ગામડાના અફેરના કારણે લગ્ન બાદ મુંબઈમાં મન નથી લાગતું. શું કરવું જોઈએ

Published: Oct 30, 2019, 15:51 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

ગામમાં ઓછું ભણેલા છોકરાને હું પ્રેમ કરતી હતી, પણ લગ્ન મુંબઈમાં થયાં હોવાથી જરાય મન લાગતું નથી

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું પરણીને મુંબઈ આવી છું. લગ્નને એક વર્ષ થશે, પણ હજી સેટ નથી થઈ શકી. એનું કારણ એ છે કે મારે અહીં લગ્ન કરવાં જ નહોતાં. અહીં એટલે કે મુંબઈના છોકરા સાથે. મને મારા જ ગામનો એક છોકરો પસંદ હતો અને હું તેની સાથે જિંદગી જીવવાનાં સપનાં જોઈ ચૂકી હતી. તે ઓછું ભણેલો હતો, પણ દિલ ફાડીને મને પ્રેમ કરતો હતો. તે કદાચ ઓછું કમાતો હતો, પણ મને ખુશ રાખવા વધુ પૈસાની જરૂર નહોતી. હા, અમે ઝઘડતાં પણ હતાં, પરંતુ એ તો ટેમ્પરરી. અત્યારે મારા પતિ મને પ્રેમ કરે છે એની ના નહીં, પણ એ મુંબઈના દેખાડા જેવો પ્રેમ હોય. પૈસો પણ કદાચ પેલાના કરતાં વધારે છે, પણ મારું મન અહીં લાગતું જ નથી. મારું મન બહુ અશાંત રહે છે અને વારેઘડીએ પાછા મારા ગામ આણંદ જતા રહેવાની ઇચ્છા થાય છે. મેં મારા પ્રેમીનો કૉન્ટૅક્ટ કર્યો તો તેણે પણ મોં ફેરવી લીધું છે અને મને કહે છે કે મારે તેને ભૂલી જવો, કેમ કે હવે તેનાં પણ લગ્ન થવાનાં છે. મને એવું લાગે છે કે મારી જિંદગી સાવ અધવચ્ચે લટકી ગઈ છે. હું શું કરું એ જ સમજાતું નથી.

જવાબ : તમે જેને પ્રેમ કરતાં હતાં તેને પામી ન શક્યાં અને જેની સાથે લગ્ન થયાં છે તેના પ્રેમને તમે સ્વીકારી નથી શકતાં. આ એક રીતે જોઈએ તો બહુ દુખદાયી સ્થિતિ છે. જોકે એ સ્થિતિ નિર્માણ કરવામાં ક્યાંક ને ક્યાંક તમે પોતે પણ જવાબદાર છો. સૌથી પહેલી વાત તો એ કે જો તમે તમારા ગામના યુવકને બહુ જ પ્રેમ કરતાં હતાં, તમારી ભાષામાં કહું તો દિલ ફાડીને પ્રેમ કરતાં હતાં તો લગ્ન પહેલાં જ તમે આ વાતને કેમ પકડી ન રાખી? શા માટે તમે પેરન્ટ્સે પસંદ કરેલા મુરતિયા સાથે લગ્ન કરવાનું સ્વીકારી લીધું? બહેન, જીવનમાં જ્યારે પસંદગી કરવાની હોય ત્યારે જ તમારે આકરા નિર્ણય લેવા પડે. પસંદગી કરી નાખ્યા પછી અથવા તો બીજાની પસંદગી સ્વીકારી લીધા પછી રડ્યે રાખવાથી બીજા કોઈનુંય નહીં, તમારું જ નુકસાન થશે. લગ્નના નિર્ણય બાબતે મક્કમતા ન દાખવવી અને પછીથી મનમાં સોરવાયા કરવું એ બાલિશતા છે. અત્યારે હવે તમે પાછાં આણંદ જતાં રહેવાના ખયાલી પુલાવ પકવો છો એ પણ એક પ્રકારની બાલિશતા જ છે.

બીજું, તમે જ કહો છો કે તમારો પતિ પણ તમને પ્રેમ કરે જ છે. જોકે એને તમે જૂના પ્રેમી સાથે સરખાવીને હાથે કરીને દુઃખ ઊભું કરી રહ્યાં છો. એટલું સમજવું જરૂરી છે કે બે વ્યક્તિઓ હંમેશાં જુદી જ હોય, બન્નેની પ્રેમની અભિવ્યક્તિ પણ જુદી જ હોવાની. જે હાથમાં હોય એ ન જ ગમે અને જે નથી હાથ આવ્યું એ કેટલું સારું હતું એવું માનવું એ પણ માનવસ્વભાવની નબળાઈ છે. આ નબળાઈ જ છે તમામ દુખનું કારણ. પ્રેમલગ્ન કર્યા પછી પણ એવું લાગતું હોય છે કે ક્યાંક બીજો પાર્ટનર હોત તો વધુ સુખી હોત. પણ વિશ્વાસ રાખો એવો કોઈ જીવનસાથી આ દુનિયામાં કોઈનાય માટે પેદા નથી થયો જેની સાથે કોઈ ફરિયાદ, અસંતોષની એક પળ વિનાની જિંદગી જિવાઈ જાય.

તમે તો અહીં ભૂતકાળની યાદોને મનમાં ભરીને એવાં બેઠાં છો કે નવી વ્યક્તિને તમારા દિલમાં જગ્યા બનાવવાનો એક અવસર પણ નથી મળ્યો. હવે જ્યારે તમારો જૂનો પ્રેમી પણ તેની જિંદગીમાં આગળ વધી ગયો છે ત્યારે અતીતમાં જીવ્યા કરવું એ તો હાથે કરીને જિંદગીને બરબાદ કર્યા જેવું હશે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK