લગ્નની શરૂઆતમાં બધી જ અગવડો પ્રેમથી સહી લીધી, પણ પતિ બહુ શંકાશીલ છે

સેજલ પટેલ | Apr 05, 2019, 15:19 IST

લગ્નની શરૂઆતમાં બધી જ અગવડો પ્રેમથી સહી લીધી, પણ પતિ બહુ શંકાશીલ હોવાથી તકલીફ પડે છે

લગ્નની શરૂઆતમાં બધી જ અગવડો પ્રેમથી સહી લીધી, પણ પતિ બહુ શંકાશીલ છે
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું ગુજરાતના એક નાના ગામમાં ઉછરી છું. ગામના જ છોકરા સાથે પ્રેમ થયો અને બન્નેના પેરન્ટ્સ માને એમ ન હોવાથી ભાગીને મુંબઈ આવી ગયા. હાલમાં કલ્યાણમાં રહીએ છીએ અને આ વાતને બે વર્ષ થયાં. હવે મારા હસબન્ડ સાથે નાની-નાની વાતે તકલીફો થાય છે. તેઓ મારાથી લગભગ સાત વર્ષ મોટા છે. અહીં આવ્યા પછી ખૂબ આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. ગામના ફળિયાવાળા ઘરને બદલે અહીં પતરાની એક ઓરડી છે અને એ પણ ગેરકાનૂની. શરૂઆતમાં તો અમને આ તકલીફો બહુ મોટી ન લાગી, પણ વર્ષો વીતી જવાં છતાં હજીયે આર્થિક ઉકેલ આવતો જ નથી. પહેલાં કરતાં હવે સ્થિતિ સારી છે એમ છતાં હવે જાણે ધીરજ નથી. પહેલાં કડકડતી ઠંડીમાં એક ચટાઈ પર સૂઈ જતાં ને ઓઢવા માત્ર પાતળી ચાદર અને શાલ હોય તોય ચાલતું, પણ હવે પ્રાઇમરી સુવિધાઓ છે એમ છતાં જીવનમાં મજા નથી. હું પણ પાર્લરનું કામ કરીને પૈસા કમાઉં છું અને રૂમ ખરીદીએ નહીં ત્યાં સુધી બાળક નહીં કરીએ એવું નક્કી કરેલું. બે ટંકનો રોટલો રળી લઈ શકીએ એમ છીએ, પણ ઘર લેવાની ત્રેવડ થતી જ નથી. એવામાં હવે પતિનો સ્વભાવ બહુ બગડી ગયો છે. તેને લાગે છે કે બ્યુટીપાર્લરના નામે હું મસાજ-પાર્લર ચલાવું છું. તેને ક્યારેક શંકા થાય છે તો ક્યારેક તે મને વધુ ખર્ચ કરી નાખવા બદલ વગરકારણે ખખડાવે છે. પૈસા બચાવવાની વાતે અમે બન્ને ગંભીર છીએ, પણ હવે તેને પૈસા બાબતે મારી પર ભરોસો નથી રહ્યો. બેમાંથી એકેય પરિવારનો સપોર્ટ ન હોવાથી બહુ મૂંઝારો થાય છે.

જવાબ : તમે પરિવારની મરજીથી લગ્ન કરો કે ભાગીને, લગ્નજીવનની સમસ્યાઓનો સામનો તો બે વ્યક્તિઓએ જ કરવાનો હોય છે. હા, તમે બન્નેએ તમારી નવી દુનિયા વસાવવા માટે જે ધીરજ, ખંત અને પ્રેમથી જીવનની કઠણાઈઓનો સામનો કર્યો છે એ કાબિલેદાદ છે. ભવિષ્યને સિક્યૉર કરવા માટે બચત કરવી, પોતાનું ઘર લેવું જેવી પ્રાયોરિટી તમે નક્કી કરીને એ માટે મથો છો એ બતાવે છે કે તમે બન્ને મૅચ્યોર છો.

સામાન્ય રીતે મમ્મી-પપ્પાના ભર્યાભાદર્યા ઘરમાં તમે લગ્નજીવન શરૂ કરો તો બધી જ વસ્તુઓ તમને તૈયાર ભાણે મળી જતી હોય છે, જ્યારે અહીં તમારે રોજના ધાનથી માંડીને ઘરવખરી બધું જ મૅનેજ કરવાનું હોય ત્યારે હાથ ટૂંકો તો રહેવાનો જ. ઘણી વાર પોતાનાથી ઘરની પ્રાથમિક ચીજો પણ સરખી રીતે મૅનેજ નથી કરી શકાતી એ વાતનો એટલો માનસિક ભાર હોય છે કે પુરુષોને વાતે-વાતે ગુસ્સો આવી જાય છે. આ ગુસ્સો વાજબી હોય છે એવું નહીં કહું, પણ એવા સમયે સ્ત્રીઓ ખોટું લગાડીને સામો ગુસ્સો કરે તો વાત વણસે છે. પૈસાની સંકડાશ હોય અને ઘણુંબધું કરવાની મહત્વાકાંક્ષા હોય ત્યારે પુરુષો અંદરથી ખૂબ જ ભીંસ અનુભવતા હોય છે. આ ભીંસને ઘણી વાર અવળી રીતે તેઓ પત્ની પર ઉતારે છે.

આ પણ વાંચો : લગ્ન એટલે સાત જનમનો સંબંધ કહેવાય, પણ મારો પતિ મારી નાખવાની ધમકી આપે છે

પૈસાના મુદ્દાને તમે મોટો ન બનાવો. તમારા બ્યુટી પાર્લરમાં તેમને પણ ક્યારેક બોલાવો અને બધું દેખાડો. તેમની શંકાને તમારે તૂત આપવાની જરૂર નથી. એના બદલે રોજ દિવસમાં એક કલાક હળવાશથી સાથે ગાળવાનો નિયમ લો. નાણાભીડને કારણે ઑલ વર્ક નો પ્લે એવું ન થવું જોઈએ. વીક-એન્ડ દરમ્યાન નવાં લગ્નનો રોમૅન્સ ફરી જગાડો. હંમેશાં ઘરની તકલીફોની ચર્ચા કરવાને બદલે પ્રેમની પળો માણો. જીવનમાં સમસ્યાઓ કરતાં પ્રેમનો ડોઝ વધી જશે એટલે તમામ શંકાઓ સરી જશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK