મારી દીકરીને હું ભણાવીને પગભર બનાવવા માગું છું, પરંતુ તેની એવી કોઈ ઇચ્છા નથી

Published: Oct 25, 2019, 16:40 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

હું ખૂબ ઑર્થોડોક્સ પરિસ્થિતિમાં ઊછરી છું અને ઇચ્છું છું કે મારાં સંતાનોને એવાં બંધનો અને રૂઢિચુસ્ત વાતાવરણને કારણે ગૂંગળાવું ન પડે. મારે બે દીકરીઓ છે અને હું ઇચ્છતી હતી કે તેઓ ભણીગણીને નોકરી કરતી થઈ જાય

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું ખૂબ ઑર્થોડોક્સ પરિસ્થિતિમાં ઊછરી છું અને ઇચ્છું છું કે મારાં સંતાનોને એવાં બંધનો અને રૂઢિચુસ્ત વાતાવરણને કારણે ગૂંગળાવું ન પડે. મારે બે દીકરીઓ છે અને હું ઇચ્છતી હતી કે તેઓ ભણીગણીને નોકરી કરતી થઈ જાય. મારા પતિએ શરૂઆતમાં તો બહુ વિરોધ કરેલો. દીકરીઓ નવમા-દસમા ધોરણમાં હતી ત્યારથી અમારી વચ્ચે બહુ ઝઘડા થતા. જોકે સમય બદલાવાની સાથે પતિ સમજી ગયા. તેમને પણ લાગ્યું કે જો દીકરીઓ મજબૂત અને પગભર હશે તો આપણને પણ ઘડપણમાં ચિંતા નહીં રહે. અત્યારે એક ૧૮ વર્ષની છે અને બીજી એકવીસની દીકરી છે. મોટી દીકરી પોસ્ટ ગ્રૅજ્યુએશન કરી રહી છે અને તેનું ભણવામાં મન પણ લાગે છે. જોકે નાની દીકરી કૉલેજ જાય છે, પણ જાણે જવા ખાતર. ફેલ થઈને આવી તો કહે છે કે હવે ભણવું જ નથી. હસબન્ડ કહે છે કે ભલે તેને ન ભણવું હોય તો વાંધો નહીં. મને એ નથી સમજાતું કે મારી કેળવણીમાં એવી તે કેવી કમી રહી ગઈ કે મારી દીકરીને પોતાને કમાઈને પગભર થવાની ઇચ્છા નથી. તે બહુ જ ઑર્થોડોક્સ વાતો કરે છે. તે કહે છે કે લગ્ન કરીને સાસરે જતી રહીશ એટલે મારે ઘર જ સંભાળવાનું છેને? તેની અંદર કોઈ ઇચ્છા કે મહત્ત્વાકાંક્ષા જેવું નથી. શું હવે તેનામાં મહત્ત્વાકાંક્ષા જન્માવી શકાય? તેને ખબર નથી પડતી કે ભવિષ્યમાં ધારો કે કોઈ મુસીબત આવે તો એ વખતે તે જીવન સાથે લડી લઈ શકે એ માટે પણ ભણતર બહુ જરૂરી છે.

જવાબઃ એક મા તરીકે તમને ખરેખર બહુ પીડા થતી હશે. પોતે જે બંધનો અનુભવ્યાં એવું દીકરીઓને ન થાય એ માટે તમે લડ્યાં, પણ જેના માટે લડ્યાં એ જ વ્યક્તિ પાણીમાં બેસી ગઈ છે. જોકે આ સમય ઇમોશનલ થવાનો નહીં, પણ એ સમજવાનો છે કે ૧૮ વર્ષે દીકરી કેમ આવી નિરાશાવાદી વાતો કરવા લાગી છે. તમે મને તેની વર્તણૂક વિશે બીજું ખાસ વર્ણન નથી કર્યું એટલે એનું કારણ ઉકેલવું અઘરું છે.

એમાં બે અંતિમો હોઈ શકે છે. કાં તે કોઈ કૉમ્પ્લેક્સને કારણે હાથે કરીને પોતાની જાતને બાંધી રાખતી હોય, કોઈ ઘટનાના આઘાતને કારણે ડિપ્રેશનમાં હોય, લઘુતાગ્રંથિ ફીલ કરતી હોય અને તેને લાગતું હોય કે પોતે કશાને વર્થ નથી. પોતાના જીવનની તેને કિંમત સમજાતી ન હોવાથી તે એને વેડફી દેવાના મૂડમાં હોય.

બીજું અંતિમ એ છે કે તે માનસિક રીતે કોઈ ડિપ્રેશનમાં નહીં, પણ વધુપડતા આત્મવિશ્વાસ અથવા તો ખયાલી પુલાવની દુનિયામાં રાચતી હોય. તેને પોતાની ક્ષમતાઓની ખબર હોય, પણ જસ્ટ એનો ઉપયોગ કર્યા વિના પૅસિવ જિંદગી જીવવી હોય. મને એવું લાગે છે કે તેને કોઈ કાઉન્સેલર સાથે મેળવવી જોઈએ. તેને કોઈ માનસિક બીમારી છે એટલા માટે નહીં, પણ તેની માનસિક અવસ્થાના રીડિંગ માટે આ જરૂરી છે. કાઉન્સેલર તેની સાથે વાતો કરીને તેના આ નિરાશાવાદ અને નિષ્ક્રિયતાનું મૂળ શોધે એ જરૂરી છે.

મૂળ શોધાય તો જ તેનો ઇલાજ શું કરવો એ સમજી શકાય. જો માત્ર ખયાલી પુલાવો હોય તો તેને થોડા સમય માટે એકલી જીવનની વાસ્તવિકતાનો સામનો કરાવવો જોઈએ અને જો ડિપ્રેશન અને લઘુતાગ્રંથિ હોય તો એની અંદરના સૂતેલા વિશ્વાસને જગાડવાની પ્રક્રિયા કરવી પડે. હજીયે ઘણો સમય છે. તમે નાહક ચિંતા કરીને તેના પર સલાહોનો મારો કરવાને બદલે કાઉન્સેલર સાથે મેળવવાનું કામ જલદીથી કરો તો સારું રહેશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK