લવ-મૅરેજ કર્યા પછી પ્રેગ્નન્ટ છું, ઘરમાં સસરાની નજરથી બચવું પડે છે

Published: Jul 04, 2019, 10:43 IST | સેજલ પટેલ - સેજલને સવાલ | મુંબઈ ડેસ્ક

ભાગીને લવ-મૅરેજ કર્યા પછી પ્રેગ્નન્ટ છું, અત્યારે મારા પેરન્ટ્સનો મને સપોર્ટ નથી અને ઘરમાં સસરાની નજરથી બચવું પડે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલઃ મેં દોઢ વર્ષ પહેલાં ભાગીને લવ-મૅરેજ કર્યાં છે. મારી ઉંમર બાવીસ વર્ષની છે. છોકરો બંગાળી હોવાથી મારા પેરન્ટ્સે પણ મને છોડી દીધી છે અને મારાં સાસુને પણ હું કણાની માફક ખૂંચું છું. મારા હસબન્ડ પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરી રહ્યા હતા અને બે મહિના પહેલાં જ તેમનું ભણવાનું પૂરું થયું છે. સમસ્યા એ છે કે મારા સસરા મારા પર બૂરી નજર નાખી રહ્યા છે. ઘર નાનું છે એટલે જો સાસુ ક્યાંક બહાર ગયાં હોય અને હું અંદર રસોડામાં કામ કરતી હોઉં તો વગરકારણે અંદર આવે અને ટચ કરવાની કોશિશ કરે. અમારી રૂમમાં પણ હું એકલી હોઉં તો તેઓ અચાનક ઘૂસી જાય. મેં આ વાત હસબન્ડને કરી તો તે કહે છે કે ભલે થોડા દિવસ ખમી લે. છ-બાર મહિનામાં નોકરી સેટ થાય એટલે જુદાં થઈ જઈશું. હજી તો હસબન્ડનું ભણવાનું જસ્ટ પૂરું થયું છે અને નોકરીએ લાગ્યા છે ત્યારે અલગ ઘર સેટ ક્યારે થશે? અને ત્યાં સુધી મારે એક ઘરમાં સસરાની નજરથી કઈ રીતે બચવું? ચિંતા એ છે કે હું પ્રેગ્નન્ટ છું અને મને સાતમો મહિનો જઈ રહ્યો છે. મારા પેરન્ટ્સે પણ આ લગ્ન સ્વીકાર્યાં ન હોવાથી મારી ડિલિવરી પણ અહીં જ થશે. મારો ભાઈ જુદો રહે છે અને ક્યારેક કહેતો હોય છે કે સાસરે ન ફાવે તો હું ડિલિવરી માટે તેના ઘરે જતી રહું. અમને હતું કે એક વાર બાળક થશે તો બન્ને પેરન્ટ્સની નારાજગી ઘટી જશે, પણ અત્યારે બન્ને બાજુથી હું ફસાઈ છું. સાસુ સાથે મને બહુ તકલીફ નથી, પરંતુ તેમને મારા પર હજી ભરોસો નથી. તેમને જો સસરાની આવી વાત કરું તો ઊલટા ચોર કોટવાળ કો દંડે જેવો ઘાટ થાય એમ છે. બે મહિનાથી પતિનો પગાર આવે છે એમાં પણ સાસુ હવે ઘરનું ભાડું માગી લે છે ત્યારે બચત કરીને પોતાનું ઘર અલગ કરવાની વ્યવસ્થા કરવાનું અઘરું છે. શું કરવું?

જવાબઃ પ્રેમલગ્ન કરવામાં વાંધો નથી, પણ પ્રેમલગ્નમાં આંધળૂકિયાં અને ઉતાવળ જ્યારે થાય છે ત્યારે તકલીફો ખડી થાય છે. હજી તમારા પતિનું ભણવાનું પૂરું નહોતું થયું અને તમે લગ્ન કરી લીધાં. એટલું ઓછું હોય એમ બાળકનું પ્લાનિંગ પણ કરી લીધું? તમે હજી બાળક જેટલી વયનાં છો અને પેરન્ટ્સને મનાવવા માટે બાળક કરી લેવાની ઉતાવળ કરી લઈને વાતને વધુ બગાડી નાખી છે. તાત્પૂરતું સસરા સાથે ક્યારેય ઘરમાં એકલા ન પડાય એની કાળજી રાખવી મસ્ટ છે.

આ પણ વાંચો : GF જીદ કરીને મને બેસ્ટ ફ્રેન્ડ સાથે સંબંધ તોડવાનું કહે છે, શું કરવું?

બીજું, જ્યારે તમે તમારી મનમરજી મુજબ લગ્ન અને બાળક કરવાનું નક્કી કરી લીધું છે ત્યારે હવે મૅચ્યોરિટી દાખવવી જરૂરી છે. હવે પછીનું જીવન કોઈના ભરોસે નથી જીવવું એવું નક્કી કરો. તમે યુગલ તરીકે હજી પગભર નથી અને તમે બાળકની જવાબદારી ઉઠાવી છે. તમે પોતે જ કઠિન માર્ગ તૈયાર કર્યો છે તો હવે એના પર ચાલવા માટે તમારે તૈયાર થવું જ રહ્યું. પરિવારમાં જ્યારે લાગણીનો સંબંધ ન હોય ત્યારે માત્ર આર્થિક અવલંબનને કારણે વખાના માર્યા પેરન્ટ્સ સાથે રહેવું ઠીક નથી. તમે મજબૂરીને કારણે સસરાની બૂરી નજર સામે અવાજ ઉઠાવતાં ડરો એ પણ તમારી પોતાની સેફ્ટી અને સ્વાભિમાન બન્ને માટે જોખમી છે. પતિ કમાય અને બચત કરે ત્યાં સુધી રાહ જોવાને બદલે પોતાના બલબૂતા પર જિંદગી જીવવાનું શરૂ કરો. આમેય તમે ઘરનું ભાડું તો અહીં પણ ચૂકવો જ છો તો અલગ રહેવાનું શરૂ કરો. તમારે થોડી કરકસરથી જીવવું પડશે પણ એમ કરીને તમે પગભર થઈ શકશો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK