છૂટાછેડા પછી દીકરાની કસ્ટડી મારી છે, છતાં પતિ તેને લઈ જાય છે

સેજલ પટેલ | Apr 17, 2019, 11:07 IST

છૂટાછેડા પછી દીકરાની કસ્ટડી મને મળી છે એમ છતાં પતિ છુપાઈને તેને લઈ જાય છે અને ખરું-ખોટું શીખવે છે

છૂટાછેડા પછી દીકરાની કસ્ટડી મારી છે, છતાં પતિ તેને લઈ જાય છે
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારાં અરેન્જ્ડ મૅરેજ હતાં, પણ લગ્નજીવન બહુ ટૂંકું ચાલ્યું. દારૂનો નશો, મારપીટ અને ગાળાગાળથી ત્રાહિમામ પોકારી ગયેલી. પેરન્ટ્સે સપોર્ટ કર્યો પણ કમનસીબી એ હતી કે એ વખતે હું પ્રેગ્નન્ટ હતી. ડિલિવરીના નામે પિયર આવતી રહી. દીકરો આવતાં પતિનું વર્તન બદલાઈ ગયું. તેણે ડાહી-ડાહી વાતો કરીને મને પાછી પિયર બોલાવી. હું પણ સમાધાન કરીને પાછી સાસરે રહેવા ગઈ, પણ ફરી ૬ જ મહિનામાં ફરીથી તેનું દિમાગ ગરમ થવા લાગ્યું. તે મને મારતો અને જો હું પ્રતિકાર કરું તો મારા દીકરાને મારવાની ધમકી આપતો. સાસુ બચાવવાની કોશિશ કરતાં પણ તેમનું કંઈ ચાલતું નહીં. આખરે પિયરિયાંઓની મદદ લઈને ડિવૉર્સ લઈ લીધા. કાયદાકીય રીતે દીકરાની કસ્ટડી મારી પાસે જ છે. આર્થિક રીતે પગભર છું અને જાતે જ દીકરાને મોટો કરીશ એમ મન મનાવી લીધેલું, પણ હજીયે તકલીફો ઘટી નથી. મારા દીકરાને તેનો બાપ વારેઘડીએ મળે છે અને ચોરીછૂપી સાથે લઈ જાય છે.

એક વાર તો તેઓ દીકરાને નર્સરીમાંથી લઈ ગયા અને ઘેનવાળી ચીજ ખવડાવીને પોતાના ઘરે લઈ ગયા. ઘરે આવીને તેણે નાના-નાની તો બહુ ખરાબ છે અને ગંદાં છે એવુંબધું તેના મનમાં ભરાવેલું. અમે નર્સરીવાળાને હવે કહી દીધું છે કે આ માણસ આવે તો દીકરાને તેની સાથે જવા દેવો નહીં, તો પણ તે ત્યાં આવીને દીકરાને મળે છે અને તેને વાપરવા માટે પૈસા આપીને જાય છે. આવું છેલ્લા ત્રણેક મહિનામાં ચાર-પાંચ વાર બન્યું છે અને ત્યાંથી આવ્યા પછી દીકરો મને ગમેએમ બોલવા માંડે છે, મારામારી કરે છે અને કહે છે કે તું તો ગંદી છે, મારી મમ્મી નથી. દીકરાને લઈને કોઈ બીજા શહેરમાં જતી રહું તો કંઈક વાત બને, પણ અહીં પેરન્ટ્સનો સપોર્ટ છે એટલે એમ કરવાનું મન નથી થતું. કંઈક નહીં કરું તો દીકરાને પણ ખોઈ બેસીશ એવું લાગે છે.

જવાબ : ખરેખર નાજુક સ્થિતિ છે, પણ હિંમત હારવાની જરૂર નથી. બીજા શહેરમાં રહેવા જતા રહેવાથી સૉલ્યુશન નહીં આવે. ઊલટાનું અહીં તમને પેરન્ટ્સનો સપોર્ટ છે, બીજા શહેરમાં તો એ પણ નહીં હોય ત્યારે એકલાહાથે પરિસ્થિતિનો સામનો વધુ મુશ્કેલ બનશે.

તમારા પતિને ખરેખર જોઈએ છે શું? તેઓ શા માટે આવું વર્તન કરે છે? દીકરો પાછો જોઈએ છે કે પછી માત્ર તમને હેરાન કરવાં એ જ મકસદ છે? એક વાર તેમના વર્તન પાછળનો ઇરાદો સમજવો જરૂરી છે. જોકે તમારા પતિએ જે કર્યું છે એ માટે પોલીસમાં ફરિયાદ નોંધાવવી આવશ્યક છે. જો એમ ન કર્યું હોય તો તરત જ નોંધાવો. તમારા દીકરાને કંઈ પણ થાય તો એ માટે તમને આ વ્યક્તિ પર શંકા છે એ પ્રકારની નોટિસ પણ પોલીસમાં નોંધાવી દો. આ નોંધણીની વાત પતિના કાને પણ પહોંચાડી દો. તેને ધમકી લાગે તો ધમકી સહી.

આ પણ વાંચો : બૉયફ્રેન્ડે મંદિરમાં મારી સાથે લગ્ન કર્યાં પછી ખબર પડી કે તે પરણેલો છે

તમારા દીકરાની સ્કૂલ ઘરની નજીક હોય એવી જ રાખો. સ્કૂલે મૂકવા-લેવા માટે તમે અથવા તો તમારાં મમ્મી-પપ્પા ખુદ જાય એમ કરો. એક પળ માટે પણ તમારે તેને રેઢો મૂકવો નહીં. એક વાર તે દસ-બાર વરસનો અને સમજણો થાય એ પછીથી તેને સાચું-ખોટું તારવતાં શીખવવું. હા, તમારા દીકરાને તેના પપ્પા વિરુદ્ધ ભડકાવવાની જરૂર નથી. બસ, તે થોડો સમય તેને મળવાનું બંધ કરશે અને તમે તેને પૂરતો પ્રેમ આપતાં રહેશો તો તેનું વર્તન આપોઆપ બદલાઈ જશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK