આદતો બદલવા દબાણ કરે છે ગર્લફ્રેન્ડ, શું કરું?

Published: Oct 07, 2019, 13:23 IST | સેજલને સવાલ - સેજલ પટેલ | મુંબઈ

ગર્લફ્રેન્ડ મારી પ્રત્યેક આદતને બદલવા પ્રેશર કરે છે અને તેની વાત ન માનું તો તેને હું ડિસરિસ્પેક્ટ કરું છું એવું લાગે છે

ગર્લફ્રેન્ડ આદતો બદલવા કરે છે દબાણ
ગર્લફ્રેન્ડ આદતો બદલવા કરે છે દબાણ

સવાલઃજસ્ટ ભણવાનું પૂરું કરીને જૉબ કરું છું. હાલમાં તો ટ્રેઇ‌ની છું, પણ મારા કામથી સિનિયર્સ ખુશ છે એટલે પ્રમોશન સાથેની નોકરી પાકી જ છે. જોકે સમસ્યા મારા અંગત જીવનની છે. બે વર્ષથી હું જે છોકરી સાથે રિલેશનશિપમાં છું એમાં હમણાંથી તકલીફો પડી રહી છે. તે બહુ જ લાંબું વિચારીને ચિંતા કરનારી છે. તેની સાથે કોઈ હળવી મજાક પણ કરી લે તોય તેને લાગે કે તેને ડિસરિસ્પેક્ટ કરી. તેને મારી દરેક આદતની તકલીફ છે. પહેલાં અમે લાંબું ચૅટિંગ કરતાં અને પોતાના મનની વાતો ખુલ્લા દિલે કરતાં. હું એમાં બહુ પ્રામાણિક રહ્યો છું અને મેં મારી સારી-ખોટી આદતો અને કુટેવો સુધ્ધાં વિશે તેને કહ્યું છે. જોકે તેની અપેક્ષાઓ હવે માથા પર જઈ રહી છે. તેની અપેક્ષા હોય છે કે મારે દર દોઢ-બે કલાકે તેને ફોન કરવાનો. આઇ નો કે ૨૧-૨૨ વર્ષની વયે આવું બધું સારું લાગતું હોય, પણ જ્યારે તમે પ્રોફેશનલી સ્ટ્રગલ કરતા હો ત્યારે તમારે કામને પણ વધુ પ્રાધાન્ય આપવું પડે એ વાત તેને સમજાતી નથી. તેનો ફોન મિસ થાય અને તરત તેને ફોન કે મેસેજ ન થાય તો માથે ચડી જાય. મારે અમુક જ પ્રકારનાં કપડાં પહેરવાનાં એવો તેનો આગ્રહ હોય. મને ઑફિસ સિવાય પણ બહુ ફૉર્મલ થઈને ફરવું નથી ગમતું. ઇન ફૅક્ટ, તે હંમેશાં વેસ્ટર્ન કપડાં કે રિવિલિંગ કપડાં પહેરીને ફરે છે એ મનેય નથી ગમતું. તો એ વખતે તે કહી દે કે હું આવી જ છું ને આવી જ રહેવાની છું. તો પછી આ દલીલ મારે માટે કેમ લાગુ ન પડે? હું જેવો છું એવો રહું તો તેને કેમ વાંધો છે? ખોટો ઝઘડો ન થાય એ માટે હું તેની વાત માની લઉં છું એટલે તે વધુ ડિમાન્ડિંગ થતી જાય છે અને ક્યારેક મને ડિસરિસ્પેક્ટ કરતી હોય એવું લાગે છે. આમાં ઉકેલ શું?

જવાબ: રિલેશ‌નશિપનો સૌથી પહેલો નિયમ એ છે કે તમે સામેવાળી વ્યક્તિને તે જેવી છે એવી જ સ્વીકારો. તેની સારાઈ સાથે અને તેની કોઈ એબ હોય તો એની સાથે જ. જો એમ ન કરી શકો તો એ સંબંધમાં તમે પરસ્પરને પ્રેમ આપવાને બદલે પ્રેમના નામે બ્લૅકમેઇલિંગ કરીને બન્નેની જિંદગી નરક બનાવી બેસશો.
સંબંધોને કોરી ખાતી ઊધઈ છે અપેક્ષાઓ. મને કહો કે તમારા કોઈ પણ સંબંધો તમારી ઇચ્છા મુજબના છે? શું મમ્મી-પપ્પા, ભાઈ, બહેન, મિત્રો, સહકર્મચારીઓ, બૉસ કોઈ જ તમારી અપેક્ષા મુજબનાં છે? નથી. ન જ હોય. ઇન ફૅક્ટ, આપણે ખુદ આપણી પાસેથી જે અપેક્ષાઓ રાખીએ છીએ એ પૂરી નથી કરી શકતા.
તમારી ગર્લફ્રેન્ડ સાચું જ કહે છે કે તે આ જ છે અને આવી જ રહેવાની છે. તમને બદલવાની તેની અપેક્ષા પણ એવી જ રહેવાની છે. તે ત્યારે જ બદલાશે જ્યારે તેને ખુદને બદલાવાની જરૂરિયાત સમજાશે. યસ, એ તદ્દન અવાજબી જ છે, પણ એ તેનો સ્વભાવ છે એટલે થોડો સમય કમને તેને ગમતું કરી લેવું એ સૉલ્યુશન નથી. તમે કમને તમારી આદતો, ગમા-અણગમા, તમારી જીવનશૈલીમાં બદલાવ લાવતા હો તો એવું કદાપિ ન કરવું, કેમ કે આ સમાધાન કદાચ આજે તમારા સંબંધોને બચાવી લેશે, પણ તમને ખુદને તમારાથી અળગા કરી દેશે. ઘણી વાર લોકો પ્રેમને હાંસલ કરવા માટે ન ગમતા બદલાવ પણ સ્વીકારી લે છે અને પછી થોડાં વર્ષો પછી પોતાને અરીસામાં જાઈને પૂછે છે શું હું આ જ હતો?
પર્સનાલિટી બદલવાથી જ સંબંધ ટકે એવી શરત પર ઊભેલો સંબંધ ઝાઝું ટકે તો પણ લાંબા ગાળે ગૂંગળાવનારો હોય.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK