સાસુને નથી ગમતાં વહુના સૂચનો

Published: Aug 23, 2019, 15:14 IST | સેજલને સવાલ-સેજલ પટેલ | મુંબઈ

લગ્નના એક વર્ષમાં મેં ઘરની બધી.જ જવાબદારી ઉઠાવી લીધી છે એમ. છતાં સાસુને મારાં સૂચન ગમતાં નથી

સાસુને નથી ગમતાં વહુના સૂચનો
સાસુને નથી ગમતાં વહુના સૂચનો

સવાલઃ મારાં લવ-મૅરેજને હજી વર્ષ થયું છે. પરિવારમાં માત્ર સાસુ-સસરા જ છે. જેઠ-જેઠાણી વર્ષોથી કલકત્તા રહે છે અને નણંદ પરણીને મુંબઈમાં સેટલ છે. લવ-મૅરેજ હોવાથી સાસુ મને હજી અળગી જ રાખે છે. બહારના લોકો સામે બહુ મીઠું બોલે, પણ એકલાં હોય ત્યારે ખાસ બહુ વાતચીત ન કરે. મારાં જેઠાણી પરણીને આવ્યા પછી ઘરની જવાબદારી લેવા તૈયાર નહોતાં એટલે તેમને નહોતું ફાવતું. જોકે જેઠની નોકરી બીજા શહેરમાં થતાં તેમનું ઘર્ષણ અટકી ગયું. તેમને ચિંતા ઘટે એટલા માટે મેં ઘર સંભાળવાનું શરૂ કરી દીધું છે. બે ટંકની રસોઈથી માંડીને લાવવા-મૂકવાનું બધું જ હું કરી લઉં છું. શરૂઆતમાં તેમને ગમ્યું, પણ પછી એમાં તેમને મારી પસંદમાં વાંધો પડવા લાગ્યો. મને આર્ટ ઍન્ડ ક્રાફ્ટમાં રસ પડતો હોવાથી ઘરની સજાવટમાં પણ હું કંઈક બદલાવ કરું તોય તેમનું મોઢું ચડી જાય છે. કંઈક નવું લાવવાની વાત આવે એટલે તરત તેમનું પહેલું વાક્ય એ જ હોય કે આપણે કંઈ તારાં પિયરિયાં જેટલાં સુખી નથી. દર વર્ષે ઘરની સજાવટ બદલી ન શકીએ. વર્ષોથી જે જુનવાણી ઘરેડ બંધાયેલી છે એમાં તેમને મારાં સૂચન જરાય પસંદ નથી. મારા હસબન્ડને કહું તો કહે છે કે તમને બન્નેને જે ગમે એ કરો, મને પૂછશો નહીં. સાસુનું રીઍક્શન જોઈને મને લાગે છે કે તેમણે મને હજી એક્સેપ્ટ કરી જ નથી.
જવાબઃ યસ, તમારું અનુમાન સાચું છે કે તેમણે હજી તમને પૂરેપૂરા એક્સેપ્ટ નથી કર્યાં. જોકે એક વર્ષના ટૂંકા ગાળામાં સાસુ-વહુ વચ્ચે મા-દીકરી જેવો પ્રેમ થઈ જાય એવું સંભવ પણ નથી હોતું. જેમ પતિને સમજવા માટે સમય જાય છે એમ સાસરિયાંઓને પણ સમજવામાં થોડી ધીરજ રાખવી જરૂરી છે.
બહુ સારું છે કે તમે એક જ વર્ષમાં સાસરાના ઘરને પોતીકું માની લીધું છે. નવાં લગ્ન પછી પતિનું ઘર પોતાની રીતે સજાવવાના તમારા ઓરતા હું સમજી શકું છું, પરંતુ એક વાત એ પણ સમજવી જરૂરી છે કે આ ઘર માત્ર તમારા પતિનું જ નથી, તમારાં સાસુ-સસરાનું પણ છે. તમે આવ્યાં એ પહેલાં સાસુએ એની સજાવટ પોતાની રીતે કરેલી. જ્યારે આપણે કોઈકની સજાવેલી દુનિયામાં પગ મૂકતાં હોઈએ ત્યારે એમાં કોઈ બદલાવ કરતાં પહેલાં થોડાં સાવધ રહેવું પડે.
બની શકે કે તમે ઘરને વધુ બહેતર બનાવવાના દૃષ્ટિકોણથી જ વાત રજૂ કરતાં હશો, પણ એમાં તેમને એવું પણ લાગતું હોઈ શકેને કે અત્યાર સુધી અમે ઘર બરાબર જાળવ્યું નથી અને એટલે વહુ આવા બદલાવ કરવા માંડી છે. બની શકે કે તમે જે બદલાવ કરો છો એમાં એટલા પૈસાનો ખર્ચ નહીં જ હોય છતાં શું એવું શક્ય છે કે તમે એ તમારા પિયરમાં જોયેલી છૂટની સરખામણીએ એની મુલવણી કરતાં હો?
જરા આંખ બંધ કરીને વિચારો કે તમે સજાવેલા ઘરમાં કોઈક નવી વ્યક્તિ આવીને બદલાવ કરવા માંડે તો તમને કેવું લાગે? આ દુનિયાનો શિરસ્તો છે કે વહુ આવે અને ધીમે-ધીમે ઘરનો દોર હાથમાં લઈ લે. એવા સમયે સાસુને સાઇડલાઇન થઈ ગયાનું ફીલ થાય એ સ્વાભાવિક છે. પોતાનું વર્ચસ ઘર પરથી ઘટી જાય એ પણ કોઈ સ્ત્રીને ગમતું નથી હોતું. એટલે ઘરમાં નવા બદલાવ લાવવામાં જો તમે વધુપડતાં ઉત્સાહી થઈ ગયાં હો તો જરા ખમૈયા કરો. પહેલાં તમે ઘરને તમારું કરવાને બદલે ઘરમાં રહેતા પરિજનોને પોતીકા બનાવો. એ કામ થઈ જશે તો ઘરની દીવાલોને તો તમે ગમે ત્યારે સજાવી શકશો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK