દીકરાઓ મનમરજી ચલાવે છે અને કંઈ કહું તો માનતાં નથી, શું કરવું?

સેજલ પટેલ | Apr 11, 2019, 13:54 IST

દીકરાઓ ખોટા નિર્ણય લઈ રહ્યા છે અને હું કંઈ કહું તોય મને કોઈ પૂછતું કે ગણતું નથી, તો હવે મારે શું કરવું?

દીકરાઓ મનમરજી ચલાવે છે અને કંઈ કહું તો માનતાં નથી, શું કરવું?
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું રિટાયર્ડ માણસ છું. પેન્શન આવે છે એટલે હજી સુધી છોકરાઓને ભારે નથી પડતો. પત્ની છ મહિના પહેલાં જ દુનિયામાંથી વિદાય થઈ ગઈ છે. મારી સમસ્યા એ છે કે હું જ્યાં પણ જાઉં કોઈ મને ગંભીરતાથી નથી લેતું. સાંજે બગીચામાં કેટલાક ઘરડા મિત્રો મળીએ છીએ ત્યારે પણ કોઈ ચર્ચા થાય તો લોકો મારી વાત હસવામાં કાઢે છે. જ્યારથી દીકરાઓએ કમાઈને ઘર ચલાવવાનું શરૂ કર્યું ત્યારથી ઘરમાં પણ કોઈ મારી વાત સાંભળતું નથી. ઘરના નિર્ણયો લેવાના હોય ત્યારે હંમેશાં મારી વાતની અવગણના જ થાય છે. ચાર દીકરાઓ છે અને બધા ઠરીઠામ થઈ ચૂક્યા છે. જોકે હવે હું આઉટડેટેડ થઈ ગયો હોવાથી પૌત્રનાં લગ્ન વિશે પણ મને કોઈ પૂછતું નથી. કોઈ પણ અગત્યના નિર્ણયોમાં મને ગણકારવામાં નથી આવતો. બધા ફૉર્વર્ડ થઈ ગયા હોવાથી પૌત્રનાં લગ્નનું ચોકઠું છોકરી જોઈને નહીં, પણ પૈસો જોઈને કર્યું છે. વાત નક્કી થઈ ગયા પછી માત્ર આશીર્વાદ લેવા માટે અને ફૉર્માલિટી ખાતર મને પૂછવામાં આવેલું. દીકરાઓ મનમાની કરે એમાં વાંધો નથી, પણ તેમનું જ ખોટું થાય છે એટલું પણ તેમને ન સમજાય ત્યારે શું કરવું?

જવાબ : તમારા હૃદયની પીડા સમજી શકાય એવી છે, પરંતુ એક વાત તમને પૂછવી છે. ઘરમાં શું થવું જોઈએ એ બાબતે હંમેશાં તમને પૂછવામાં આવે એવો આગ્રહ કેમ રાખો છો? શા માટે ઘરના લોકોએ આપણું કહ્યું માનવું જ જોઈએ? તમે કહેશો કે હું નાનો હતો ત્યારે મારા બાપાનું કહ્યું કદી ઉથાપતો નહોતો. એ વાત સાચી છે, પરંતુ એ તમે સ્વેચ્છાએ કરતા હશો. તમે તમારા પપ્પાની વાત સ્વેચ્છાએ સ્વીકારતા હશો. જો એ વાત તમારા પર લાદવામાં આવતી હોત તો શું એ તમને ગમ્યું હોત? પરાણે અથવા તો ડરથી વડીલોની ધાક બેસાડવામાં આવે છે એનાથી કોઈ પરિવારનું ભલું નથી થતું એ કદી ન ભૂલવા જેવી બાબત છે.

આપણે કંઈ મંતવ્ય આપીએ અને પછી એ ન સ્વીકારાય અથવા તો એ બાબતે હાંસી ઉડાડવામાં આવે એવી સ્થિતિમાં જાતે જ શું કામ મુકાવું જોઈએ? સાચું શાણપણ એને કહેવાય કે જ્યારે પૂછવામાં આવે ત્યારે જ સલાહ અપાય. વણમાગી સલાહ હંમેશાં મામૂલી બની જાય છે. દરેક વ્યક્તિને પોતાના પરિવાર પ્રત્યે લાગણી હોય છે. પરિવાર સાથે કંઈ ખોટું ન થઈ જાય એની ચિંતા પણ હોય છે, પરંતુ એક તબક્કા પછી એટલે કે સંતાનો મોટાં થઈ જાય એ પછીથી આ ચિંતા સંતાનોને સોંપીને મુક્ત થઈ જવું જોઈએ. પૌત્રનાં લગ્ન બાબતે જે નિર્ણય લેવાઈ રહ્યો છે એ તમારી દૃષ્ટિએ ખોટો હોય તો પણ હવે તમારે એમાં જીવ બાળવો ન જોઈએ. જેમ દીકરાઓ માટેના નિર્ણયો લેતી વખતે પિતા તરીકે તમને જે સાચું લાગતું હતું એવા નિર્ણયો તમે લીધા એમ દીકરાઓ પણ હવે પોતાનાં સંતાનો માટે તેમને જે ઠીક લાગે એ મુજબ કરે.

આ પણ વાંચો : એક્સ ગર્લફ્રેન્ડે ફરી મારી સાથે રિલેશનશિપ ઈચ્છે છે, શું કરું ?

આવું કહેવાનો મતલબ એ નથી કે તમને અંગત રીતે ડાયરેક્ટ અસર કરતી બાબતો પણ તેમના પર છોડી દેવી. તમારી સાથે સંકળાયેલી અને તમને ગમતી ચીજો જરૂર કરવી જોઈએ. એ માટે તમારે કોઈને પૂછવાનીય જરૂર નથી. તમારી માનસિક શાંતિ માટે જરૂરી બાબતો વિશે તમારે તેમના પર આધારિત રહેવું જરૂરી નથી. તમે જે મહેનત કરીને પરિવારને આર્થિક રીતે સધ્ધર બનાવ્યો છે એ પણ સંતાનો પર છોડી દેવાની જરૂર નથી. તમારી આર્થિક સલામતી જાળવી લો, મન ભગવાનમાં લગાવો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK