દીકરી તેની સગાઈ તોડવાનાં જે કારણો આપે છે તે મને અયોગ્ય લાગે છે

સેજલ પટેલ | Mar 14, 2019, 12:00 IST

દીકરીને મારા વિચારો જુનવાણી લાગે છે અને તે સગાઈ તોડવાનાં જે કારણો આપે છે એ મને જરાય ગળે નથી ઊતરતાં

દીકરી તેની સગાઈ તોડવાનાં જે કારણો આપે છે તે મને અયોગ્ય લાગે છે
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હવે લગ્નની બાબતમાં સમાજમાં થોડુંક મુક્ત વાતાવરણ બન્યું છે. છોકરા-છોકરીને માત્ર એક-બે મુલાકાતમાં જ નક્કી કરી લેવાનું દબાણ નથી થતું. અમે પણ અમારી દીકરીને બધું જ જોઈ-પરખીને લગ્ન કરવાની છૂટ આપેલી. જોકે એનું પરિણામ અવળું આવે એમ લાગે છે. મારી દીકરી પોસ્ટ ગ્રૅજ્યુએટ છે. ત્રણ મહિના પહેલાં દીકરીની એક છોકરા સાથે ગોળધાણા ખાવાની રસમ થઈ. એ પહેલાં એક મહિનો તેમણે વાતચીત કરવાનો સમય લીધેલો અને બન્નેએ હા પાડેલી ત્યારે જ અમે આગળ વધ્યા હતા. તેની મમ્મીનું કહેવું છે કે લગ્ન પહેલાં બહુ બહાર ફરવા દેવાથી ખોટા ઝઘડા થાય, પણ કોર્ટશિપ પિરિયડમાં જેટલું સાથે ફરે એટલું વધુ એકબીજાને જાણી શકે એવું હું માનું છું એટલે તેની મમ્મીથી છુપાઈને મેં તેને બહાર જવા દીધી. હવે દીકરી કહે છે તેને આ સંબંધમાં નથી ફાવતું. કારણમાં કહે છે કે તેના ઘરની રીતભાત બહુ જુદી છે અને હું ઍડ્જસ્ટ નહીં થઈ શકું. તેનું કુટુંબ સંયુક્ત પરિવાર છે. તેનાં જેઠ-જેઠાણી અને એક નણંદ પણ એ જ ઘરમાં રહે છે. મારા જમાઈને સંયુક્ત કુટુંબ ગમે છે તો દીકરીને વિભક્ત. દીકરીનું કહેવું છે કે ફિયાન્સે તેનું કહ્યું માનતો નથી. તે મોં પર ના નથી પાડતો, પણ કરે છે તો પોતાનું ધાર્યું જ. સાચું કહું તો દીકરી સગાઈ તોડવાનાં જે કારણો આપે છે એમાંથી એકેય મને ગળે નથી ઊતરતાં. તેને પહેલેથી જ બધી સ્વતંત્રતા અને આધિપત્ય જમાવવા જોઈએ છે. જીવનમાં સમાધાનો કરતાં આવડે તો જ લગ્નજીવનમાં મજા છે એવું મને લાગે છે. દીકરીને આ વાત જુનવાણી લાગે છે. તમે શું માનો છો આ બાબતે?

જવાબ : સૌથી પહેલાં તો દીકરીને ત્રણ મહિનાની ઓળખાણમાં એવું તો શું જાણવા મળ્યું કે જેનાથી તે લગ્ન કરવાની ના પાડવા લાગી છે એ વાત પહેલાં જાણવી-સમજવી જરૂરી છે. ધારો કે તેની મરજી ન હોય તો તેને પરાણે એ સંબંધ માટે રાજી કરવાનો મતલબ નથી. હજી ગોળધાણા જ થયા છે ત્યારે હજીયે પાછાં ડગલાં માંડવાની મોકળાશ છે. જો આ જ અસમંજસ સાથે લગ્ન થઈ જશે અને ન કરે નારાયણ ને તેને ન ફાવ્યું તો એનું દુ:ખ તમને જીવનભર રહેશે.

આ પણ વાંચો : જે છોકરી ગમે છે તેની સાથે જન્માક્ષર મૅચ નથી થતા તેથી બહુ કંટાળ્યો છું

બાકી તમે બહુ જ સાચું વિચારો છો. જીવનમાં સમાધાનો કરતાં આવડે તો જ લગ્નજીવનમાં મજા ટકે છે એ વાત જરાય જુનવાણી નથી બલકે ખોટાં લાડપ્રેમથી ફટવેલી જનરેશન માટે આ વાત બહુ જ મહત્વની છે. છોકરા-છોકરીઓ ભણીગણીને પગભર થાય છે એટલે તેમને એમ લાગી જાય છે કે તેઓ તીસમાર ખાં બની ગયાં છે. તેઓ જે ધારે એ કરી શકે એમ છે અને તેમને કોઈએ રોકવાં-ટોકવાં ન જોઈએ. જોકે માતા-પિતા તરીકે તેમને એ સમજાવવું બહુ જ જરૂરી છે કે લગ્નજીવન એકલાથી નથી જિવાતું, એમાં બે જણની જરૂર પડે છે. જ્યારે બે વ્યક્તિઓ સાથે રહેવા તૈયાર થાય છે ત્યારે બન્નેએ પોતપોતાના જૂના ગમા-અણગમા અને આદતો રૂપી સંસ્કારને છોડીને એકમેકની તરફ આવવાનાં ડગલાં માંડવાં પડે છે. જો કોઈ છોકરી કે છોકરો એમ ધારતાં હોય કે લગ્ન કરીને તેઓ પતિ કે પત્નીને પોતાના મુજબ બદલી નાખીશે તો તે કદી સુખી નથી થવાનાં એ વાત લખી રાખજો. લગ્નજીવનમાં કારણ કે બે વ્યક્તિઓ અને બે પરિવારોએ એકમેકમાં ભળવાનું છે ત્યારે થોડુંક પોતાનું છોડવાનો અને થોડુંક બીજાનું સ્વીકારવાનો અભિગમ બહુ જ જરૂરી છે. મારું ધાર્યું જ થાય એવો અભરખો હોય એવી વ્યક્તિએ લગ્ન જ ન કરવાં.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK