એક્સ ગર્લફ્રેન્ડે ફરી મારી સાથે રિલેશનશિપ ઈચ્છે છે, શું કરું ?

સેજલને સવાલ - સેજલ પટેલ | Apr 10, 2019, 09:44 IST

હવે ભણવાનું પૂરું થયા પછી હવે હું રિલેશનશિપમાં સિરિયસ થવા માગું છું. હવે મારે જસ્ટ ફ્રીકઆઉટ માટેના સંબંધો નથી જોઈતા.

એક્સ ગર્લફ્રેન્ડે ફરી મારી સાથે રિલેશનશિપ ઈચ્છે છે, શું કરું ?
તસવીર સૌજન્યઃmnn.com

સવાલ : કૉલેજમાં હતો ત્યારે લગભગ ત્રણેક ગર્લફ્રેન્ડ્સ હતી. નાના અને નજીવા કારણોસર બ્રેકઅપ થયેલાં અને એ વખતે તો બ્રેકઅપનું ખાસ દુખ પણ નહોતું લાગતું. તરત બીજી ગર્લફ્રેન્ડ બની જતી. જોકે હવે ભણવાનું પૂરું થયા પછી હવે હું રિલેશનશિપમાં સિરિયસ થવા માગું છું. હવે મારે જસ્ટ ફ્રીકઆઉટ માટેના સંબંધો નથી જોઈતા. મારા જ એરિયામાં રહેતી એક છોકરી સાથે વાત આગળ વધારવાની કોશિશ ચાલે છે. જોકે હમણાં જે ગર્લફ્રેન્ડ સાથે મારી દોઢેક વર્ષ માટે રિલેશનશિપ રહેલી એ એક્સ ગર્લફ્રેન્ડ સાથે ફરીથી વાતચીત શરૂ થઈ છે. અમે લગભગ એક વર્ષથી ટચમાં નહોતા. આ ગાળા દરમ્યાન તે જે બીજા છોકરા સાથે જોડાયેલી તે મારા ફ્રેન્ડનો ફ્રેન્ડ હતો. તેની સાથેનું બ્રેકઅપ થયા પછી હું ડિસ્ટર્બ થઈ ગયો હતો અને તે નવા સંબંધમાં બહુ આસાનીથી જોડાઈ ગયેલી. હવે વાતચીત દરમ્યાન તે કન્ફેસ કરે છે કે તે હજીયે મને પ્રેમ કરે છે. મને પણ તેના માટે ફીલિંગ્સ છે. જોકે મને ખબર પડી છે કે બીજા છોકરા સાથે તેના સંબંધો ફિઝિકલ થઈ ચૂક્યા હતા. આ વિશે મેં તેને પૂછuું તો તે પણ સ્વીકારે છે કે તેનાથી ભૂલ થઈ ગયેલી, પરંતુ દિલથી તો મને જ ચાહે છે. શું એક વાર બીજાને સર્વસ્વ સોંપી ચૂકેલી છોકરી મને પ્રેમ કરતી હોય એ વાતમાં દમ ખરો? તે વફાદારી નિભાવી શકશે ખરી? મને સમજાતું નથી કે મારે આ રિલેશનશિપને ફરી ચાલુ કરવી જોઈએ કે નહીં.

જવાબ : ઝટપટ રિલેશનશિપમાં બંધાવું અને નજીવા કારણોસર બ્રેકઅપ કરીને મુક્ત થવું એ આજના યંગસ્ટર્સની ખાસિયત બની ગઈ છે. સંબંધોમાં આગળ વધવામાં જેટલી ઝડપ હોય છે એટલી જ ઝડપ એક ઘાએ બે કટકા કરવામાં હોય છે. સંબંધો સીંચવા પડે છે. દોસ્તીનું બીજ માટીમાં મૂકી દેવા માત્રથી કામ નથી થઈ જતું. રોજ એને ખાતર, પાણી અને સૂર્યપ્રકાશ મળવાં જરૂરી છે. એકલદોકલ વાતે મૂળ સમેત છોડને ઉખાડી ફેંકવાની ફિતરત હોવાથી સંબંધોમાં કદી ઊંડાણ નથી આવતું.

હાલમાં તમારી અસમંજસ છે એક વાર બીજાને સર્વસ્વ સોંેપી ચૂકેલી વ્યક્તિની વફાદારી માટેની. આ પ્રશ્નનો જવાબ મેળવવા તમારે આંખો ખોલીને તમારી આસપાસના લોકો કે ઈવન મહાન વિભૂતિઓના જીવનમાં ડોકિયું કરવું. જીવનમાં એકેય વાર ભૂલ ન કરી હોય એવો કોઈ માઈનો લાલ મળે તો નામ-સરનામું નોંધી લેવા. ખરેખર કોઈ એક વ્યક્તિ પણ મળશે જેણે જીવનમાં કદી કોઈ ભૂલ ન કરી હોય?

આ પણ વાંચોઃ પેશન છે કે લાઈક એ કેવી રીતે જાણી શકાય ?

ભાઈ, વફાદારીને આપણે શારીરિક સંબંધો સાથે જોડવા એ આપણી સંકુચિતતા છે. પેલી યુવતીએ પોતાના સંબંધો વિશે જે કબૂલાત કરી છે એ પરથી બે તારણો નીકળી શકે. કાં તો તે છોકરી ખરેખર એ ભૂલને સમજે છે, પસ્તાવો કરે છે અને કશું જ છુપાવ્યા વિના તમારી સાથે ફરી જોડાવા ઇચ્છે છે. બીજી શક્યતા એ પણ હોઈ શકે કે ફિઝિકલ સંબંધો બાંધવા કે છોડવા એ તે છોકરીને મન રમતવાત હોય. આવું એ જ વ્યક્તિ કરી શકે જે સાવ રીઢી અને બિનધાસ્ત મિજાજની હોય. તમારી ફ્રેન્ડે જ્યારે આ વાત સ્વીકારી ત્યારે તે પોતાની ભૂલ પ્રત્યે સિન્સિયર હતી કે નહીં એ યાદ કરશો તો સાચું શું એ જજ કરી શકશો.

સંબંધોને લૉજિકથી મૂલવવા ન બેસો. તરત નર્ણિય ન લઈ શકાય એવું લાગતું હોય તો માત્ર દોસ્તીને થોડોક સમય આપો. તમારી વચ્ચે પરસ્પર કેટલી સમજણ અને વિશ્વાસ પેદા થાય એ પછી એ જાતે જ નક્કી કરીને દિલમાંથી જે જવાબ ઊગે એ સ્વીકારી લો.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK