મારા બૉયફ્રેન્ડને જ્યારે પપ્પા સાથે મળાવ્યો ત્યારે તે પપ્પા પર ગુસ્સે થતાં બાજી બગડી

Published: Feb 19, 2020, 18:02 IST | Sejal Patel | Mumbai

છેલ્લાં બે વર્ષથી હું એક છોકરાને ચાહું છું. અમારી વચ્ચે ખૂબ સારી દોસ્તી છે. તેના પરોપજીવી સ્વભાવને કારણે તે મને ખૂબ જ ગમે છે. તે ભાગ્યે જ ઉશ્કેરાય.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : છેલ્લાં બે વર્ષથી હું એક છોકરાને ચાહું છું. અમારી વચ્ચે ખૂબ સારી દોસ્તી છે. તેના પરોપજીવી સ્વભાવને કારણે તે મને ખૂબ જ ગમે છે. તે ભાગ્યે જ ઉશ્કેરાય. તે હાથાપાઈ પર ઊતરે એ વાતમાં તો કોઈ બિલીવ જ ન કરે. તેના સ્કૂલના દોસ્તો પણ આવું જ કહે છે. સમસ્યા એ છે કે તેણે એવી જગ્યાએ મારી ધારણા વિરુદ્ધનું વર્તન કર્યું કે હવે તેની સાથે મારાં લગ્ન થાય એવી સંભાવના પર પૂર્ણવિરામ આવી ગયું છે. હું જ્યારે ભાગીને લગ્ન કરી લેવાની વાત કરતી હતી ત્યારે તેણે મને કહેલું કે મમ્મી-પપ્પાની મરજી વિના આપણે લગ્ન નહીં જ કરીએ. તેના પેરન્ટ્સે મને જોઈ લીધી હતી અને તેમને વાંધો નહોતો. તકલીફ મારા પરિવાર તરફથી હતી કેમ કે તે અમારા કરતાં સહેજ ઊતરતી કાસ્ટનો હતો. જોકે પૈસેટકે, વિચારધારા અને લાઇફસ્ટાઇલની દૃષ્ટિએ તેનો પરિવાર અમારા કરતાં વધુ સદ્ધર છે. એમ છતાં પપ્પા તૈયાર નથી. મેં પપ્પાને બહુ મનાવ્યા ત્યારે તેઓ તેને મળવા રાજી થયા. એ દિવસે તે ઘરે આવ્યો અને પહેલાં તો બહુ વિનમ્રતાથી વર્ત્યો. જોકે મારા પપ્પાએ તેની નીચી કાસ્ટ વિશે થોડુંક ઘસાતું બોલ્યું. તેના પપ્પા સરકારી નોકરી કરે છે એટલે તેમની પાસે અનીતિનો પૈસો છે એવું પણ કહ્યું. મને ખબર છે કે એનાથી હર્ટ થાય, પણ મારો બૉયફ્રેન્ડ એટલો ઉશ્કેરાયો કે જોરજારથી બોલવા લાગ્યો. મેં વચ્ચે પડીને તેને ઘરમાંથી બહાર નીકળવાનું કહ્યું ત્યારે વાતનો નીવેડો આવ્યો.  જે છોકરો દીકરી જોવા આવે અને પિતા પર હાથ ઉગામે તેની સાથે લગ્ન કરાવવા હવે પેરન્ટસ કઈ રીતે રાજી થવાનાં? હું તેને સમજાવું છું કે ગેરવર્તન માટે માફી માગી લે, પણ તે હવે તૈયાર નથી.

જવાબ : સંબંધોમાં હંમેશાં આપણી નજર સામે જે દેખાતું હોય છે એ જ સત્ય હોય એવું દરેક વખતે સંભવ નથી હોતું. તમને અત્યારે લાગે છે કે તમારો બૉયફ્રેન્ડ તો જેવો દેખાતો હતો એવો શાંત નહીં, પણ ગુસ્સાવાળો છે. બની શકે કે તેના ગેરવર્તન પછી તમને પણ એક મિનિટ માટે ફેરવિચારણા કરવાનું મન થયું હોય. જો અમે થયું હોય તો પણ આ સંબંધ તૂટવા માટે તમારે માત્ર તેને જ જવાબદાર ન માનવો જોઈએ. તાળી બે હાથે પડી છે. અને તાળી માટે હાથ ઉપાડવાની પહેલ તમારા પપ્પાએ કરી છે. તમને ભલે લાગતું હોય કે જો તે એક વાર માફી માગી લેશે તો તમારાં લગ્ન થવાની સંભાવના બનશે, પણ એવું બનવાનું નથી. અને હા, જો ગેરવર્તનની માફી તેણે માગવી જોઈએ જેણે ગેરવર્તન કરવાની શરૂઆત કરી હોય.

જ્યારે બે વ્યક્તિઓ વચ્ચેના પ્રેમ અને ભરોસાને કોઈ કપટથી તોડવા માગતું હોય ત્યારે તે ખોટી ઉશ્કેરણીનો સહારો લે છે. તમારા પપ્પાએ પણ એ જ કર્યું. ભલે ગમે એટલી અણગમતી વ્યક્તિ ઘરે અતિથિ બનીને આવી હોય, તેની જાતપાત કે નિયત પર સીધા પ્રકાર કરવામાં આવે એ શું ઉચિત છે? જે માણસ તમારા પેરન્ટ્સની પરવાની વિના લગ્ન ન કરવા જોઈએ એવી સલાહ આપે છે તે શા માટે તમારા જ પપ્પાની સામે ઊંચા સાદે બોલતો થઈ જાય છે?  હા, આઇડિયલી કોઈ કંઈ પણ કહે એનાથી ઉશ્કેરાવું ન જોઈએ. પણ શા માટે બધા જ આદર્શો પેલા યુવક પર જ લાદો છો? તમારા પપ્પાએ જે કપટથી એક કાંકરે બે પક્ષી માર્યા છે એ જોતાં હકીકતમાં તો તેમણે માફી ન માગવી જોઈએ? વિચારજો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK