પતિને ફિઝિકલ રિલેશન સિવાય મારામાં કોઈ રસ નથી, પડતો શું કરવું?

Published: May 15, 2019, 12:45 IST | સેજલ પટેલ - સેજલને સવાલ

પતિ સાથે તેને ગમતા વિષયની વાતચીતથી શરૂઆત કરો. તેના બાળપણ અને તમારા બાળકના બાળપણ વિશે વાત કરો. જરૂર તેને શું તકલીફ છે એ બહાર આવી જશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારાં અરેન્જ્ડ મૅરેજ થયાં છે. લગ્નને બીજું વર્ષ પૂરું થશે અને મારે ૬ મહિનાનું એક બાળક પણ છે. બહારથી જોઈએ તો સુખી પરિવાર છીએ, પણ પતિ સાથે જોઈએ એવી આત્મીયતા નથી. તેઓ પોતાને બહુ ધાર્મિક ભાવ ધરાવનારા માણસ બતાવે છે, પરંતુ અંદરખાને વાસનાથી ભરપૂર છે. મારી સાથે માત્ર કામ પૂરતી જ વાતચીત કરે છે અને રાતના સમયે પણ તેઓ ખાસ કોઈ રોમૅન્સ વિના જ ફિઝિકલ રિલેશન રાખે છે. તેઓ માત્ર મારી સાથે જ નહીં, ઘરના બધાની સાથે ઓછું બોલે છે. સાસુ અને જેઠની વાતમાં હાએ હા ભરતા રહે. જેઠાણી મને કારણવિના દબડાવતી હોય તોય ચૂપચાપ જોયા કરશે. હું બહુ ભણેલી નથી, પરંતુ પિયરમાં કેટલાક કોર્સ કરેલા એટલે ઘરમાં જ કામ કરીને હાથખર્ચ પૂરતું કમાઉં છું. ઘરમાં સાસુ-સસરા, જેઠ અને બે નણંદો છે. આખો દિવસ તેમનું કામ કરીને ખૂબ જ થાકી જાઉં છું. કહેતાં સંકોચ થાય છે, પરંતુ તેમને સેક્સ સિવાય મારામાં કોઈ જ રસ નથી. મને યાદ નથી કે લગ્ન પછીનાં આટલાં વર્ષમાં અમે સાથે બેસીને કોઈ વાત કરી હોય. તેઓ અઠવાડિયામાં પાંચ વાર મારી સાથે સંબંધ રાખવાનો આગ્રહ રાખે છે. ના પાડું તો બળજબરી ન કરે, પણ પીઠ ફેરવીને સૂઈ જાય. નાનું બાળક, ઘરનું કામ અને પાતળી આર્થિક સ્થિતિને કારણે ખેંચાઈ જવાય છે. શું લગ્ન એટલે માત્ર સેક્સ જ હોય? શું એ સિવાય પતિ-પત્ની વચ્ચે બીજો કોઈ વાર્તાલાપ ન થાય? તેમણે કદી મને સામેથી બહાર જવાનું પૂછ્યું નથી. જેઠ-જેઠાણી જતાં હોય ત્યારે પણ કદી ચાલ આપણે પણ જઈએ એવું તેમના મોઢેથી નીકળતું નથી. પતિ મને પસંદ કરે છે કે નહીં એની પણ ખબર નથી પડતી.

જવાબ : તમારી અસમંજસ વાજબી છે. લગ્ન એ માત્ર સેક્સ નથી. લગ્નજીવનમાં હૂંફ, સમજણ, ખાટી-મીઠી વાતોની ઉષ્મા જ્યાં સુધી ન ભળે ત્યાં સુધી સહજીવનની સુગંધ નથી આવતી. લગ્નનાં બે વર્ષ પછી પણ તમે કહો છો કે શારીરિક સંબંધ અને કામ પૂરતી વાત સિવાય તમારી પતિ સાથે કોઈ જ વાતચીત નથી થતી તો એ જરા વધુપડતું કહેવાય. તમને એવું નથી લાગતું કે ભલે તેમણે ક્યારેય વાત કરવાની પહેલ ન કરી છતાં તમારે સામેથી વાત કરવી જોઈએ. મને એવું લાગે છે કે કદાચ તમને પતિ તરફથી મળતા હળવા રોમૅન્સની અપેક્ષા છે, જે નથી મળી રહી.

તમારા પતિને તમારી સાથે માત્ર સેક્સમાં જ રસ છે એવું તારણ કાઢવું સહેલું છે, પરંતુ તેમને બીજી પણ કોઈ તકલીફ હોઈ શકે એવું શક્ય છે? તેમની પર્સનાલિટી ખૂબ જ ઇન્ટ્રોવર્ટ હોય અથવા તો તમારા પ્રતિભાવ એકદમ ઠંડા હોય એને કારણે પણ વાતચીત ન થતી હોય એવું છે?

આ પણ વાંચો : દીકરાને એવી છોકરી ગમી જે મને બ્યુટિ વિધાઉટ બ્રેન લાગે છે શું કરવું?

એક કામ કરો. ભલે તે તમારી સાથે વાત ન કરે, તમે તો તેમની સાથે વાત કરી શકો છોને? હવે તો બાળક પણ છે. બાળકને ફરવા લઈ જવાને બહાને ગાર્ડન કે મંદિરમાં સાથે જાઓ. તેઓ ક્યારેય તમારા પર બળજબરી નથી કરતા એ બતાવે છે કે તેમને તમારી પડી છે. કોઈ વ્યક્તિ એવી ન હોય જેને સંબંધોની હૂંફ ન જોઈતી હોય. પેલા નથી બોલાવતા તો પછી હું શા માટે બોલાવું એવી મમત ન કરો. જરા કૂણા થઈને તમે તેમની તકલીફો સમજવાની કોશિશ કરો. પતિ સાથે તેને ગમતા વિષયની વાતચીતથી શરૂઆત કરો. તેના બાળપણ અને તમારા બાળકના બાળપણ વિશે વાત કરો. જરૂર તેને શું તકલીફ છે એ બહાર આવી જશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK