ભણવાના દબાણમાં વ્યસનનો શિકાર બનેલા દીકરાનું વર્તન બગડ્યું, શું કરવું?

Published: May 10, 2019, 11:02 IST | સેજલ પટેલ - સેજલને સવાલ

ભણવાના પ્રેશરમાં દીકરો આડા પાટે ચડી ગયેલો, હવે બંધાણ છૂટી ગયું છે, પણ તેનું વર્તન અજીબોગરીબ હોય છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : અમારો પરિવાર જબરી મૂંઝવણમાં છે. જુવાનજોધ દીકરો છે, પણ તે અમારા ઘડપણની લાકડી બને એમ નથી, ઊલટાનું તેનું શું થશે એની અમને ચિંતા છે. કદાચ અમારા જ ઉછેરમાં કોઈ કચાશ રહી ગઈ હશે જેનું પરિણામ અમે ભોગવીએ છીએ. બારમા ધોરણ સુધી મારો દીકરો ભણવામાં અવ્વલ હતો. મધ્યમ વર્ગના છીએ અને તેના પર અમારી ઘણી આશા હતી એટલે જાણે-અજાણ્યે તેને વધુ માર્ક્સ અને ડિગ્રી મેળવવાનું બહુ પ્રેશર ફીલ થતું હતું અને તે પરીક્ષા આપીને ભાગી ગયો. બે મહિના પછી જ્યારે મળ્યો ત્યારે ડ્રગ-ઍડિક્ટ બની ચૂક્યો હતો. કૉલેજમાં ગયો પણ બે વાર ફેલ થઈને માંડ કૉમર્સની ડિગ્રી મેળવી. અમે દોરાધાગા કરાવતાં રહ્યાં અને અમને લાગ્યું કે તેનું ડ્રગ્સનું બંધાણ છૂટી ગયું છે. જોકે તે જ્યાં નોકરી કરતો હતો ત્યાં પણ છાનેછપને ડ્રગ્સનું કામ ચાલતું રહ્યું. લગભગ ચાર વર્ષ પછી જ્યારે ખબર પડી ત્યારે ડૉક્ટરને બતાવ્યું તો તેમણે કહ્યું કે તેને ડ્રગ રિહૅબિલિટેશન સેન્ટરમાં મોકલવો પડશે. થોડા મહિના એ સેન્ટરમાં રાખ્યો. ત્યાંથી આવ્યો ત્યારે તે એટલો શાંત થઈ ગયેલો કે ડર લાગે. ત્યાંથી આવ્યા પછી તે આખો દિવસ ધર્મનાં પુસ્તકો વાંચે છે. તે બહુ ધૂની થઈ ગયો છે. પહેલાં તેનાં છોકરીઓ સાથેનાં લફરાં પણ ઘણાં હતાં. હવે એવું કંઈ જ નથી. તેને શંખલા, છીપલાં, કાગળના ડૂચા, ચમકતા ગિફ્ટ રૅપર જેવી નકામી ચીજો એકઠી કરવાનો શોખ જાગ્યો છે. તેને ના પાડીએ તો બહુ જ ગુસ્સે થઈ જાય. ગુસ્સો એટલો હિંસક હોય છે કે ડરી જવાય. ક્યારેક તે સાવ જ નૉર્મલ હોય અને ક્યારેક તે અમને બધાને ગાળો આપે. અમે તેના દુશ્મન છીએ એવું કહે, ચીજો ફેંકમફેંક કરે અને પછી જોરજોરથી રડે. તેને માટે છોકરીઓ જોઈ રહ્યાં છીએ, પણ અત્યારે યોગ્ય પાત્ર નથી મળતું. દીકરાનું જીવન થાળે પાડવા અમે કંઈ પણ કરવા તૈયાર છીએ, પણ શું કરવું એ જ સમજાતું નથી.

જવાબ : પેરન્ટ્સ તરીકે તમારી ચિંતા વાજબી છે, પણ લગ્ન એનો ઉકેલ નથી. હા, પુખ્ત વયની વ્યક્તિના આવેગો સંતોષાય તો કદાચ તેનું વર્તન કાબૂમાં આવી શકે એ વાત સાચી છે, પણ એ માટે એવી જ છોકરી જોઈએ જે તમારા દીકરાની આ સ્થિતિ સમજી, સ્વીકારીને તેની સાથે લગ્ન કરવા તૈયાર થાય.

બીજું, ડ્રગ્સ જેવા નશામાંથી વ્યક્તિ બહાર આવે એ દરમ્યાન સાઇકોલૉજિકલ રિહૅબિલિટેશન ન થાય તો એ વ્યસન થઈ જાય અને બીજી કોઈ બાબતનું વળગણ ડેવલપ થાય એવું બને. કશાકનું વળગણ રાખવામાં આ પ્રકારના લોકોને સેફ્ટી ફીલ થાય છે. અલબત્ત, આ વળગણ પણ કંઈ યોગ્ય નથી જ. હાલમાં તેનું અચાનક જ બદલાતું વર્તન એ સ્વસ્થતાની નિશાની નથી. એક તરફ ધર્મનાં પુસ્તકો વાંચવાં, અતાર્કિક અને એલફેલ બોલવું, ગુસ્સો કરવો, અચાનક જ રડવું એ બધું જે ઢબે થાય છે એ ચોક્કસપણે સ્વસ્થતાની નિશાની નથી જ. ઇન ફૅક્ટ, મને આ માનસિક ડિસઑર્ડરનું લક્ષણ લાગી રહ્યું છે. એનું યોગ્ય નિદાન કોઈ નિષ્ણાત સાઇકિયાટ્રિસ્ટ જ કરી શકશે. દુનિયા વિશેની અવાસ્તવિક માન્યતાઓ અને બિહેવિયરમાં બે એક્સ્ટ્રીમ બદલાવો છે એ માટે તેને બનેએટલું વહેલું નિષ્ણાતનું માર્ગદર્શન મળે એ જરૂરી છે. બની શકે કે તમે હજી મોડું કરો અને એ અવાસ્તવિક માન્યતાઓ વધુ ઊંડી થવા માંડે.

આ પણ વાંચો : પતિ એમની મમ્મી અને મારા ઝઘડામાં કોઈનો પક્ષ નથી લેતા. શુ કરૂં?

પ્લીઝ, હવે આ તબક્કે ભૂવા અને દોરાધાગામાં સમય બરબાદ કરતાં નહીં. નિષ્ણાત સાઇકિયાટ્રિસ્ટની મદદ લેશો તો કદાચ ઝડપી સમસ્યાનું નિદાન અને સારવાર બન્ને થઈ શકશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK