ડિવોર્સી યુવક સાથે લગ્ન થવાના હતા પણ અચાનક તેનું મૃત્યુ થયું શું કરવું?

સેજલ પટેલ | Apr 03, 2019, 11:54 IST

એકલતાને ઘેરી કરવાને બદલે ગમતી પ્રવૃત્તિઓથી જીવનને ભરી દેશો તો સમય આવ્યે જરૂર ફરીથી હાથ પકડનારો મળી જશે.

ડિવોર્સી યુવક સાથે લગ્ન થવાના હતા પણ અચાનક તેનું મૃત્યુ થયું શું કરવું?
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું સિંગલ વર્કિંગ વુમન છું. વગર લગ્ને વિધવા થઈ ગઈ છું એમ કહેવાય. યંગ એજમાં મને કરીઅર સિવાય કશું જ દેખાતું નહોતું. સમયસર લગ્ન ન કર્યાં એ માટે પેરન્ટ્સે મને બહુ સંભળાવેલું, પણ હવે એ મુદ્દો નથી કેમ કે હવે બેમાંથી એકેય હયાત નથી. કરીઅર શરૂ કર્યા પછી એક ડિવોર્સી યુવક સાથે મન મળી ગયેલું. તેની સાથે જીવન જીવવાનાં મેં સપનાં જોયેલાં. વયભેદ હોવા છતાં અમારી વચ્ચે બહુ સારી ફ્રેન્ડશિપ અને અન્ડરસ્ટૅન્ડિંગ હતી. અમે નક્કી કરેલું કે આવતા વર્ષે નવું ઘર ખરીદીને અમે પરણી જઈશું. ત્રીસ વર્ષ પછી જે પ્રેમ થાય એ રોઝી-રોઝી નથી હોતો, પરંતુ એમાં ઠરેલપણું અને એકમેકની હાજરીમાં ઍટ ઇઝ હોવાની ફીલિંગ મહત્વની હોય છે. ચાર મહિના પહેલાં મારા જીવનમાંથી આ ફીલિંગ પણ છીનવાઈ ગઈ. તેની બાઇકનો ઍક્સિડન્ટ થયેલો અને એક મહિનો જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈને તે જતો રહ્યો. અત્યારે મારી ઉંમર ૩૪ વર્ષ છે અને ભાઈ-ભાભી સાથે રહું છું. કમાઉં છું અને પગભર છું, પરંતુ આ પરિસ્થિતિ સહન થઈ શકે એવી નથી. જ્યાં સુધી મેં કોઈકની સાથે જીવન જોવાનાં સપનાં નહોતાં જોયાં ત્યાં સુધીની વાત અલગ હતી, પણ સપનાં જોયાં પછી જિંદગી સુખ છીનવી લે એ બહુ આકરું લાગે છે. હવે મારે ફરીથી કોઈના સાથની અપેક્ષા જ નથી રાખવી. ભાઈઓના સુખી અને હર્યાભર્યા પરિવારને જોઈને થાય છે કે કદાચ મારો પર આવો પરિવાર હોત. આવા વિચારોમાં ગોટે ચડવાનો કોઈ અર્થ નથી. જિંદગીને પાટે ચડાવવી જ પડશે, પણ કેવી રીતે?

જવાબ : સ્ત્રી હોય કે પુરુષ બન્ને માટે પહેલેથી જ એકલા રહેવું મુશ્કેલ નથી, પણ કોઈના સાથની આદત પડી જાય એ પછી સંજોગોને કારણે જુદાં થવું પડે એ બહુ કપરું હોય છે. પત્ર પરથી તમે સ્વતંત્ર મિજાજનાં, આત્મનિર્ભર અને મક્કમ વિચારધારાવાળાં લાગો છો. ઉંમર મુજબની પાકટતા પણ તમારામાં છે અને તમે પોતે સમજી શકો છો કે જીવનની ગાડીને પાટે ચડાવવી જરૂરી છે એ પણ બહુ સારી નિશાની છે.

આ પણ વાંચો : પત્નીએ સાસુ-સસરા પર મારપીટનો ખોટો આરોપ મૂકેલો અને ફસાવવાની ધમકી આપે છે

જ્યારે પણ ઇમોશનલી નાજુક સ્થિતિમાં મુકાઈએ ત્યારે સૌથી પહેલાં તો જાત સાથે પ્રામાણિક થવું મસ્ટ છે. તમને ભાઈઓના હર્યાભર્યા પરિવારને જોઈને ઈર્ષા આવે છે એનો મતલબ એ છે કે તમે અંદરથી ઝંખો છો કે તમારો પણ પરિવાર હોય. આ ઇચ્છાને દબાવી દેવાની જરૂર નથી. હવે મને કોઈ જીવનસાથી નહીં જ મળે અથવા તો મારે હવે તો એકલપંડે જ જીવવું છે એવા નિર્ધારો કરી લેવાની જરૂર નથી. બીજી તરફ ઝટપટ કોઈ પણ વ્યક્તિમાં જીવનસાથી શોધીને ઇચ્છા પૂરી કરી નાખવાની ઉતાવળ કરવાની પણ જરૂર નથી. દુખને મનમાં ઘોળ્યા કરવાને બદલે થોડો સમય નૉર્મલ લાઇફ જીવો. નોકરી કરો, સોશ્યલ સર્કલમાં હળવાભળવાનું રાખો. તમારી મનગમતી પ્રવૃત્તિમાં રત રહીને પહેલાં સ્વસ્થ થાઓ. હવે મને કોઈ મળવાનું નથી એ વિચારને ઘેરો બનાવવાની જરૂર નથી. સૌથી પહેલાં તમારે તમારા પોતાના સાથી બનવાનું છે. જાત સાથેની મૈત્રી ગાઢ બનાવશો અને જાતને ખુશી મળે એવી પ્રવૃત્તિઓમાં પળોટેલી રાખો. વિચારોને મનમાં સંઘરી રાખવાને બદલે કોઈ તટસ્થ વિચારધારા ધરાવતી બહેનપણી કે મિત્ર સાથે શૅર કરો. કંઈ ન હોય તો ડાયરીમાં એ ઉતારો. બસ, મનને બાંધી ન રાખો. સમય સાથે એને વહેવા દો. એકલતાને ઘેરી કરવાને બદલે ગમતી પ્રવૃત્તિઓથી જીવનને ભરી દેશો તો સમય આવ્યે જરૂર ફરીથી હાથ પકડનારો મળી જશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK