યુવતીએ પ્રેમનું નાટક કરી પૈસા પડાવ્યા અને બીજે લગ્ન કરી લીધા

Published: Jun 24, 2019, 12:27 IST | સેજલ પટેલ - સેજલને સવાલ | મુંબઈ

૧૦ વર્ષ નાની યુવતી મને છેતરીને પૈસા પડાવતી રહી અને પછી બીજે લગ્ન કરીને જતી રહી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : જીવનમાં પ્રેમ શબ્દ માટે નફરત થઈ જાય એવો દગો મારી સાથે થયો છે. કોઈને કહું તો હાંસીપાત્ર બનું એમ છું. એ ઘટનાને હું જેટલી વધુ ભૂલવાની કોશિશ કરું છું એટલું એનાથી વધુ હેરાન થાઉં છું. વાત એમ હતી કે હું મારી જ ઑફિસમાં બીજા ડિપાર્ટમેન્ટમાં કામ કરતી એક છોકરીના પ્રેમમાં હતો. તે ઉંમરમાં મારાથી દસ વર્ષ નાની હતી અને પહેલાં તો તે મને સિનિયરની જેમ જ ટ્રીટ કરતી હતી, પણ મને તેના માટે લગાવ થવા લાગતાં અમે નજદીક આવી ગયેલા. મેં જ્યારે તેને પ્રપોઝ કર્યું ત્યારે તે એટલી સહજતાથી માની ગયેલી કે હું તો સાતમા આસમાને પહોંચી ગયો. એ પછી તેની દુઃખભરી દાસ્તાન શરૂ થઈ. તેણે કહ્યું કે તે ઓરમાન બાપ સાથે રહેતી હોવાથી તેને ઘરમાં બહુ ત્રાસ થાય છે. તેની મા પર ખૂબ અત્યાચાર થાય છે અને તેનો ઓરમાન બાપ તેનો બધો જ પગાર ઝૂંટવી લે છે. કેટલીય વાર ત્રૂટક-ત્રૂટક થઈને મહિને દસ-બાર હજાર રૂપિયા મારી પાસેથી લઈ જતી. અમારો સંબંધ લગભગ ત્રણેક વર્ષ ચાલ્યો અને હું જ્યારે પણ તેને લગ્ન માટે વાત કરતો ત્યારે તે બહાનું આપતી કે હમણાં વાત કરશે તો તેનો બાપ તેને જીવતી નહીં છોડે. બે મહિના પહેલાં તેણે જૉબમાંથી રાજીનામું આપી દીધું અને કહ્યું કે તેનો બાપ તેને બહુ ત્રાસ આપે છે. ઑફિસ આવવાનુ બંધ કરી દીધું અને ફોન પણ બંધ થઈ ગયો. તે જે ચાલીમાં રહે છે એવું તેણે કહેલું ત્યાં જઈને મેં તેને શોધવાની તપાસ કરી તો ખબર પડી કે આવી કોઈ છોકરી ત્યાં રહેતી જ નથી. મારા જ કલીગ થકી ખબર પડી કે તે લગ્ન કરીને બેન્ગલોર જતી રહી છે. આ ઘટના પછી મને કોઈ છોકરી પર વિશ્વાસ નથી રહ્યો. જેને દિલથી પ્રેમ કર્યો તેણે જ મને બેવકૂફ બનાવ્યો? તેણે મારી સાથે જ કેમ એવું કર્યું?

જવાબ : તમને અત્યારે હાડોહાડ છેતરાયાની ફીલિંગ આવતી હશે. ત્રણ-ત્રણ વર્ષ સુધી તે તમારી આંખમાં ધૂળ નાખતી રહી અને તમને ખબર પણ ન પડી. આવા મતલબી લોકો જ ખરેખર પ્રેમ જેવા પવિત્ર શબ્દને અભડાવે છે. તેણે તમારી સાથે કેમ આવું કર્યું એ સવાલનો કોઈ મતલબ નથી. તમે ઇઝી ટાર્ગેટ બનવા તૈયાર હતા અને તેણે માત્ર તમારી લાગણીઓનો લાભ ઉઠાવવાનો હતો. એક વાત ચોક્કસ છે કે તેણે જે કર્યું એ જરાય યોગ્ય નથી. અલબત્ત, આટલું કહી દેવાથી વાત અટકતી નથી. વિચારવા જેવી વાત એ છે કે તમારે વ્યક્તિની પરખ કરતાં શીખવાની જરૂર છે. જે કંઈ પણ બન્યું એમાં તમે આંખે પાટા બાંધીને આંધળો પ્રેમ કર્યો. જીવનમાં કોઈ પણ કામ આંખ બંધ કરીને કરીએ તો એમાં પછડાટ ખાવી પડે એવો સંભવ છે.

આ પણ વાંચો : અમારા ગ્રુપની એક ફ્રેન્ડ લગ્ન પછી મુસીબતમાં હોય એવું લાગે છે, શું કરવુ?

હવે તમારે બીજી ભૂલ ન થાય એ જોવાનું છે. ત્રણ વર્ષ તો આ કન્યા પાછળ કાઢી નાખ્યા, પણ હવે તમારે તેના વિચારો કરીને કે જાતને કોસીને વધુ સમય તેની પાછળ ખર્ચવાનો નથી. જો હજીય તમે તેને ધિક્કારવાનું બંધ નહીં કરો તો એ પણ તમારો સમય બગાડશે. કડવા અનુભવો વાગોળવા માટે નથી હોતા. એમાંથી શીખવા જેવું શીખી લઈને એ અનુભવોને થૂંકી નાખવા પડે છે. પ્રેમનો મુખવટો પહેરીને આવતા સંબંધોને પારખતાં શીખશો તો પ્રેમ પરનો વિશ્વાસ અકબંધ રહે એવો સંબંધ પણ જરૂર મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK