જે છોકરી ગમે છે તેની સાથે જન્માક્ષર મૅચ નથી થતા તેથી બહુ કંટાળ્યો છું

સેજલ પટેલ | Mar 12, 2019, 15:23 IST

તમે મનથી કેટલા સ્પષ્ટ અને સ્ટ્રૉન્ગ છો એના પર આધારિત છે. હું જો ગ્રહોને એમનું કામ કરવા દઉં તો એ ચોક્કસ મારા પર નિયંત્રણ લઈ લે, પણ જો પોતાના શરીર-મનનું નિયંત્રણ વ્યક્તિ પોતે કરી શકે એટલી સ્થિરતા કેળવે તો કંઈ વાંધો ન આવે.

જે છોકરી ગમે છે તેની સાથે જન્માક્ષર મૅચ નથી થતા તેથી બહુ કંટાળ્યો છું
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : મારે સીધી એક જ વાત તમને પૂછવી છે કે આજના જમાનમાં બે જણના ગ્રહો મળતા નથી એટલે લગ્ન ન થઈ શકે એ તૂત પકડી રાખવાનું તમને કેટલું યોગ્ય લાગે છે? મારી ઉંમર ૨૭ વર્ષ છે અને હું આ કુંડળીના કૂંડાળાથી વાજ આવી ગયો છું. એવું નથી કે મને પરણી જવાની બહુ લાય ઊપડી છે, પણ લગ્નના નામે જે તાયફા છાશવારે થાય છે એનાથી કંટાળ્યો છું. છેલ્લાં ત્રણ વર્ષથી મારા માટે છોકરીઓ જોવાનું ચાલી રહ્યું છે. અમારા પરિવારમાં કુંડળીનું મળવું બહુ જરૂરી હતું. વળી સામાજિક મોભાની બાબતમાં ધ્યાન રાખવાની પણ પહેલેથી જ સલાહ મળેલી. એ જ કારણોસર કૉલેજ દરમ્યાન કોઈ છોકરી સાથે દોસ્તી આગળ વધારી નહોતી. પરિવારનો મોટો દીકરો હોવાથી મારે ઉદાહરણ બેસાડવાનું છે એવું રોજ માથે હથોડા મારીને કહેવામાં આવતું. મેં પેરન્ટ્સને કહેલું છે કે ભલે તમે છોકરી શોધી લાવો, પણ તે મને ગમતી હોય તો જ હું લગ્ન કરીશ. અત્યાર સુધીમાં લગભગ બાર છોકરીઓ જોઈ. એમાંથી જે ત્રણ સાથે મેળ ખાશે એવું મને લાગ્યું તેની સાથે કુંડળી ન મળી. સાચું કહું તો કુંડળીમાં હું પોતે જરાય નથી માનતો. હું બહુ તર્કશીલ છું એમ છતાં જ્યારે ભવિષ્યની વાતે કોઈ ડરાવે ત્યારે બે ઘડી ભય તો લાગે જ છે. આ ભયને તોડી-ફોડીને ફેંકી દેવાનું મનોબળ બનાવી શક્યો નથી. એના કરતાં મને જીવનભર કુંવારા રહેવાનું સહેલું લાગે છે.

જવાબ : કુંડળી અને ગ્રહોની વાત મને પણ ગળે ઊતરતી નથી. કરોડો માઇલ દૂર અવકાશમાં બેઠેલા ગ્રહો ખાસ કોઈ એક જ વ્યક્તિના જીવનમાં આવીને કેવી રીતે ચંચૂપાત કરવાની ફુરસદ મેળતા હશે? એ જ ગ્રહો પૃથ્વી પરના અબજો લોકોમાંથી કોઈ એક વ્યક્તિ માટે ચોક્કસ પ્રકારની અસર કરે એવું કેવું? હા, એટલું ચોક્કસ છે કે દરેક જીવમાત્ર આ બ્રહ્માંડનો જ હિસ્સો છે એટલે ગ્રહોની ગતિવિધિઓને કારણે પૃથ્વી પરની સજીવસૃષ્ટિ પર અસર ચોક્કસ પડે છે. ગ્રહોની અસરને કારણે માણસોની બિહેવિયર પર અસર થઈ શકે છે જેને કારણે આપણને એવું લાગે કે વક્રી થયેલા ગ્રહે મારી પાસે આમ કરાવ્યું. જોકે થોડીક સભાનતા કેળવવામાં આવે તો આપણે એ બિહેવિયરને કાબૂમાં રાખી જ શકીએ એમ છીએ.

આખો મુદ્દો તમે મનથી કેટલા સ્પષ્ટ અને સ્ટ્રૉન્ગ છો એના પર આધારિત છે. હું જો ગ્રહોને એમનું કામ કરવા દઉં તો એ ચોક્કસ મારા પર નિયંત્રણ લઈ લે, પણ જો પોતાના શરીર-મનનું નિયંત્રણ વ્યક્તિ પોતે કરી શકે એટલી સ્થિરતા કેળવે તો કંઈ વાંધો ન આવે.

આ પણ વાંચો : પતિ દિયરના ધંધામાં જોડાયા છે, જોકે એક વર્ષથી ઘરમાં પૈસા નથી લાવતા

ખેર, મુદ્દો એ છે કે અત્યારે તમારાં લગ્ન માટે કુંડળીનું મૅચમેકિંગ કનડે છે એટલે તમને ગુસ્સો આવી રહ્યો છે. એક વાર તમે વ્યક્તિને મળો, જાણે વાત ક્લિક થશે એવું લાગે અને બીજી-ત્રીજી વાર મળો એ પછી કુંડળીના નામે વાત અટકી પડે તો એ લિટરલી મિની બ્રેકઅપ જેવી જ ફીલિંગ આપે. મને લાગે છે કે જો તમે કુંડળીની ઐસી કી તૈસી કરવાનું મનોબળ ન ધરાવતા હો તો તમારે છોકરીઓ જોવાની પ્રોસેસમાં બદલાવ કરવો જોઈએ. તમે તમારા પેરન્ટ્સને કહી દો કે પહેલાં તેઓ છોકરીના જન્માક્ષર મેળવી દે. જેની સાથે મૅચ થાય એ જ વ્યક્તિની રૂબરૂ મુલાકાત કરવા સુધી વાત આગળ વધારવાની. આ ઉત્તમ વિકલ્પ નથી, પરંતુ પ્રૅક્ટિકલ જરૂર છે. આમ કરવાથી પહેલેથી જ સ્ક્રીનિંગ થઈ જશે અને તમને પસંદ આવતી કન્યા સાથે મૅચિંગ નથી થતું એનો ખટકો મનમાં નહીં રહે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK