અહિંસા પરમો ધર્મના સિદ્ધાંત પર ઊભેલી વીગન જીવનશૈલીથી પોષક તત્વોની ઊણપ આવે કે જાય?

Published: Nov 01, 2019, 15:25 IST | સેજલ પટેલ | મુંબઈ

પ્રાણીજન્ય ચીજોને સદંતર તિલાંજલિ આપતો આ ડાયટ હવે બહોળા પાયે અપનાવાઈ રહ્યો છે અને બીજી તરફ એવી માન્યતા પણ પ્રસરી રહી છે કે આ ડાયટથી લાંબા ગાળે શરીરમાં વિટામિન્સ, કૅલ્શિયમ અને ફૅટી ઍસિડ્સની ઊણપ પેદા થાય છે.

વર્લ્ડ વીગન ડે
વર્લ્ડ વીગન ડે

પ્રાણીજન્ય ચીજોને સદંતર તિલાંજલિ આપતો આ ડાયટ હવે બહોળા પાયે અપનાવાઈ રહ્યો છે અને બીજી તરફ એવી માન્યતા પણ પ્રસરી રહી છે કે આ ડાયટથી લાંબા ગાળે શરીરમાં વિટામિન્સ, કૅલ્શિયમ અને ફૅટી ઍસિડ્સની ઊણપ પેદા થાય છે. શું આ માન્યતા સાચી છે? શું ખરેખર વીગન જીવનશૈલીથી કોઈ સાઇડ-ઇફેક્ટ્સ થાય છે? આજે વર્લ્ડ વીગન ડે નિમિત્તે લગભગ દાયકાથી વધુનો અનુભવ ધરાવતા નિષ્ણાત પાસેથી સત્ય શું છે એ જાણીએ.

જ્યારે કોઈ નવી ભોજનશૈલી આવે એટલે પહેલાં તો એની તરફ બહુ કુતૂહલથી જોવાય. જો સહેજ સારાં પરિણામ દેખાય તો એના પર લોકો તૂટી પડે અને જો સહેજ માઠાં પરિણામ દેખાય એટલે તરત માછલાં ધોવાનું શરૂ થઈ જાય. આપણે એ બે અંતિમોની વચ્ચેનું સત્ય સમજી શકીએ એટલા શાંત થઈએ તો જ કોઈ પણ ડાયટપદ્ધતિનું સત્ય શું છે એ જાણી શકીએ. વીગન લાઇફસ્ટાઇલનું પણ અત્યારે એવું જ છે. વધુ ને વધુ લોકો અત્યારે વીગનિઝમ અપનાવી રહ્યા છે. બીજી તરફ સંશોધનના નામે એવી વાતો પણ ફેલાઈ રહી છે કે લાંબો સમય વીગનિઝમ ફૉલો કરનારાઓમાં અમુક-તમુક પોષક તત્વોની ઊણપ સર્જાય છે. જે પણ સંશોધનો થયાં છે એમાં પણ આંકડાકીય માહિતીઓ જ હોય છે અને એ પણ અધૂરા રેફરન્સવાળી. એને કારણે આંખ બંધ કરીને એના પર વિશ્વાસ મૂકી શકાય એમ નથી.

પોષક તત્વોની ઊણપ કેટલે અંશે સાચી છે કે ખોટી એ સમજતાં પહેલાં વીગનિઝમનું હાર્દ સમજવું જરૂરી છે. ભલે પહેલી નજરે આ જીવનશૈલી પશ્ચિમના દેશોમાંથી આવેલી લાગે, પરંતુ એ જે સિદ્ધાંત પર ઊભી છે એ ‘અહિંસા પરમો ધર્મ’ તો મૂળ ભારતીય જ છે. આ માત્ર એક ભોજનશૈલી નથી, એ જીવનશૈલી છે. કોઈ પણ પ્રાણીમાત્રને લેશમાત્ર પણ હાનિ પહોંચાડ્યા વિના જીવન જીવવું. જીવવું અને જીવવા દેવું. માત્ર ભોજનમાં જ નહીં, રહેણીકરણીમાં પણ એવી કોઈ ચીજનો વપરાશ ન કરવો જે સીધી કે આડકતરી રીતે પ્રાણીજન્ય હોય. એ માટે માત્ર શાકાહારી હોવું પૂરતું નથી. શાકાહારીઓના જીવનમાં પ્રાણીજન્ય દૂધ, દૂધની બનાવટો બહુ જ મોટો હિસ્સો હોય છે. તમામ ડેરી પ્રોડક્ટ્સ, મધ, પ્રાણીજન્ય ચરબી જેમ કે ઘી જેવી ચીજોને ભોજનમાંથી વર્જ્ય કરીને તમે વીગન બની શકો છો. જીવદયા અને કરુણા માટે જાણીતા ભારત કરતાં વિદેશોમાં વીગનિઝમ વધુ બહોળું છે. પશ્ચિમના દેશોએ એમાં સ્વાસ્થ્યલક્ષી ફાયદા જોયા છે જ્યારે ભારતમાં એને જીવદયા અને કરુણામય જીવનશૈલી સાથે વધુ સાંકળવામાં આવે છે.

દૂધ-ઘી છોડવાથી થતી તકલીફો

આપણને ગુજરાતીઓને ચા, દૂધ, ઘી, ચીઝ, પનીર જેવી ચીજો નહીં ખાવાની એવું કહેવામાં આવે એટલે મનમાં બહુ મોટો પ્રતિરોધ ઊઠે. દૂધ-ઘી તો આપણને ખડતલ બનાવવા માટે છે. વડીલો તો કહી ગયા છે કે દેવું કરીનેય ઘી તો પીવું જ જોઈએ. આવી દલીલો ઊઠે. દૂધ નહીં લઈએ તો કૅલ્શિયમ અને પ્રોટીનની કમી થઈ જશે તો? ઘી છોડી દઈશું અને સાંધાના દુખાવા થશે તો? ખુદ વીગન જીવનશૈલી અપનાવી ચૂકેલાં અને ૧૨ વર્ષથી આ ડાયટપદ્ધતિ દ્વારા અનેક રોગોની સારવાર કરતાં ખારનાં ડૉ. રૂપા શાહ કહે છે, ‘પહેલાંના જમાનામાં લોકો જે દૂધ અને ઘી ખાતા એ શુદ્ધ હતું. એમાં ક્યાંય કોઈ પ્રાણીનું શોષણ નહોતું. ઇનફૅક્ટ એ સમયે તો દરેકના ઘરમાં ગાયો હતી. એ ગાયનું નામ હોય. જાણે ઘરનું જ એક સભ્ય હોય. ગાયનું વાછરડું ધરાઈને દૂધ પી લે એ પછી જે નીકળે એ જ કાઢવામાં આવે. ઘરના સભ્યો જ તેને દોહી શકે. ગાય પણ વાત્સલ્યની સરવાણી કરતી હોય એમ દૂધ આપે. વધુ દૂધ મળે તો જેના ઘેર ગાય નથી એવા લોકોને આપવામાં આવે. એ સમયે વધુ દૂધ મેળવવા માટે ગાયને કોઈ ફોર્સ નહોતો થતો. અત્યારે તો દોઢ-બે વર્ષની ટીનેજ ગાયને કૃત્રિમ રીતે ગર્ભવતી કરી દેવામાં આવે. હૉર્મોન્સનાં ઇન્જેક્શન્સ આપવામાં આવે છે જેથી એ વધુ દૂધ આપે. માંદી ન પડે એ માટે ભરપૂર ઍન્ટિ-બાયોટિક્સ આપવામાં આવે. સમય થાય એટલે મશીનમાં જઈને ઊભા રહી જવાનું અને દૂધ નીકળી જાય. એનું ધાવણું વાછરડું કદી માનું દૂધ જોવા પામે જ નહીં અને જો એ નર બચ્ચું હોય તો-તો કતલખાને જ જાય. હવે મને કહો કે પહેલાંના જમાનાની અને હાલની સરખામણી કરવા જેવી છે? દૂધમાંથી તમને કૅલ્શિયમ જેટલું મળશે એના કરતાં વધુ હાનિ તો એમાં રહેલાં હૉર્મોન્સ અને ઍન્ટિ-બાયોટિક્સની માત્રાને કારણે થશે. જ્યારે દૂધ જ ઍડલ્ટ્રેડ છે ત્યારે એમાંથી બનતી બીજી તમામ ચીજો પણ ભેળસેળવાળી, પ્રોસેસ્ડ અને પ્રિઝર્વેટિવ્સથી ભરપૂર રહેવાની જ. આવું દૂધ પીવાને કારણે જ આજકાલ બાળકોમાં ટાઇપ-વન ડાયાબિટીઝ, કૉલેસ્ટરોલ, ઓબેસિટી, પૉલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રૉમ અને થાઇરૉઇડની સમસ્યાઓએ માઝા મૂકી છે.’

કૅલ્શિયમની કમીનું શું?

ડેરી પ્રોડક્ટ્સ છોડી દેવાથી કૅલ્શિયમની કમી થાય છે એવું લોકો ધારી લે છે. એનું કારણ એ છે કે જ્યારે મેનોપૉઝ દરમ્યાન સ્ત્રીઓમાં કેલ્શિયમની કમી સર્જાય છે ત્યારે ડૉક્ટરો દૂધ પીવાની સલાહ આપે છે. હવે જો વીગન થઈ જાઓ તો કૅલ્શિયમ ક્યાંથી મળશે? એ વિશે સમજાવતાં ડૉ. રૂપા શાહ કહે છે, ‘વીગનિઝમમાં તમે પ્રાણીજન્ય દૂધ નથી પીતા, પરંતુ પ્લાન્ટ બેઝ્ડ અન્ય ચીજો છે જેમાં પણ સારીએવી માત્રામાં કૅલ્શિયમ હોય છે. સોયા, આમન્ડ, સિંગ-ચણા, કાળાં તલ અને અન્ય તેલીબિયાંમાં ભરપૂર માત્રામાં કૅલ્શિયમ હોય છે. લોકો માને છે કે દૂધ પીવાથી જ કૅલ્શિયમ મળશે, પરંતુ હકીકત અવળી છે. હૉર્મોન્સ, ઍન્ટિ-બાયોટિક્સને કારણે દૂધમાંનું કૅલ્શિયમ સુપાચ્ય નથી રહેતું. બીજી તરફ પ્રિઝર્વેટિવ્સના ભરપૂર વપરાશને કારણે બૉડીમાં જે કૅલ્શિયમ હોય છે એમાં પણ ઘસારો પહોંચે છે. દૂધમાંથી જેટલું મળે છે એનાથી વધારે વપરાઈ જાય છે. એને બદલે જો પ્રોસેસ ન થયેલી કુદરતી વનસ્પતિજન્ય ચીજો વાપરવામાં આવે તો કૅલ્શિયમનો ક્ષય અટકે છે અને તલ, સિંગ-ચણા જેવી ચીજોને જો ગોળ સાથે લેવામાં આવે તો આયર્નની કમી પૂર્ણ થાય છે અને શરીરને કૅલ્શિયમ અને પ્રોટીન બન્ને સારીએવી માત્રામાં મળે છે. ગ્રીન લીફી વેજિટેબલ્સથી તમામ પ્રકારનાં વિટામિન્સની પૂર્તિ થાય છે. દૂધ એ બેઝિકલી ઍસિડિક પ્રકૃતિનું છે. તમે જેવું એ છોડીને આલ્કલાઇન ફૂડ ખાવાનું શરૂ કરો એટલે પોષક તત્વોનું શોષણ શરીરમાં સરસ રીતે થવા માંડે છે અને પોષણ માટે વધુ ખાવાની જરૂર નથી રહેતી.’

વીગનિઝમ અપનાવવા શું કરવું?

- એટલું યાદ રાખવું કે ડેરી પ્રોડક્ટ્સને બાદ કરી દેવાથી તમે વીગન થઈ જશો, પણ એ પછી પણ તમારે જન્ક-ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડને તો ટાળવું જ પડશે. આમ જોવા જાઓ તો તળેલાં ગુજરાતી નાસ્તા વીગન જ છે, પણ એ હેલ્ધી જરાય નથી. વીગન બનવું જરાય અઘરું નથી, પરંતુ હેલ્ધી-વીગન બનવું બહુ જ કાળજી માગી લેતું કામ છે.

- તમારો ગોલ હેલ્ધી-વીગન બનવાનો હોવો જોઈએ. જો તમે શાકભાજી, ફળો, ધાન્યો, કઠોળને બને એટલા નૅચરલ ફૉર્મમાં ડાયટમાં નહીં લો તો તકલીફ થશે જ. જો એમ નહીં કરો તો ‘ભૂત કાઢતાં પલિત પેઠું’ જેવો ઘાટ થશે.

- સંપૂર્ણપણે દૂધની વાનગીઓ છૂટતી ન હોય તો પહેલાં પનીર, આઇસક્રીમ, મિલ્ક-શેક જેવી ચીજો છોડો. ત્યાર બાદ દહીં, છાશ, ચીઝ જેવી ચીજો છોડો. એ પછી તમને જેની બહુ આદત હોય એવી ચા-કૉફી છોડો.

- વીગનિઝમની શરૂઆત પહેલાં જ વિટામિન-ડી અને વિટામિન-બી૧૨નું લેવલ તપાસી લો અને જરૂર પડ્યે સપ્લિમેન્ટ્સ લેવાનું પણ શરૂ કરી દો.

- ફળો, શાકભાજી, તેલીબિયાં, ડ્રાયફ્રૂટ્સ, હોલ ગ્રેઇનની વરાઇટી ફૂડમાં ઉમેરો. વીગન હોવા માત્રથી તમને હેલ્થના ફાયદા નહીં થાય, હેલ્ધી વીગન ડાયટનો ચાર્ટ પ્લાન કરવો એટલો જ મહત્વનો છે.

વિટામિન-B12ની કમીનું શું?

તમામ શાકાહારીઓમાં આ વિટામિનની કમી આમેય જોવા મળે જ છે. વીગન હોવાથી વધુ કમી થાય છે એવું જરાય નથી એમ માનતાં ડૉ. રૂપા શાહ કહે છે, ‘આ વિટામિન બેઝિકલી હેલ્ધી બૅક્ટેરિયા દ્વારા મળે છે. માંસાહાર કરનારાઓને એ આસાનીથી મળી જાય છે, પણ શાકાહારીઓમાં એની કમી હોય જ છે. વીગન ડાયટ પર ચડો એ પહેલાં જ તમારે કેટલીક બેઝિક બ્લડ-ટેસ્ટ કરાવી લેવી જોઈએ. અમે જોયું છે કે ઘણી વાર લોકો પહેલેથી જ અનહેલ્ધી બ્લડ પ્રોફાઇલ ધરાવતા હોય છે. કૉલેસ્ટરોલ, વિટામિન-ડી, વિટામિન-બી૧૨, કૅલ્શિયમ, HbA1c જેવાં પરીક્ષણો કરાવી લીધાં હોય તો તમને ખબર હોય કે તમારું શરીર કેવી હાલતમાં છે. જેથી ત્રણ મહિના પછી એનાં પરિમાણોમાં ચેન્જ આવે તો ખરા અર્થમાં વીગન લાઇફસ્ટાઇલની અસર શું થઈ એ ખબર પડે છે. અને હા, વિટામિન-બી૧૨ અને વિટામિન-ડીનાં સપ્લિમેન્ટ્સ લેવાં પડે એવું સંભવ છે. રાધર, એ વીગનિઝમ ફૉલોઅર્સને જ નહીં, વેજિટેરિયન્સે પણ લેવાં પડે છે.’

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK