BF બ્રેકઅપની વાત કરતાં પોતે આપઘાત કરી લેશે એવી ધમકી આપે છે શું કરવું?

Published: Jul 17, 2019, 14:53 IST | સેજલ પટેલ - સેજલને સવાલ | મુંબઈ ડેસ્ક

જે બૉયફ્રેન્ડ સાથે હું બ્રેકઅપ કરવાની વાત કરું છું તે જો હું સંબંધો નહીં રાખું તો આપઘાત કરવાની ધમકી આપે છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : કૉલેજમાં હતી ત્યારે મારાથી ત્રણ વર્ષ સિનિયર છોકરા સાથે પ્રેમ થઈ ગયેલો. એ સંબંધોમાં લગભગ દોઢ વરસ ગયું છે, પણ હવે પરિસ્થિતિએ વિચિત્ર વળાંક લીધો છે. પહેલાં દિવસમાં ઓછામાં ઓછા ચાર કલાક ફોન પર વાતો થતી અને રાતે ફોન કરી શકાય એમ ન હોય ત્યારે ચૅટિંગ કે એસએમએસથી વાતો થતી. કૉલેજ બંક કરીને ફરવા જતાં રહેવું અમને બહુ ગમતું. જોકે તેના દોસ્તારો બધા ટપોરી જેવા અને સિગારેટ-દારૂની લતવાળા હતા. આ લત તેને પણ લાગેલી. જોકે મારી હાજરીમાં તે પ્રમાણમાપ રાખતો. તેણે મને વચન આપીને છોડી દીધી, પણ ચોરીછૂપીથી બધું જ ચાલુ હતું. લગભગ બે મહિના સુધી ખૂબ જ ઝઘડા થતા હોવાથી મેં તેને મળવાનું અને વાત કરવાનું ઓછું કરી દીધું. સમસ્યા એ છે કે અમે ફિઝિકલી પણ ઘણાં આગળ વધી ગયેલાં. તેની પાછળ મેં ભણવાનું પણ બગાડ્યું છે અને હવે જો તેને સુધરવું ન હોય તો મારે જિંદગી બગાડવી નથી. મેં તેની સાથે બ્રેકઅપ કરવાની વાત કરી તો તેણે મને પોતે આત્મહત્યા કરશે એવી ધમકી આપી છે.
હું તેના ફોન રિસીવ નથી કરતી તો તેણે મને મેસેજ કરીને ઇમોશનલ બ્લૅકમેઇલિંગ ચાલુ કર્યું છે. જો હું તેની સાથે ફરીથી દોસ્તી નહીં શરૂ કરું તો તે ગળાફાંસો ખાઈને મરી જશે. આવું તે એક વાર નહીં, રોજ દિવસમાં છ-સાત વાર મેસેજ કરીને કહે છે. આ બધાથી ડરીને હું તેને ક્યારેક મળું છું, પરંતુ હવે મને જરાય તેની સાથે રહેવાનું મન નથી.
જવાબ : તમારો ડર સમજી શકાય એવો છે. કોઈ આપઘાત કરવાની ધમકી આપે ત્યારે એને હળવાશથી ન જ લેવાય, પરંતુ જ્યારે આવી વાતો કરીને બ્લૅકમેઇલ થતું હોય ત્યારે તેને સરેન્ડર પણ ન થઈ જવાય. બની શકે કે તે માત્ર બ્લૅકમેઇલ કરવા માટે જ આવું બોલતો હોય અને કદાચ ખરેખર એટલો ઇમોશનલ પણ હોય. હતાશાની સાથે જ્યારે આવેશ ભળે છે ત્યારે વ્યક્તિ કંઈ પણ કરી શકે છે.
તમારા સંબંધો ભલે દોઢ-બે વર્ષ જૂના હોય પરંતુ એમાં ઊંડાણ આવી શક્યું નથી ત્યારે તમે જે નિર્ણય લીધો છે એ વાજબી છે. પરસ્પર માટેની સમજણ અને એક હાર્મની જ્યાં સુધી ન હોય ત્યાં સુધી સંબંધો નાનાસૂના વાવાઝોડામાં અસ્તવ્યસ્ત થઈ જાય છે. તમે બે વખત બૉયફ્રેન્ડની ધમકીથી સરેન્ડર કર્યું છે. આ બન્ને વખત જ્યારે તમે નમતું જોખ્યું ત્યારે કઈ લાગણી વધુ પ્રબળ હતી? કાં તો તે કંઈ આડુંઅવળું ન કરી બેસે એનો તમને ખૂબ ડર લાગતો હશે. જો આ ડર જ કારણભૂત હોય તો વાતને લાંબી ન ચલાવવી. તમારા અને તેના ઘરના વડીલોને આ બાબતે જાણ કરો. જરૂર પડ્યે તેને સાઇકોલૉજિકલ કાઉન્સેલિંગ માટે મોકલવા તેના પરિવારજનોને સમજાવો.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

બાકી જો તમે પણ આ સંબંધને સુધારવાની ઇચ્છા રાખતા હો તો બ્રેકઅપની વાત રહેવા દો. દોસ્તીને આગળ વધારવા કે તોડવાની વાતો કરવાને બદલે અત્યારે જસ્ટ કરીઅર પર ફોકસ કરવાનો આગ્રહ રાખો. તેનું ભણવાનું જો પૂરું થઈ ગયું હોય તો તેને પણ બિઝનેસમાં કંઈક કરી બતાવવા માટે ચાનક ચડાવો. આમ કરવાથી તેનું ફોકસ બદલાશે. એ પછી અત્યારે જે દીવાનગી છે એ આપમેળે ધીમે-ધીમે ઓસરશે. આવેશ અને આવેગને રોકવાથી એ વધુ બળવત્તર બને છે, પણ જો યોગ્ય દિશામાં ચૅનલાઇઝ કરવામાં આવે તો એ ખૂબ કામના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK