાની કોશિશ કરી છે એ હળાહળ નાઇન્સાફી છે. અત્યારે તમને પણ બહુ મન થતું હશે કે તેની એબ જાહેર થાય અને સગાસંબંધીઓમાં પણ તેની ઇજ્જતના ધજાગરા થાય તો સારું. આવો રિવેન્જ લેવાનું મન થવું એ માનવસહજ છે. એવું નથી કે તેને તેની કરણીની સજા ન મળવી જોઈએ, પણ મા-બાપ વચ્ચે પરસ્પરના કૅરેક્ટર પર કાદવ ઉછાળવાની પ્રવૃત્તિથી દીકરી પર શું અસર થશે એ વિચારવું જોઈએ.

મને એવું લાગે છે કે આ હકીકતનો લાભ લઈને તમારે આ જૂઠા સંબંધમાંથી મુક્ત થઈ જવું જોઈએ. તેના જુઠ્ઠાણનો પર્દાફાશ થયા પછી હવે તે છૂટાછેડા માટેની મોટી રકમમાં નિગોશિએટ કરવા તૈયાર થશે અને એનો લાભ લઈને જીવનના રસ્તાઓ અલગ કરીને જિંદગીને પોતાની રીતે જીવવાનું શરૂ કરવું એ જ વિકલ્પ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK