શું બાળક પેદા કરતાં પહેલાં ફિઝિકલી અને ફાઇનૅન્શિયલી ફિટ હોવું મસ્ટ છે

Published: Oct 17, 2019, 16:04 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

અમારાં અરેન્જ્ડ મૅરેજને નવ મહિના થયાં છે. સાચું કહું તો હજી મને બહુ અડવું-અડવું લાગે છે. મારા પરિવાર કરતાં એકદમ જ જુદું વાતાવરણ અહીં છે.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : અમારાં અરેન્જ્ડ મૅરેજને નવ મહિના થયાં છે. સાચું કહું તો હજી મને બહુ અડવું-અડવું લાગે છે. મારા પરિવાર કરતાં એકદમ જ જુદું વાતાવરણ અહીં છે. હું તો હંમેશાં નાના કુટુંબમાં જ રહેવા ટેવાયેલી છું, જ્યારે અહીં સંયુક્ત કુટુંબને કારણે આખો દિવસ ઘર ભરેલું હોય છે. મારા હસબન્ડ કહે છે કે મને ઍડ્જસ્ટ થતાં બહુ વાર લાગી રહી છે, બાકી મારાં જેઠાણી પરણીને આવ્યા પછી તરત જ બહુ હળીમળી ગયેલાં. આટલું ઓછું હોય એમ હવે તો ઘરમાં પારણું ક્યારે બાંધો છો એના સવાલો થવા લાગ્યા છે. હું ૩૦ વર્ષની છું અને મારા હસબન્ડ મારાથી એક વર્ષ મોટા છે એટલે અમારે જલદીથી બાળક કરી લેવું જોઈએ એવી બધા સલાહ આપે છે. મારા હસબન્ડ માને છે કે આપણે થોડાક સેટલ થયા પછી બાળક કરીએ. આમ જોવા જાઓ તો અમે બન્ને નોકરી કરીએ છીએ અને પૈસેટકે વાંધો આવે એમ નથી. પરિવારની સાથે રહીએ છીએ એટલે હાલમાં કંઈ નવું ઘર લેવાની ગણતરી નથી. મારા હસબન્ડ અને તેમના જ પરિવારજનો વચ્ચેની આ વિરોધાભાસી વાતોથી હું કન્ફ્યુઝ થાઉં છું. મને ખબર નથી પડતી કે મારે હમણાં ઉંમરને જોતાં જલદી બાળક કરી લેવું જોઈએ કે પછી હસબન્ડ કહે છે એમ રાહ જોવી? બાળક પેદા કરવા માટે ફિઝિકલી અને ફાઇનૅન્શિયલી ફિટ હોવા ઉપરાંત બીજું શું હોવું જોઈએ?

જવાબ : બાળક પેદા ક્યારે કરવું? એ માટે દરેક વ્યક્તિની પોતાની ફિલોસૉફી હોઈ શકે છે. તમે કોઈ ગાયનેકોલૉજિસ્ટને પૂછો તો તરત જ કહેશે કે ૩૦-૩૨ પહેલાં તો બાળક કરી જ લેવું જોઈએ, વડીલોને પૂછશો તો કહેશે કે વહેલું થઈ જાય એટલું સારું. કોઈક શાણાને પૂછશો તો કહેશે કે આર્થિક રીતે પગભર થયા પછી જ બાળકનું પ્લાનિંગ કરવું. જોકે આમાં તમે માત્ર શારીરિક અને આર્થિક પરિબળો જ ધ્યાનમાં લો છો. આ બન્ને પરિમાણો બહુ જ મહત્વનાં છે એની ના નહીં, પણ એ જ સંપૂર્ણ નથી.

બાળક પેદા કરવું એ ઓછામાં ઓછો બે દાયકાનો પ્રોજેક્ટ છે. એની ખાસિયત એ છે કે આ પ્રોજેક્ટ શરૂ કર્યા પછી અધવચ્ચે અટકાવી શકાતો નથી. એમાં તમારે સંતાનનાં ઉછેર અને શિક્ષણ માટે આર્થિક રીતે તૈયાર રહેવું પડે છે. પૈસા કમાવા ઉપરાંત બાળકને ક્વૉલિટી ટાઇમ ફાળવી શકો એ પણ જોવાનું રહે છે. આ બધા ઉપરાંત એક બહુ જ મહત્વની વાત હોય તો એ છે ઘરમાં સંવાદિતા. જ્યાં સુધી પતિ-પત્ની વચ્ચે સમજણ અને સંવાદિતાની હળવાશ ન હોય તેમ જ સ્ત્રી સાસરિયામાં પોતીકાપણું ફીલ ન કરતી હોય ત્યાં સુધી બાળક પેદા ન કરવું જોઈએ. ઘણા લોકો માનતા હોય છે કે બાળક આવી જશે એટલે પતિ-પત્નીના સંબંધને કાયમી સાથે રહેવાનું સીલ લાગી જશે. બાળક આવી જશે એટલે સાસરિયાંઓ સાથે પણ સેટલ થઈ જવાશે. યસ, કેટલેક અંશે બાળક પરિવારને જોડવામાં બહુ મોટો સેતુ હોય છે, પણ એ હેતુથી બાળક કરવું યોગ્ય નથી.

આ પણ વાંચો : ફ્રેન્ડ સમાન પપ્પા છે, પણ પ્રેમની વાત આવે ત્યારે આવું કહે છે...

જ્યાં સુધી યુગલ પોતે એકબીજા સાથે મેન્ટલી રિલૅક્સ્ડ ન હોય ત્યાં સુધી નવી જવાબદારીનું વહન કરવાનું સ્વીકારવું ન જોઈએ. ઘણાં યુગલો કહેતાં હોય છે કે અમારી વચ્ચે કોઈ પ્રૉબ્લેમ નથી. પણ પ્રૉબ્લેમ ન હોવો એ સંવાદિતા છે એવું નથી હોતું. જ્યાં સુધી માબાપ મેન્ટલી અને ઇમોશનલી નવી જવાબદારી ઉઠાવવા સક્ષમ થાય એ પછી જ બાળક કરવું જોઈએ.   

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK