મોસમી ફળ હોય એમ મોસમી મીઠાઈઓ પણ હોય : દાણેદાર બરફી માટે શિયાળો જરૂરી છે

Published: Feb 14, 2020, 19:22 IST | Divyasha Doshi | Mumbai Desk

બરફી ખાઓ તો ટીવી અને વાતો બંધ કરી એને મમળાવીને સ્વાદને આત્મસાત કરતાં ખાવી જોઈએ.

મેથીના લાડુ અને અડદિયા વિશે તો આપણે સૌ જાણીએ છીએ, પણ દૂધની એક એવી મીઠાઈ છે જેને માટે શિયાળાની સૂકી ઠંડી હવા જરૂરી છે. શિયાળામાં જ બનતી આ મીઠાઈ અનાયાસે અમદાવાદમાં ખાવા મળી. એનું નામ દાણેદાર બરફી. આ 
બરફી મોઢામાં મૂકો કે તમને ગળી બરફી ખાતા હો એવો જ સ્વાદ લાગે, પણ જરા મમળાવો એટલે દાણેદાર મલાઈદાર માવાનો પણ સ્વાદ અનુભવાય. દૂધનો સ્વાદ આમાં મુખ્ય જ છે પણ સાકર, ઇલાઇચી સહેજ જ અને પિસ્તાંની બારીક કતરણના ટુકડા દરેક સ્વાદ ધીમે-ધીમે મોઢામાં ઓગળે. બરફી ખાઓ તો ટીવી અને વાતો બંધ કરી એને મમળાવીને સ્વાદને આત્મસાત કરતાં ખાવી જોઈએ. 
અમદાવાદનું માણેક ચોક ખરીદી અને ખાવા માટે પ્રખ્યાત છે જ, પણ એ નાનકડી લાંબી ગલીઓના જાળામાં કંદોઈઓ પણ છે. એમાં પ્રવેશ કરતાં માવો અને મીઠાઈની અનેક દુકાનો દેખાશે. એમાં કંદોઈ ભોગીલાલ મૂલચંદની ૧૮૪૫ની સાલથી અસ્તિત્વ ધરાવતી દુકાનમાં ઠંડીની શરૂઆત થાય કે દાણેદાર બરફી મળવાની શરૂઆત થાય. આ દાણેદાર બરફી સૌરાષ્ટ્રમાં પણ મળતી હશે, પરંતુ એને બનાવવાની કળા હોય છે. આગલે દિવસે દૂધને ઉકાળીને એનો દાણેદાર માવો તૈયાર કરવાય છે. આખી રાત એને ઠંડી ખાવા દઈ બીજે દિવસે સાકર નાખી એની બરફી બનાવાય છે. આ બરફીમાં જેમ દાણા વધારે હોય એમ એનો સ્વાદ અને દેખાવ ખીલે છે. ઝીણી બુંદી જેવા દાણા હોય તો એનો સ્વાદ કહેવા માટે શબ્દો નથી. એને ત્યાં જઈને ખાવી જ પડે કે મંગાવી લેવી પડે. ભોગીલાલ મૂલચંદની સાતમી પેઢી એટલે કમલેશભાઈ કહે છે કે ગરમી શરૂ થતાં દૂધના દાણા બને નહીં અને મલાઈ બરફી બને.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK