Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > તમે જાણો છો: ગર્ભસ્થ બાળક પર માઠી અસર કરે છે ફટાકડા

તમે જાણો છો: ગર્ભસ્થ બાળક પર માઠી અસર કરે છે ફટાકડા

25 October, 2019 04:20 PM IST | મુંબઈ
સેજલ પટેલ

તમે જાણો છો: ગર્ભસ્થ બાળક પર માઠી અસર કરે છે ફટાકડા

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


દિવાળી પર્વમાં લોકો ફટાકડા ફોડવામાં મજા અનુભવે છે, પરંતુ આજકાલ જે લાઉડ અવાજ ધરાવતા સૂતળી બૉમ્બ અને લવિંગિયાની સેર ફોડવામાં અતિરેક થઈ રહ્યો છે એ જીવતીજાગતી દરેક વ્યક્તિને શારીરિક નુકસાન તો કરે જ છે, પણ સાથે જે હજી ધરતી પર નથી જન્મ્યું તેના વિકાસમાં પણ અવરોધરૂપ બને છે

ફટાકડા ફોડવા એ તો જન્મસિદ્ધ અધિકાર છે એવું કેટલાક લોકો માને છે. જ્યારે પણ કહેવામાં આવે કે દિવાળીમાં ફાયર-ક્રૅકર્સના મામલે થોડુંક પ્રમાણભાન શીખવું જરૂરી છે ત્યારે તરત સામે એવી દલીલ થાય છે કે કેમ ક્રિસમસ અને ન્યુ યરમાં પણ તો ફટાકડા ફૂટે જ છે તો એ વખતે કેમ તમે પર્યાવરણ-ફ્રેન્ડલી હોવાનું ડહાપણ લોકોને શીખવતા નથી? શા માટે હિન્દુ પર્વો અને પરંપરા વખતે જ પર્યાવરણ અને સ્વાસ્થ્યની વાતો કરવાની? એવા સમયે કેટલાક આંકડાઓ તપાસવા જરૂરી બની જાય છે.



જે હદે દિવાળીની રાત અને બેસતા વર્ષની સવાર સુધી લગાતાર ફટાકડા ફૂટતા રહે છે એને કારણે દિલ્હી અને મુંબઈ જેવાં શહેરોમાં તો નવા વર્ષનો સૂરજ ઊગે ત્યારે તમે એને પણ સ્પષ્ટ ન જોઈ શકો એટલો ધુમાડો આકાશમાં છવાયેલો હોય છે. આ ધુમાડો સ્વાસ્થ્યને ખૂબ નુકસાન કરે છે એવું આપણે આ પહેલાં પણ ઘણી વાર જોઈ ગયા છીએ. જોકે આજે જરાક અલગ દૃષ્ટિકોણથી જોઈએ કે ફટાકડાથી અને ખાસ કરીને જોરદાર અવાજ કરતા ફટાકડાથી માત્ર પૃથ્વી પર અવતરેલા લોકોને જ નહીં, હજી માના પેટમાં ઊછરી રહ્યાં હોય એવાં બાળકો પર શું અસર થાય છે.


crakers 

પ્રી-મૅચ્યોર ડિલિવરીની સંભાવના


પ્રેગ્નન્સી દરમ્યાન ફટાકડાને કારણે ખૂબ ડરામણો માહોલ ઊભો થાય છે એવું માનતા જોગેશ્વરીના ગાયનેકોલૉજિસ્ટ અને ઇન્ફર્ટિલિટી સ્પેશ્યલિસ્ટ ડૉ. જયેશ શેઠ કહે છે, ‘સામાન્ય લોકોને કદાચ સમજાશે નહીં, પણ ફટાકડાને કારણે પ્રેગ્નન્ટ મહિલાઓ અને તેમના ગર્ભસ્થ બાળક પર ખૂબ આડઅસર થાય છે. અમે એ હદે જોયું છે કે દિવાળી પછીના દિવસોમાં પ્રી-મૅચ્યોર ડિલિવરીના કેસિસ પણ વધી જાય છે. આ કોઈ યોગાનુયોગ નથી. કેસ ટુ કેસ બેસિસ પર જોઈએ તો લિટરલી લાઉડ, નૉઇઝી અને અચાનક ફૂટતા ફટાકડાને કારણે પ્રેગ્નન્સી દરમ્યાન મહિલાઓ ભયભીત થઈ જાય છે. તમને લાગશે કે પ્રેગ્નન્સીમાં જ કેમ બહુ ભયભીત થઈ જવાય? પણ હકીકતમાં થાય છે એવું કે જ્યારે બાળક સ્ત્રીના ગર્ભમાં ઊછરી રહ્યું હોય ત્યારે મા પોતાના બાળક માટે અતિશય પ્રોટેક્ટિવ થઈ જતી હોય છે. તેને પોતાના કરતાં પોતાના બાળકને કંઈ ન થઈ જાય એની ચિંતા હોય છે. તે મેન્ટલી બહુ વીક હોય છે. નાની-નાની ચીજોમાં તે વિહવળ થઈ જાય છે. તેને નેગેટિવ થૉટ્સ વધુ આવે છે અને સૌથી અગત્યની વાત એ કે આ સમયે તેની ઇમ્યુનિટી ખૂબ નબળી પડી જાય છે. અચાનક જોરથી ફૂટતો ફટાકડો પ્રેગ્નન્ટ મહિલાના મનમાં ફડકો પેદા કરી દે છે. આ ચિંતા, વ્યગ્રતા અને ભયભીત થવાપણું કઈ રીતે પ્રેગ્નન્સીમાં તકલીફવાળું છે. એ ફટાકડાને કારણે હોય કે વ્યક્તિગત સ્વભાવને કારણે હોય, બાળકના ગ્રોથ અને પ્રેગ્નન્સીના રૂટિનને એ ખોરવી શકે છે એટલે જ પ્રેગ્નન્સી દરમ્યાન મહિલાને અમે બને એટલા રિલૅક્સ્ડ અને હૅપી રહેવાનું કહેતા હોઈએ છીએ.’

ડરના બૂરા હૈ

પ્રેગ્નન્ટ મહિલાઓ લાંબો સમય અથવા તો વારંવાર ભયભીત અવસ્થામાં રહેતી હોય તો એને કારણે બાળકની મૂવમેન્ટ અને ગ્રોથ બન્ને પર અસર પડે છે એ વાત વિજ્ઞાને પણ સાબિત કરી છે. અલ્ટ્રાસાઉન્ડ રિપોર્ટ્સમાં પણ તમે જોઈ શકો છો કે માના મૂડની સીધી અસર બાળક પર પડે છે એમ સમજાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘જ્યારે મમ્મી હસતી હોય અને ખૂબ ખુશ હોય એ વખતે અલ્ટ્રાસાઉન્ડ સ્ક્રીનિંગ કરીએ તો બાળક પણ મોં ખોલીને હસતું અને ગેલમાં આવી જતું હોય છે. બીજી તરફ જો મમ્મી વિહ્વળ થઈ ગઈ હોય, ડરતી હોય, રડતી હોય કે કોઈ પણ પ્રકારના નકારાત્મક ઇમોશન્સમાં હોય ત્યારે બાળકની મૂવમેન્ટ પણ રેસ્ટલેસ થઈ જાય. બાળક ગર્ભમાં ફરવા લાગે છે. સતત અને ઝડપથી ગર્ભમાં મૂવમેન્ટ થવા લાગે ત્યારે ઘણી વાર બાળક ગર્ભાશયમાંથી નીચે ઊતરી જાય છે. આવા સમયે પ્રી-મૅચ્યોર ડિલિવરી થઈ શકે છે. બીજું, જો નૉર્મલ ગર્ભધારણ હોય અને મમ્મીની હેલ્થ ઓવરઑલ સારી હોય તો કદાચ આ બધી નકારાત્મકતાની અસર પણ ઓછી થાય, પરંતુ આજકાલ કૉમ્પ્લિકેટેડ પ્રેગ્નન્સી, આઇવીએફ પ્રેગ્નન્સીનું પ્રમાણ વધી રહ્યું છે. પ્રેગ્નન્સી દરમ્યાન હાઇપરટેન્શન અને ડાયાબિટીઝ જેવી તકલીફો પણ વધુ હોય છે એટલે આમેય બાળકના ગ્રોથ પર એની અસર થાય છે. એમાં જો નકારાત્મક વિચારો વધી જાય તો બ્લડપ્રેશરમાં પણ વધારો થઈને સમસ્યા બેવડાય છે.’

ઍર પૉલ્યુશનને કારણે બ્રૉન્કોસ્પાઝમ

ફટાકડા ફૂટવાને કારણે માત્ર અવાજનું જ પ્રદૂષણ થાય છે એવું નથી. એનાથી હવામાં ધૂળ, રજકણ, કેમિકલ્સના કણોનું પ્રમાણ પણ વધી જાય છે. આ પ્રદૂષિત હવાને કારણે દિવાળી પછી અસ્થમાના દરદીઓને જ નહીં, સ્વસ્થ લોકોને પણ શરદી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે છે. પ્રેગ્નન્સી દરમ્યાન પ્રદૂષણ કઈ રીતે હેરાન કરે છે એ વિશે સમજાવતાં ડૉ. જયેશ શેઠ કહે છે, ‘બાળક જ્યારે માના ગર્ભમાં ઊછરી રહ્યું હોય એ તબક્કો ખૂબ જ સંવેદનશીલ હોય છે. એ સમયે નાક-મોં વાટે ફેફસાંમાં જતા હાનિકારક કેમિકલ્સ હજી પૂરા વિકસ્યા ન હોય એવા ભ્રૂણના ગ્રોથને પહેલેથી જ કુંઠિત કરી શકે છે. બીજું, બાળકની સાઇઝ મોટી થાય એમ પેટ ફૂલે છે. ફૂલેલા પેટને કારણે શ્વાસ લેવામાં તકલીફ વધે છે. સ્ત્રીઓ એ દરમ્યાન બરાબર ખાંસી કે ઉધરસ ખાઈને એલર્જન્સને દૂર રાખી શકતી નથી. એટલે પ્રદૂષણથી ઍલર્જી થવાની સંભાવના સામાન્ય લોકો કરતાં પ્રેગ્નન્ટ સ્ત્રીઓને વધુ હોય છે. પેટ મોટું થવાથી અને શ્વાસમાં તકલીફને કારણે બ્રૉન્કોસ્પાઝમ થાય છે. એને કારણે પેશન્ટની બેચેની વધી જાય છે.’

ડરામણા અનુભવોની માનસિક અસર

આગળ કહ્યું એમ પ્રેગ્નન્સી દરમ્યાન સ્ત્રીઓ બહુ સરળતાથી નકારાત્મક વિચાર પકડી લે છે. એવામાં જો કોઈ ડરામણો અનુભવ થયો તો એની માનસિક અસર પણ ગહેરી પડે છે. અગેઇન માના મગજ પર પડેલી અસર આડકતરી રીતે બાળકની માનસિક સ્થિતિ અને ગ્રોથમાં અડચણરૂપ બને છે.

આ પણ વાંચો : શરીર પર સોનાના ચળકાટ કરતાં શરીરની અંદર પૂરતા આયર્નનો રાખો મોહ

ધૂમધડાકાવાળા અવાજો તમને બહેરાશ આપી શકે છે

તમે જોયું હોય તો મોટા ભાગે હવામાં ઊંચે જઈને રંગબેરંગી આતશબાજી વિખેરતા ફટાકડા ખૂબ મોંઘા હોય છે, જ્યારે બેફામ ધૂમધડાકાભેર ફૂટતા ફટાકડા અવાજ અને હવા બન્નેનું પ્રદૂષણ વધારે છે. કાંદિવલીના નાક, કાન અને ગળાના નિષ્ણાત ડૉ. ભરત જોબનપુત્રા કહે છે, ‘લગાતાર લાંબો સમય ચાલતી અને જબરજસ્ત બૂમ સાથે ફૂટતા બૉમ્બ કાનને કાયમી ડૅમેજ કરી શકે છે. આ વાત જ્યાં સુધી શ્રવણશક્તિ ક્ષીણ ન થઈ જાય ત્યાં સુધી સમજાતી નથી. એક તો લાઉડ નૉઇસ કાનની ખૂબ નજીક થાય ત્યારે ઇયર-ડ્રમ ફાટી જવાની કે ડૅમેજ થવાની સંભાવના રહે છે. શ્રવણનું કામ કરતા બારીક વાળ જેવા બારીક કોષો પણ લાઉડ વૉઇસને કારણે મૃત્યુ પામે છે. સામાન્ય રીતે ૭૦ ડેસિબલથી વધુ અવાજ કાન માટે સેફ નથી. એનાથી વધુ ઘોંઘાટ કે ધડાકો કાનની અંદરના અવયવોને બગાડે છે. બીજું, ઍર પૉલ્યુશનને કારણે શરદી થાય છે એ પણ આડકતરી રીતે કાનની ક્ષમતાને ટેમ્પરરી ધોરણે ઘટાડે છે. ક્યારેક અચાનક જોરદાર અવાજને કારણે ચક્કર આવવા, માથું દુખવું અને બૅલૅન્સ રહેવામાં તકલીફ જેવી ટેમ્પરરી સમસ્યાઓ પણ થાય છે.’

Whatsapp-channel Whatsapp-channel

25 October, 2019 04:20 PM IST | મુંબઈ | સેજલ પટેલ

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK