હંમેશાં નંબર વન પર રહેવાની ઇચ્છા રહેતી હતી જે કદી પૂરી ન થઈ, હવે પ્રોફેશનલ લાઇફમાં પણ એ જ થાય છે

સેજલ પટેલ | Mar 15, 2019, 14:52 IST

મને ન આવડતી નાની વાતોનો પહાડ બનાવે અને આગળ વધવાની કોશિશ કરે છે અને હું તેમને વળતો જવાબ નથી આપી શકતો. મારે શું કરવું?

હંમેશાં નંબર વન પર રહેવાની ઇચ્છા રહેતી હતી જે કદી પૂરી ન થઈ, હવે પ્રોફેશનલ લાઇફમાં પણ એ જ થાય છે
પ્રતીકાત્મક તસવીર

સેજલને સવાલ

સવાલ : હું પહેલેથી જ મીડિયોકર પર્ફોર્મર રહ્યો છું. સ્કૂલમાં હતો ત્યારે હું હંમેશાં પહેલો નંબર લાવવા માટે મથતો, પણ કદી ફર્સ્ટ ૧૦માં પણ સ્થાન નહોતું મળતું. મારી મોટી બહેન એ બાબતમાં જબરદસ્ત હતી. તેનો કદી બીજો નંબર આવ્યો નથી. તેને જોઈને હું બહુ જ કૉમ્પ્લેક્સ અનુભવતો. તે પરણીને સેટલ થઈ ગઈ છે અને મારું ભણવાનું પૂરું થઈ ગયું છે અને પ્રોફેશનલ કરીઅરની શરૂઆત થઈ ગઈ છે. અહીં તમે માત્ર મહેનત કરો એટલાથી ચાલતું નથી. અહીં લોકો ખૂબ પૉલિટિક્સ ખેલે છે. ઓછું કામ કરીને વધુ કમાવાની આવડતને સ્માર્ટનેસ કહેવાય છે. ચાર વર્ષથી નોકરી કરું છું અને અહીં પણ મને સતત મારી ઓળખ ઊભી કરવાની ચિંતા છે. મારી બહેન ઘર સંભાળે છે અને નોકરીમાં પણ ઊંચા પદે છે. તેને મારી કંપનીનું વાતાવરણ કહું છું તો એ સમજાતું જ નથી. ઊલટાની તે મને સલાહ આપે છે કે મારે કંપનીના ઇન્ટર્નલ પૉલિટિક્સમાં પડવાને બદલે પર્ફોમન્સ પર ધ્યાન આપવું જોઈએ. બીજા લોકો પૉલિટિક્સ રમે, મને નીચો દેખાડે, મને ન આવડતી નાની વાતોનો પહાડ બનાવે અને આગળ વધવાની કોશિશ કરે છે અને હું તેમને વળતો જવાબ નથી આપી શકતો. મારે શું કરવું?

જવાબ : એક વાત સમજી લેજો કે બીજાએ તમારી સાથે શું કરવું એ તમે નક્કી કરી શકો એમ નથી, પણ તમારે શું કરવું એ તમારા હાથમાં છે અને માત્ર એટલું જ તમારા હાથમાં છે. લોકો તમારી સાથે અમુક જ રીતે વર્તે એવી અપેક્ષા તમે રાખી શકો, પણ એ અપેક્ષા તમને દુખી જ કરશે; કેમ કે બીજાના વર્તનનું રિમોટ કન્ટ્રોલ તમારા હાથમાં કદીયે નથી આવવાનું. બીજા ફલાણું કે ઢીંકણું કરે છે એટલે હું પણ એ રીતે આગળ વધવાની કોશિશ કરું એવું વિચારવું એ જ બતાવે છે કે આપણી પાસે પોતાની આગવી કહેવાય એવી વિચારધારા નથી. કદાચ બાળપણથી પહેલો નંબર લાવવાનું પ્રેશર એટલું મગજ પર હાવી થઈ ગયું છે કે તમને એમ લાગે છે કે માત્ર નંબર વન સ્થાન પર હો તો જ તમે ખુશ રહી શકશો. એક વાર પહેલો નંબર, પ્રમોશન અને પોઝિશન જેવી સ્પર્ધાને મગજમાંથી કાઢી પોટલું વાળીને માહિમની ખાડીમાં ફેંકી દો. તમે જે કામ કરો છો એમાં તન્મય થઈને મંડી પડો.

પર્સનાલિટી અને મોટિવેશનલ સ્પીકરોએ આપણને બહુ ખોટા રવાડે ચડાવ્યા છે. જીતવાની ઇચ્છા, સફળ થવાની આગ મનમાં હોય તો જ સારું કામ થઈ શકે છે એવું આપણે માનવા લાગ્યા છીએ. એકલી ઇચ્છા કે કંઈક મેળવવાની આગથી શેક્યો પાપડ પણ ભાંગી ન શકાય. બીજા શું કરે છે એ જોવાથી આપણે શું કરવું છે એના પરથી ધ્યાન હટી જાય છે. મને કહો જોઈએે કે વિરાટ કોહલી તેની તીવ્ર ઇચ્છાને કારણે સેન્ચુરી ફટકારી શકે છે કે તેની ક્રિકેટ-સ્કિલ, સૂઝબૂઝ અને સ્પૉન્ટેનિટીને કારણે સેન્ચુરી ફટકારી શકે છે? અલગ-અલગ પેસ અને સ્પિનથી આવતા બૉલની સામે પોતાની આગવી ટેક્નિકથી રમવાની કુશળતા તેણે પ્રત્યેક બૉલમાં દેખાડવી પડે છે. સેન્ચુરીરૂપી સફળતા મેળવવા માટે તે કોઈ શૉર્ટકટ લઈ શકે એમ નથી. સહેજ ગફલત તેને પૅવિલિયનનો રસ્તો દેખાડી શકે છે. આવા સમયે મનમાં પર્ફોમન્સનું દબાણ એકાગ્રતા ઘટાડવાનું કામ કરે છે.

આ પણ વાંચો : દીકરી તેની સગાઈ તોડવાનાં જે કારણો આપે છે તે મને અયોગ્ય લાગે છે

જીવન પણ ક્રિકેટની મૅચ જેવું જ છે. જીત હાંસલ કરવા માટે જીતનું રટણ નહીં પણ પ્રત્યેક બૉલને પૂરી તન્મયતાથી અને આપણી પૂરી ક્ષમતા સાથે ફેસ કરવો જરૂરી છે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK