દીકરો મા‌નસિક રીતે અક્ષમ જન્મ્યો છે અને ઘરવાળા બીજું બાળક કરવાનું દબાણ કરે છે

Published: Oct 11, 2019, 16:04 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

મારે બે સંતાનો છે, એક દીકરી અને એક દીકરો. દીકરો ૧૩ વર્ષનો છે પણ તેની માનસિક ઉંમર માંડ ચાર-પાંચ વર્ષના બાળક જેવી છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારે બે સંતાનો છે, એક દીકરી અને એક દીકરો. દીકરો ૧૩ વર્ષનો છે પણ તેની માનસિક ઉંમર માંડ ચાર-પાંચ વર્ષના બાળક જેવી છે. કદથી વધે છે પણ તેનું શરીર અકળાઈ ગયેલું છે અને જન્મજાત ખોડને કારણે તે કદી જાતે ચાલી નહીં શકે એવું ડૉક્ટરોએ કહી દીધું છે. વ્હીલચૅરમાં જ તેને ફેરવીએ છીએ. ઘરમાં પણ તેને એકલો મૂકી શકાય એવી સ્થિતિ નથી. ભણાવવાનું સંભવ નથી, પરંતુ તેને પ્રાથમિક અક્ષરજ્ઞાન હું તેને ઘરે શીખવું છું જે હજી સુધી તેને કોઠે નથી ચડ્યું. મારી દીકરી સ્વસ્થ છે અને અત્યારે તે બીજા ધોરણમાં ભણે છે. દીકરો જેમ-જેમ મોટો થતો જાય છે એમ પરિવારના બીજા લોકો તેની જવાબદારીમાંથી હાથ ધોઈ રહ્યા છે. અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ અને વિધવા નણંદ તથા સાસુ-સસરા સાથે છે. જોકે અત્યારે દીકરાની સ્થિતિ માટે બધા મને બ્લેમ કરે છે, કેમ કે મારી કૂખે આવો દીકરો પાક્યો. મારી ઉંમર ૩૮ વર્ષ છે અને હવે ઘરને દીકરો આપવા માટે મારે બીજું બાળક કરવું એવું સાસુનું દબાણ છે. વર્ષોની તાલીમ પછી દીકરો માંડ છેલ્લા એક વર્ષથી જાતે યુરિન-ટૉઇલેટ કરવા જવાની સમજ કેળવતો થયો છે. આવામાં હું ત્રીજું બાળક કરું અને જો તેને પણ આવું જ કંઈક થયું તો? એવા ડરે અટકી જાઉં છું. જ્યારે સાસુ-નણંદ સંભળાવતાં હોય ત્યારે તેના પપ્પાની પણ મૂકસંમતિ હોય છે. દીકરાનું બધું જ કર્યા છતાં તેની આ સ્થિતિ માટે મા તરીકે મને જ જવાબદાર ઠેરવવાની? હું અને દીકરો બન્ને ઝેર પીને જીવ ટૂંકાવી દઈએ તો જ નિરાંત થશે એવું લાગે છે, પણ દીકરીનું મોઢું જોઈને શાંત પડી જાઉં છું. તેના પપ્પા દીકરાને બહુ સારી રીતે સાચવે છે, પણ મમ્મી અને બહેન સામે તેમની બોલતી બંધ થઈ જાય છે.

જવાબ : પરિવાર પર જ્યારે મુસીબત આવે ત્યારે બધાએ એક થઈને એનો સામનો કરવાનો હોય, જ્યારે તમારાં સાસુ-નણંદ નકારાત્મકતા ભરવાનું કામ કરે છે. જ્યારે તમે ઑલરેડી દીકરાની સ્થિતિને લઈને ફિઝિકલી અને મેન્ટલી સ્ટ્રેસમાં છો ત્યારે હૂંફાળા સાથને બદલે ટોણાં મળે ત્યારે તમારું દિલ કેટલું ચિરાતું હશે એ સમજી શકું છું.

બહેન, એક વાત યાદ રાખજો કે દુનિયામાં અસંવેદનશીલ લોકોનો કોઈ તોટો નથી. તેમની કટુતા સામે આંખ આડા કાન કરતાં શીખશો તો જ ચેનથી જીવન જીવી શકાશે. કોઈ તમને કશાક માટે જવાબદાર માને એ તેમની મુનસફીની વાત છે, પણ તમે એ વાત શું કામ મન પર લઈ લો છો? કોઈકને જવાબદાર ઠેરવવા એ આપણી પીડાથી છુટકારો પામવા સમસ્યાને બીજાના ઓટલે ધકેલવા બરાબર છે. તમારાં સાસુ-નણંદને પણ ખબર છે કે હવે દીકરો સાજો થઈ શકે એમ નથી. એનું દુખ તેમને ભાનવિનાના આરોપો કરવા પ્રેરે છે એટલું સમજશો તો તેમના પર ગુસ્સો નહીં, અનુકંપા જન્મશે. બાકી, દીકરાની આ સ્થિતિ માટે કોણ જવાબદાર છે એ શોધવાની જરૂર નથી. એ શોધવાથી દીકરો સાજો થઈ જવાનો નથી.

આ પણ વાંચો : લગ્નના બે પ્રપોઝલમાં રિજેક્શન મળતાં ભાઈ હવે લગ્ન કરવાની જ ના પાડે છે

હવે વાત કરીએ ત્રીજું બાળક કરવાના દબાણ વિશેની. તમારો ભય વાજબી છે, પરંતુ કોઈ પણ નિર્ણય ફિયર-ઑરિયેન્ટેડ ન હોવો જોઈએ. શું માત્ર વંશ સાચવવા માટે ત્રીજું બાળક કરવું જરૂરી છે? તમે અત્યારે જે હદે પરિવારની જવાબદારીઓ તેમ જ દીકરાની જાળવણીમાં પળોટાયેલાં છો એમાં શું વધુ એક બાળકના ઉછેરની ફરજ નિભાવી શકશો ખરાં? આ બધા જ દૃષ્ટિકોણથી વિચારીને આ નિર્ણય તમારે અને તમારા પતિએ જ સાથે મળીને લેવો જોઈએ. એમાં સાસરિયાંના મંતવ્યનું કોઈ મહત્વ ન હોય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK