પત્નીએ સાસુ-સસરા પર મારપીટનો ખોટો આરોપ મૂકેલો અને ફસાવવાની ધમકી આપે છે

સેજલ પટેલ | Apr 02, 2019, 12:05 IST

એક વાર પુરાવાઓ હાથે ચડી જાય એ પછીથી લૉયરની મદદથી આગળની કાર્યવાહી કરવાનું સરળ બની જશે.

પત્નીએ સાસુ-સસરા પર મારપીટનો ખોટો આરોપ મૂકેલો અને ફસાવવાની ધમકી આપે છે
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારી ઉંમર ૩૪ વર્ષ છે. તમારી પાસે ઘણી દુખિયારી સ્ત્રીઓના સવાલ આવતાં હશે અને તમે ત્રાસદાયક પતિઓની વાતો સાંભળીને ઉબાઈ જતાં હશો, પણ મારી વાત જરાક જુદી છે અને મને આશા છે કે તમે પુરુષોના ઍન્ગલથી પણ થોડીક વાત સમજશો. મારાં લગ્નને છ વર્ષ થયાં છે અને લગભગ દોઢેક વરસ પહેલાં પત્ની પિયર ચાલી ગઈ છે. તેણે એવી પોલીસ ફરિયાદ કરી છે કે તેનાં સાસુ-સસરા તેને ખૂબ મારે છે અને પતિ કંઈ બોલતો નથી. આ વાતમાં જરાય વજૂદ નહોતું. સમાજના કેટલાક વડીલોએ વચ્ચે પડીને સમાધાન કરાવ્યું અને તે પાછી આવી. છેલ્લા છ મહિનાથી તેણે રોજ ઘરમાં ઝઘડા શરૂ કર્યા છે. તેના પિતાને આર્થિક તંગી આવતાં તેણે મારી પાસે એક લાખ રૂપિયા માગેલા. પહેલી વાર માગ્યા ત્યારે મેં તરત વ્યવસ્થા કરીને આપી દીધા. એ પછી તેણે મને ખર્ચ માટે વધુ પૈસા આપવાનું કહ્યું. મને ખબર પડી કે ઘરમાં તો તે કંઈ જ ખર્ચ નથી કરતી. ઘરખર્ચ તો પપ્પા જ કરે છે. આ વાતે મેં તેને પૂછ્યું તો કહે છે, મને સવાલજવાબ કરશો તો પેલી ફરિયાદમાં તમે પણ મારપીટ કરો છો એવું નોંધાવી દઈશ. તે દર મહિને કંઈક ને કંઈક બહાને પિયરિયાંને પૈસા જોઈએ છે એવું કહેતી અને ન આપીએ તો બ્લૅકમેઇલ કરતી. તેની હિંમત ખૂલતી જાય છે અને તે હવે મોટી-મોટી રકમોની ડિમાન્ડ કરે છે. જ્યારે પણ ઝઘડો થાય ત્યારે તે ધમકી આપે અને બહારનું કોઈ એ વખતે આવે એટલે રડીરતડીને સહાનુભૂતિ પોતાની તરફ મેળવી લે. આ જ કારણોસર મારા પેરન્ટ્સ જુદા રહેવા જતા રહ્યા છે, પણ હજીયે પત્ની મને બ્લૅકમેઇલ કરે જ છે. અમારે કોઈ સંતાન નથી અને તે હમણાં બાળક કરવા પણ માગતી નથી. આવી પત્નીના ત્રાસમાંથી નીકળવા માટે શું કરવું એની સલાહ આપો.

જવાબ : ક્યારેક તમારા જેવાની દાસ્તાન સાંભળીએ ત્યારે ચોક્કસપણે લાગે કે આપણા કાયદા વધુ સ્ત્રીતરફી છે. સ્ત્રીઓના પ્રોટેક્શન માટે બનેલા કાયદાઓનો દુરુપયોગ આવી માથાભારે મહિલાઓ કરે છે એને કારણે ખરેખરી પીડિત મહિલાને પણ ન્યાય નથી મળતો. જોકે ભારતમાં માત્ર સ્ત્રીઓનું જ સાંભળવામાં આવે છે એવું નથી. સૌથી પહેલાં તો એક વાત સમજવી જરૂરી છે કે તે તમને બ્લૅકમેઇલ કરીને આખરે કરવા શું માગે છે? શું તેને તમારી પાસેથી માત્ર પૈસા જ જોઈએ છે? શું એ સિવાય તમારા સંબંધમાં કંઈ બાકી નથી? શું તમારી વચ્ચે જીવનસાથીઓ જેવી ઇન્ટિમસી અને લાગણીની કોઈ જોડતી કડી હોય એવું બચ્યું છે? જો હોય તો હજીયે આ સંબંધને સુધારવા માટેના પ્રયત્નો કરવા જોઈએ અને જો ન હોય તો સંબંધ પર પૂર્ણવિરામ લાવવું પડે.

આ પણ વાંચો : મારી ઑફિસના સ્ટાફ એક છોકરીના નામે પરેશાન કરે છે. શું કરવુ જોઈએ?

એક વાત સમજો કે તમે અત્યાર સુધી તેનાથી દબાયેલા રહ્યા છો એટલે તેની હિંમત વધુ ખૂલતી ગઈ છે. હવે તમે તેને સરેન્ડર નહીં કરો એટલે તે વધુ અકળાશે અને બમણું જોર લગાવશે. આ પરિસ્થિતિનો ફાયદો લઈને તમારે પત્ની તમને બ્લૅકમેઇલ કરી રહી છે એ વાતના પુરાવાઓ એકઠા કરવાનું શરૂ કરવું જોઈએ. ફૅમિલી કોર્ટના સારા લૉયરને મળો અને છેલ્લા મહિનાઓમાં બનેલી મેજર ઘટનાઓનો તારીખ-વાર ઘટનાક્રમ તેમને જણાવો. અત્યાર સુધીમાં તેણે બ્લૅકમેઇલ કરીને કેટલા રૂપિયા પડાવ્યા છે અને તેના પપ્પાને પહોંચાડ્યા છે એનો પણ હિસાબ રાખો. એક વાર પુરાવાઓ હાથે ચડી જાય એ પછીથી લૉયરની મદદથી આગળની કાર્યવાહી કરવાનું સરળ બની જશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK