લગ્ન એટલે સાત જનમનો સંબંધ કહેવાય, પણ મારો પતિ મારી નાખવાની ધમકી આપે છે

સેજલ પટેલ | Apr 04, 2019, 12:17 IST

જે કામ આવડતું હોય એ કરીને અથવા સીવણ, ગૂંથણ, પાર્લર કે એવી કોઈ પણ સ્કિલ શીખીને પોતાનું ગુજરાન ચલાવતાં શીખી જાઓ.

લગ્ન એટલે સાત જનમનો સંબંધ કહેવાય, પણ મારો પતિ મારી નાખવાની ધમકી આપે છે
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારો વર મને ઘરમાં રાખવા નથી માગતો. તે મને ધમકી આપે છે કે મારે પહેરેલા કપડે ઘરમાંથી નીકળી જવું. જ્યારે તેને શારીરિક સુખ જોઈતું હોય છે ત્યારે ઢીલો થઈને આવે છે અને શેરડીનો રસ ચૂસી લીધા પછી કૂચો ફેંકી દઈએ એમ ધુત્કારે છે. આવા બેવડા વલણનું શું કરવું? મને કહેશો કે પતિ જ પત્નીને ઘરમાં રાખવા ન ઇચ્છતો હોય અને વારંવાર મારપીટ કરતો હોય તો પત્નીએ શું કરવું જોઈએ? હિન્દુ ધર્મમાં તો લગ્ન એટલે સાત જન્મનો સંબંધ કહેવાય, પણ એ તો બેઉ માને તો જ સંબંધ ટકેને? મા-બાપ રૂઢિચુસ્ત વિચારસરણી ધરાવે છે એટલે તેમને વાત કરીશ તોય પતિનું ઘર છોડીને ન અવાય એવું જ કહેશે. ક્યારેક તો ધમકી આપે છે કે જો જાતે પિયર નહીં જતી રહે તો ક્યારેક મારી નાખીશ. પરણેલી સ્ત્રીની હાલત શું? મા-બાપને કહેવાની હિંમત નથી ચાલતી કેમ કે ત્યાં આશરો મળે એમ નથી.

જવાબ : પતિ તરફથી તમને ધુત્કાર અને અપમાન જ મળી રહ્યાં છે, પણ તમે તેનો કોઈ સામો જવાબ નથી આપતાં. તમારાં મા-બાપને પણ તમે કંઈ જ કહેતાં નથી. તમારે સંતાનો છે? ઘરમાં બીજું કોઈ છે કે જેની સાથે વાતચીત થઈ શકે એ પણ નથી જણાવ્યું. લગ્નજીવનમાં શું તકલીફ છે જેને કારણે પતિ સાથે નથી ફાવતું એના કારણ વિશે પણ કોઈ જ ચોખવટ નથી કરી. ઘણીબધી માહિતીના અભાવે અત્યારે હું તમને જે કહીશ એ જનરાલાઇઝ્ડ જ હશે.

સૌથી પહેલાં તો લગ્ન એટલે સાત જનમનો નાતો એ માન્યતા મનમાંથી કાઢો. કળિયુગમાં આજની તારીખે જે સંબંધ છે એને પણ જો તમે પૂરેપૂરા સમર્પિત ન રહી શકતા હો તો સાત જનમની વાતો પ્રૅક્ટિકલ ન બને.

તમે હજીયે આ સંબંધને ટકાવી રાખવા મથો છો એમાં તમારી બહાદુરી નહીં, પણ તમારું અબળાપણું છે. સહજીવન ટકાવી રાખવા માટે બન્ને પાત્રોએ સભાન પ્રયત્નો કરવા પડે છે. જ્યારે કોઈ એક પાત્ર એ સંબંધમાંથી નીકળવાનું મન બનાવી લે છે એ પછીથી તેને સંબંધમાં બાંધી રાખવાનો પ્રયત્ન ભલે સામાજિક દૃષ્ટિએ સરાહનીય હોય, પણ લગ્નસંબંધમાં જોડાયેલી બન્ને વ્યક્તિઓ માટે બહુ દુખદાયી હોય છે. જો તમને ઘરમાં પતિ દ્વારા કોઈ પણ પ્રકારનું જીવનું જોખમ જણાતું હોય તો તમારે સાત જનમોની સુફિયાણી વાતોને તિલાંજલિ આપીને સલામતી માટે સાવધ થઈ જવું જરૂરી છે. વાત જ્યારે સમજાવટથી થાય એમ ન હોય ત્યારે સૌથી પહેલાં જીવ સુરક્ષિત કરવો જોઈએ. કદાચ સમાજના ડરે મા-બાપ તમને કાયમી ધોરણે છૂટાં પડવા દેવા તૈયાર નહીં હોય, પણ જો તમે તેમને સાસરિયાંના ત્રાસની સાચી હકીકતો જણાવશો તો જરૂર તેઓ તમને સાથ આપશે. પતિના ત્રાસ માટે પોલીસમાં ફરિયાદ કરીને પછી તમારે પિયર જવું જોઈએ. ત્યાં કદાચ માબાપ તમને બે કડવાં વેણ કહેશે, પણ ત્યાં તમારા જીવને ખતરો નથી.

આ પણ વાંચો : ડિવોર્સી યુવક સાથે લગ્ન થવાના હતા પણ અચાનક તેનું મૃત્યુ થયું શું કરવું?

બીજું, સ્ત્રીઓ જ્યાં સુધી કોઈ મને રાખે, કોઈ મને નિભાવે એવી માનસિકતા રાખશે ત્યાં સુધી તેઓ ઓશિયાળી, બિચારી-બાપડી રહે છે. એટલે તમારે પિયર આવ્યા પછી તમારું ‘અબળાપણું’ છોડવું જ પડશે. કોઈ તમને સાચવે, કોઈ તમારા માટે કમાય, કોઈ તમારા વતી નિર્ણયો લે એ પરાવલંબનો છોડીને આત્મનિર્ભર બનવું જરૂરી છે. જે કામ આવડતું હોય એ કરીને અથવા સીવણ, ગૂંથણ, પાર્લર કે એવી કોઈ પણ સ્કિલ શીખીને પોતાનું ગુજરાન ચલાવતાં શીખી જાઓ. આપમેળે તમારામાં પણ આત્મવિશ્વાસનો સંચાર થશે અને ધીમે-ધીમે જીવનની દિશા પણ આપમેળે ખૂલશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK