બૉયફ્રેન્ડ કાયર નીકળ્યો અને માબાપે બતાવેલી છોકરી સાથે ચૂપચાપ પરણી ગયો

Published: Apr 30, 2019, 11:23 IST | સેજલ પટેલ - સેજલને સવાલ

ડાન્સ, મ્યુઝિક, પેઇન્ટિંગ, સ્પોર્ટ્સ, ટ્રૅકિંગ કે એવી તમને ગમતી કોઈ પણ હૉબી શરૂ કરો. ગમતી ચીજો કરવાથી મન પ્રફુલ્લિત થશે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું ૨૮ વર્ષની છું. કૉલેજમાં કદી પ્રેમમાં નહોતી પડી, પણ એ પછી ઑફિસના કામસર દોસ્તી થઈ એ પ્રેમમાં પરિણમી. અમારો સંબંધ પાંચ વર્ષ ચાલ્યો. શરૂઆતનાં વર્ષો નજીક આવવામાં ગયો અને પછી તો અમે તમામ મર્યાદાઓ પણ ચૂકી ગયેલાં. છેલ્લા દોઢ વર્ષથી હું તેની પાછળ લગ્ન માટે પડેલી, પણ તે હંમેશાં ફૅમિલી ઇશ્યુઝનું બહાનું બતાવતો. તેનામાં પોતાના પેરન્ટ્સ પાસે અમારી વાત રજૂ કરવાની હિંમત જ નહોતી. છેવટે તે બાપાએ બતાવેલી છોકરી સાથે ચોરીમાં બેસી ગયો. મને ગુસ્સો એ વાતનો હતો કે તેણે પોતાના પરિવારમાં અમારા સંબંધ માટે જરાય લડત આપી નહીં. વિરોધ તો મારા ઘરમાં પણ હતો, પરંતુ હું એની સામે લડી લેવા તૈયાર હતી અને એને કારણે મેં મારા ઘરમાં મારા વિરોધીઓ ઊભા કરી દીધા હતા. મારે ભૂતકાળ યાદ નથી કરવો એમ છતાં ભુલાતો નથી. મારા ફ્રેન્ડ્સ ટોણા મારવાનો એકેય મોકો નથી છોડતા. મમ્મી તો મને પ્રેમમાં આંધળી છું એમ કહેતી હતી એટલે તેને પણ સંભળાવવાનો મોકો મળે છે. હું અત્યંત વિચિત્ર સ્થિતિમાં મુકાઈ ગઈ છું. જેના પર ભરોસો કર્યો તે છોડી ગયો. જાણે રિજેક્ટ કરી ગયો હોય એવું લાગે છે. હું મારી નજરમાં મૂરખ સાબિત થઈ. અત્યારે તો હું કામમાં વ્યસ્ત રહું છું. દસ-બાર કલાક સતત કામમાં જ પડી રહું છું, એમ છતાં જેવી એકલી પડું કે તરત જૂની યાદો ઘેરી વળે છે. હવે તો રડી-રડીને આંસુ પણ સુકાઈ ગયાં છે અને આમાંથી બહાર આવવું જ છે. શું કરું એ સમજાતું નથી.

જવાબ : તમને મનગમતી વ્યક્તિ સાથે તમને જીવન જીવવા નહીં મળે એ દુ:ખની વાત છે, પણ જરાક નજરિયો બદલીને જોઈએ તો જે થયું એ સારું જ થયું. જે યુવક તમારા સંબંધને મોકો આપવા પરિવારને મનાવવા જરા પણ આકરું પગલું લેવાની હિંમત નહોતી કરતી તે વ્યક્તિ સાથે તમારાં લગ્ન થયાં પણ હોત તો લગ્ન પછી જીવનની આકરી પરિસ્થિતિઓમાં તમારા પડખે કેટલું ઊભો રહ્યો હોત?

તમે દસ-બાર કલાક કામમાં ખૂંપીને આ કડવી ઘટનાને ભૂલી જવા માગો છો એ સારું છે, પણ એનાથી ભૂતકાળની ફિલ્મ ઇરેઝ નહીં થાય. હા, વ્યસ્ત રહેવાથી એટલો સમય જરૂર જૂની યાદો તમને નહીં ઘેરે, પણ એ પછી શું? જીવનમાં જે ચીજથી આપણે ભાગીએ છીએ એ આપણી પાછળ આદું ખાઈને પડી જાય છે. નકારાત્મક યાદો ગલીમાં રખડતા કૂતરા જેવી હોય છે. જો તમે એની સામેથી ભાગો તો એ તમારી પાછળ પડે અને જો તમે એની સામે જોઈને શાંતિથી તમારી ગતિએ ચાલતા રહો તો તમે આસાનીથી એમાંથી પસાર થઈ જાઓ. જ્યાં સુધી મગજમાં નકારાત્મક લાગણીઓ ભરેલી હોય ત્યાં સુધી પૉઝિટિવિટીની જગ્યા નથી થતી. મનમાં જે પણ કાળઝાળ ગુસ્સો છે એ બધો તમારે ઠાલવી દેવાની જરૂર છે. કોઈ સમજુ દોસ્ત ન મળે તો ડાયરીમાં ઠાલવો. આ ઘટનાઓ તમને કેટકેટલું શીખવી ગઈ છે એ નોંધો. જ્યારે એમ થાય કે તમે બધું જ ઠાલવી દીધું છે એ પછી ડાયરીને ફાડી, સળગાવીને ડિસ્ટ્રોય કરી દો.

આ પણ વાંચો : સિંગલ પેરેન્ટ હોવાથી દીકરીની સલામતીની ચિંતા રહે છે.

નવી જિંદગીની શરૂઆત કરો. જોકે માત્ર કામમાં ખૂંપી જવાનું યોગ્ય નથી. કામ તમને ગમતું હોવું જોઈએ. જૉબ ઉપરાંતનો સમય તમારી શોખની પ્રવૃત્તિઓમાં ગાળો. ડાન્સ, મ્યુઝિક, પેઇન્ટિંગ, સ્પોર્ટ્સ, ટ્રૅકિંગ કે એવી તમને ગમતી કોઈ પણ હૉબી શરૂ કરો. ગમતી ચીજો કરવાથી મન પ્રફુલ્લિત થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK