દીકરી જરા વધુપડતી એકલપેટી થઈ ગઈ છે, મમ્મીનું કહેવું છે કે જો બીજું બાળક આવશે તો બરાબર થઈ જશે

Updated: 26th December, 2018 21:01 IST | Sejal Patel

બીજું બાળક આવશે એટલે દીકરીને કંપની મળી જશે અને આ સમસ્યા ઊકલી જશે એ જરા વધુપડતો જ આશાવાદ છે જે સદંતર ખોટો છે

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : મારી દીકરી સાડાપાંચ વર્ષની છે. લગ્ન પહેલાં હું જયપુર રહેતી હતી, પણ એ પછી પતિની જૉબને કારણે અમે હૉન્ગકૉન્ગ શિફ્ટ થયેલાં. અમે જસ્ટ દસ મહિના પહેલાં જ મુંબઈ પાછા ફર્યા છીએ. મારી દીકરી ખૂબ જ ગુમસૂમ અને એકલવાયી રહે છે. હૉન્ગકૉન્ગમાં નર્સરીમાં જતી હતી ત્યારે પણ આવું જ હતું. અહીં મુંબઈ આવ્યા પછી પણ તેના બિહેવિયરમાં ખાસ ફરક નથી પડતો. તેનાં હમઉમþ બાળકોની સાથે પણ તે બરાબર હળતી-ભળતી નથી. ઇન ફૅક્ટ, હું પોતે પણ ખૂબ ઇન્ટ્રોવર્ટ છું અને નાની હતી ત્યારે ખાસ બીજા લોકો સાથે રમતી નહોતી. જોકે મારી મમ્મીનું કહેવું છે કે મારી દીકરી જરા વધુપડતી જ એકલપેટી છે, પણ ઘરમાં બીજું બાળક આવી જશે તો વાંધો નહીં આવે. અત્યારે તો હું પરાણે બિલ્ડિંગમાં રહેતાં બીજાં બાળકો સાથે તેને રમવા મોકલું ત્યારે તે જાય. ગયા પછી પણ તે સાઇડમાં બેઠી રહેલી હોય. મેં જોયું છે કે તેની સાથેનાં બીજાં બાળકો થોડાંક પણ ડોમિનેટિંગ હોય તો-તો તે તરત જ ઘરભેગી થઈ જાય. અમે તેની સ્કૂલના કાઉન્સેલર સાથે પણ વાત કરી તો તેમનું કહેવું છે કે કદાચ દીકરીને કોઈ ન બોલાવે તો તરત જ રિજેક્શન ફીલ થાય છે. તેનું ભણવામાં પણ ધ્યાન નથી લાગતું. તે બહાર બીજા સાથે રમે અને હળેભળે એ માટે વિડિયોગેમ રમવાની ના પાડું તો તે એમ જ રૂમમાં બેસી રહે, પણ બહાર ન જાય તે ન જ જાય. હું નીચે લઈ જાઉં તો હું હાજર હોઉં ત્યાં સુધી તે રમે અને પછી તરત જ મારી પાછળ-પાછળ આવી જાય. શું કરવું એ સમજાતું નથી. કાઉન્સેલર કહે છે કે તેને કોઈ માનસિક તકલીફ નથી, માત્ર ઇન્ટ્રોવર્ટ થઈ ગઈ છે. મારા હસબન્ડ પાસે ખાસ સમય નથી હોતો અને મારે દીકરી સાથે શું કરવું એ સમજાતું નથી.

જવાબ : બાળક એકલવાયું ફીલ કરતું હોય એનાં અનેક કારણો હોઈ શકે છે. તેને પરાણે બીજા સાથે રમવા મોકલવાથી થોડોક સમય કદાચ તે રમશે ખરી, પણ એમાં તેને આનંદ નહીં મળે. જે ક્રિયાથી આનંદ નથી અનુભવાતો એવી ચીજો વારંવાર થોપવાથી બાળક ઉબાઈ જાય અને થોડાક સમય પછી અગ્રેસિવ રીઍક્શન આપવા લાગે એવું બને.

બીજું બાળક આવશે એટલે દીકરીને કંપની મળી જશે અને આ સમસ્યા ઊકલી જશે એ જરા વધુપડતો જ આશાવાદ છે જે સદંતર ખોટો છે. તમે બીજું બાળક ઇચ્છતા હો તો જ એ બાબતે વિચારવું જોઈએ. આ સમસ્યાના સૉલ્યુશનરૂપે બાળક કરવું જરાય ઇચ્છનીય નથી.

દીકરી કેમ આવું વર્તન કરે છે એ સમજવા માટે સૌથી પહેલાં તો એ વર્તણૂક પાછળનું કારણ સમજવું જરૂરી છે. એ માટે તમારે ખૂબબધો સમય તેની સાથે ગાળવો પડશે. સૌથી પહેલાં તો તેને ખૂબ પ્રેમ આપો. ગળે લગાવીને, ખોળામાં સૂવડાવીને કે કોઈ પણ પ્રકારે સ્પર્શ દ્વારા તમારું હેત તેના સુધી પહોંચાડો. તેને ન ગમતી ચીજો કરવા માટે ફોર્સ ન કરો. તેની સાથે તમારા પોતાના બાળપણની વાતો કરો. તે બીજાં બાળકો સાથે રમે એ માટે ફોર્સ કરવાને બદલે તમે જાતે તેની સાથે એ રમો. એક વાર તે તમારી સાથે રમવામાં કમ્ફર્ટેબલ થઈ જાય એ પછી તેનાથી નાની વયનાં બિલ્ડિંગમાં રહેતાં એક-બે બાળકોને તમારા ઘરે તેની સાથે રમવા બોલાવો. એ વખતે તમારે તેમની સાથે બાળક બનીને રમવું મસ્ટ છે. ધીમે-ધીમે આ દિશામાં આગળ વધવાથી તેનો બીજા સાથે ભળવાનો સંકોચ દૂર થશે. ધારો કે બીજી કોઈ સમસ્યા હશે તો આ પ્રક્રિયા દરમ્યાન તમને સમજાશે.

First Published: 24th December, 2018 20:56 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK