સુખી અને સફળ લગ્નજીવન માટે પત્ની વર્કિંગ હોવી જોઈએ કે નૉન-વર્કિંગ?

સેજલ પટેલ | Apr 12, 2019, 12:02 IST

લગ્ન કરવાનું નક્કી કરતાં પહેલાં જ એકમેકની આદતો, ગમા-અણગમા, નબળાઈઓ અને સબળાઈઓ બધા વિશે મુક્ત મને ચર્ચા થઈ શકે એવું વાતાવરણ બને તો લગ્ન પછીનું જીવન ઓછું કઠિન રહે.

સુખી અને સફળ લગ્નજીવન માટે પત્ની વર્કિંગ હોવી જોઈએ કે નૉન-વર્કિંગ?
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારા માટે અત્યારે છોકરી જોવાની પ્રક્રિયા ચાલે છે. મારી ઉંમર ૨૬ વર્ષ છે અને પોસ્ટ-ગ્રૅજ્યુએશન કરીને સારી કંપનીમાં જૉબ કરું છું. મારા કેટલાક દોસ્તોનાં લગ્ન થઈ ચૂક્યાં છે. જેમની પત્નીઓ વર્કિંગ છે તેમને પરિવારમાં ઍડ્જસ્ટ થતાં બહુ તકલીફ પડી રહી છે. કેટલાક તો ચાઇલ્ડહૂડ લવરને પરણ્યા છે અને છતાં લગ્નના એક જ વર્ષમાં સમસ્યાઓ ઊભી થવા માંડી છે. બીજી તરફ મારાં સગાંસંબંધીઓમાં જોઉં છું તો મોટા ભાગના લોકોએ અરેન્જ્ડ મૅરેજ કર્યા છે. જેમની પત્ની હાઉસવાઇફ છે તેમને ત્યાં પણ શાંતિ નથી. શરૂઆતમાં આ લોકોનું લગ્નજીવન બહુ સારું હતું. સમાજ અને પરિવારમાં બધે જ એ વિશે સારી-સારી વાતો થતી હતી, પણ હવે ચાર-પાંચ વર્ષ પછી યુગલો વચ્ચે વધુ તિરાડ જોવા મળે છે. મારા કઝિનની જ વાત કરું તો તેને હાઉસવાઇફ પત્ની સાથે વેવલેન્ગ્થ મૅચ નથી થતી એવી ફરિયાદ છે. ટૂંકમાં, હું કન્ફ્યુઝ્ડ છું કે જીવનસાથી વર્કિંગ હોય તો સારું કે નૉન-વર્કિંગ હોય તો સારું. ક્યારેક લાગે છે કે બન્ને વર્કિંગ પાર્ટનર્સ હોય એવાં યુગલો સામાજિક પળોજણોથી દૂર રહીને મૉડર્ન અને સુકૂનની જિંદગી જીવી શકે છે તો ક્યારેક લાગે છે કે વર્કિંગ પાર્ટનર્સ હોય તો તેમની વચ્ચે મતભેદો, ઝઘડા, ડિસરિસ્પેક્ટ, જવાબદારીઓને લઈને બહુ તનાવ રહે છે. તમારી દૃષ્ટિએ વર્કિંગ જીવનસાથી હોવો જોઈએ કે નૉન-વર્કિંગ?

જવાબ : તમારા આ સવાલનો આ કે પેલું એવો જવાબ આપવો એ મૂર્ખામી છે. કેમ કે તમારો સવાલ જે સરખામણીમાંથી પેદા થયો છે એ જ અપરિપક્વતાની નિશાની છે. કોઈકના લગ્નજીવનમાં આમ થયું એટલે તમારાં લગ્નમાં પણ એમ જ થશે એવું કોણે કહ્યું? કોઈકને વર્કિંગ પાર્ટનર ફળે તો કોઈકને નૉન-વર્કિંગ. કામ કરતી સ્ત્રી સારી પત્ની ન બની શકે એવું ધારી ન શકાય અને ઘર સંભાળતી ગૃહિણી સાથે તમે વિચારોની વેવલેન્ગ્થ ન મૅચ કરી શકો એ પણ ધારણા જ છે. સૌથી પહેલાં તો બીજાનાં લગ્નોમાં જે થાય છે કે થઈ રહ્યું છે એવું જ તમારી સાથે પણ થશે એવી તમારી ધારણા હોય તો એના પર કામ કરો. દરેક વ્યક્તિ યુનિક હોય છે અને જે બે યુનિક વ્યક્તિઓ ભેગી થાય છે એ કૉમ્બિનેશન પણ યુનિક જ હોય છે. સ્ત્રીના વર્કિંગ સ્ટેટસના આધારે તે સારી જીવનસાથી બનશે કે નહીં બને એવી ટૅગ લગાવાય નહીં. લગ્નમાં તમે શું કરો છો એ મહત્વનું નથી, પણ પરસ્પર માટે તમે કેવા છો એ વધુ મહત્વનું છે.

આ પણ વાંચો : દીકરાઓ મનમરજી ચલાવે છે અને કંઈ કહું તો માનતાં નથી, શું કરવું?

કન્યા વર્કિંગ હોય કે નૉન-વર્કિંગ, તમે એક વૈચારિક સ્તરે વાતો કરવામાં મોકળાશ અનુભવો એ વધુ મહત્વનું છે. જીવનસાથીની પસંદગીમાં બાહ્ય દેખાવ અને સોશ્યલ સ્ટેટસ પર ભાર મૂકવાની જરૂર નથી. તમે જે છોકરીઓ જોવા જાઓ છો તેની સાથે જો વાત ક્લિક થાય એમ લાગતી હોય તો વારંવાર મળો, હરો-ફરો અને વાતો કરો. સુખી લગ્નજીવનની ખેવના હોય તો પસંદગી કરતી વખતે વ્યક્તિત્વની મુલવણી ન કરો, પણ દિલ ખોલીને ખૂબ બધી વાતો કરો. લગ્ન પહેલાં સારું લાગે એ માટે પોતાના વિચારો ટ્વિસ્ટ કરીને રજૂ કરવાની જરૂર નથી. નાની-નાની બાબતોમાં લગ્ન પહેલાં જ ઑનેસ્ટ રહીને શૅરિંગ કરો અને સામેવાળી વ્યક્તિને પણ એ માટે ઍન્કરેજ કરો. લગ્ન કરવાનું નક્કી કરતાં પહેલાં જ એકમેકની આદતો, ગમા-અણગમા, નબળાઈઓ અને સબળાઈઓ બધા વિશે મુક્ત મને ચર્ચા થઈ શકે એવું વાતાવરણ બને તો લગ્ન પછીનું જીવન ઓછું કઠિન રહે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK