દારૂ છોડાવવા પતિને રીહૅબિલિટેશન સેન્ટરમાં દાખલ કરેલા, જોકે ત્યાંના કાઉન્સેલર સાથે મને પ્રેમ થઈ ગયો

Published: 26th December, 2018 18:43 IST | Sejal Patel

હું મૅરિડ છું. લગ્નને પંદર વર્ષ થઈ ચૂક્યાં છે. લગ્નજીવન પહેલેથી જ સારું નહોતું. અરેન્જ્ડ મૅરેજ હતાં અને હસબન્ડને તો આ સંબંધ પસંદ જ નહોતો

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ : હું મૅરિડ છું. લગ્નને પંદર વર્ષ થઈ ચૂક્યાં છે. લગ્નજીવન પહેલેથી જ સારું નહોતું. અરેન્જ્ડ મૅરેજ હતાં અને હસબન્ડને તો આ સંબંધ પસંદ જ નહોતો. જોકે મને ખબર પડી ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયેલું. હું ચાર મહિનાની પ્રેગ્નન્ટ હતી ત્યારે મને ખબર પડી કે તેમણે ઘરવાળાઓના દબાણને કારણે મારી સાથે લગ્ન કર્યાં હતાં. મેં વિચારેલું કે ધીમે-ધીમે બધું ઠીક થઈ જશે, પણ બે બાળકો થયા પછી પણ કંઈ ઠીક ન થયું. તેઓ પોતાની દુનિયામાં બીજી ઔરત સાથે મસ્ત હતા અને હું બાળકોના ઉછેરમાં વ્યસ્ત હતી. અમારી વચ્ચે કોઈ વધુ કમ્યુનિકેશન નહોતું થતું. તેમનું કામ જ એવું છે કે તેમની પાસે મારા માટે સમય જ નહોતો. બહુ લાંબી સ્ટોરી છે, પણ ટૂંકાણમાં છેલ્લાં પાંચ વર્ષની જ વાત કરું છું. તેમને ઑફિસમાં બીજી મૅરિડ મહિલા સાથે સંબંધો હતા. આ મહિલા તેમના કરતાં મોટી છે. તેની વાતોમાં આવીને તેમણે નોકરી છોડી દીધી. બિઝનેસ કરવા માટે મને સપોર્ટ કર એમ કહીને મારી બધી જ બચત તેમણે ઉડાવી મારી. આખો દિવસ દારૂ ઢીંચવાનું શરૂ થઈ ગયું. તે પોતે શું કરે છે અને કેમ કરે છે એનું તેમને ભાન રહેતું નહીં. ઘરવાળાઓને ખબર પડી એટલે તેમણે હસબન્ડને રીહૅબિલિટેશન સેન્ટરમાં દાખલ કરી દીધા. મારે ત્યાં તેમને દર શનિવારે મળવા જવું પડતું હતું. એ દરમ્યાન મારા હસબન્ડના કાઉન્સેલરને મળવાનું થયું. હસબન્ડ વિશે વાતો કરતાં-કરતાં અમે એકબીજાની નજીક આવી ગયાં. અમે એકબીજાને લાઇક કરવા લાગ્યા છે. તે પણ સિંગલ છે, પરંતુ ફાઇનૅન્શ્યલી એટલો કૅપેબલ નથી કે મારાં બાળકોની જવાબદારી ઉઠાવી શકે. એટલે જ તેણે શરાફતથી મને ના પાડી દીધી છે. મને સમજાતું નથી કે હું શું કરું? તેનું કહેવું છે કે ફીલિંગ્સ એની જગ્યાએ છે અને રિયલિટી એની જગ્યાએ. તે કાઉન્સેલર રહી ચૂક્યો હોવાથી તેના માટે ફીલિંગ્સ ભૂલવાનું આસાન છે, મને તો મારી મતલબ વિનાની જિંદગીમાં આશાનું કિરણ દેખાયું હતું. મારે શું કરવું એ સમજાતું નથી. પ્લીઝ હેલ્પ.

જવાબ : પંદર વર્ષના લગ્નજીવનમાં પતિ તરફથી તમને જોઈતો પ્રેમ નથી મYયો. ઊલટાનું, તેમના તરફથી તમારી ઉપેક્ષા થતી આવી છે. પ્રેમભૂખી વ્યક્તિને કોઈક સહાનુભૂતિના બે-ચાર બોલ કહી દે તો એ પણ બહુ જ સુકૂન આપનારા હોય છે. એવા સંજોગોમાં પેલા કાઉન્સેલર સાથે વાતચીત કરીને તમને બહુ સારું લાગતું હોય એ સ્વાભાવિક છે. મને ખબર નથી કે કાઉન્સેલર યુવક તમને ખરેખર પ્રેમ કરે છે કે નહીં, પરંતુ તમે ખૂબ તીવ્રપણે પ્રેમ ઝંખી રહ્યા છો. દારૂડિયા, બેરોજગાર અને તમારા પ્રત્યે સાવ બેદરકાર એવા પતિથી તમે કંટાળ્યા છો. અત્યારે તમે ક્યાં કોઈ કરોડપતિ પરિવારનાં રાણી છો? બેરોજગાર પતિ કરતાં તો પેલો કાઉન્સેલર વધુ જ કમાતો હશે. એમ છતાં પોતાની આર્થિક સ્થિતિને આગળ કરીને તે આ સંબંધને આગળ નથી વધારવા ઇચ્છતો. કદાચ તમને ચોખ્ખી ના પાડીને તમને હર્ટ ન કરવા હોય એટલે તે આર્થિક કારણ આગળ કરતો હોય એવી સંભાવના પણ હોઈ શકે છે. બીજી સંભાવના મુજબ કદાચ તે તમને સાથે રાખવા માગતો હોય, પણ સંતાનોને ન રાખવા માગતો હોવાથી પણ આવું કહેતો હોય.

તમને અત્યારે પ્રેમ દેખાતો હોવાથી એ વ્યક્તિમાં આશાનું કિરણ જણાય છે, પણ જેનો પ્રેમ થોડીક આર્થિક સંકડામણને કારણે સુકાઈ જતો હોય એ પ્રેમ કેટલો ટકાઉ હશે એ મોટો સવાલ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK