ગર્લફ્રેન્ડના બ્રેકઅપ બાદ મિસ માટે ફીલિંગ્સ હતી, તેમણે પણ મોં ફેરવી લીધું

Published: Feb 11, 2020, 13:32 IST | Sejal Patel | Mumbai

કૉલેજના સમયમાં હું એક છોકરીના પ્રેમમાં હતો. મેં તેની પાછળ મારું સર્વસ્વ રેડી દીધેલું. એમ છતાં ખબર નહીં કેમ પણ તેણે મારા પ્રેમની કદર ન કરી. એક ઝઘડો થયો અને બ્રેકઅપ થઈ ગયું.

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

સવાલ: કૉલેજના સમયમાં હું એક છોકરીના પ્રેમમાં હતો. મેં તેની પાછળ મારું સર્વસ્વ રેડી દીધેલું. એમ છતાં ખબર નહીં કેમ પણ તેણે મારા પ્રેમની કદર ન કરી. એક ઝઘડો થયો અને બ્રેકઅપ થઈ ગયું. એક્ઝામમાં પણ બહુ જ ખરાબ રિઝલ્ટ આવ્યું અને પછી તો હું ઘરમાં જ ગોંધાઈ રહેતો હતો. મારા પેરન્ટ્સ મને એક સાઇકોલૉજિસ્ટ પાસે લઈ ગયા. મારે ત્યાં જવું જ નહોતું, પણ પપ્પાની બીકે જતો. સાઇકોલૉજિસ્ટની કૅબિનમાં પણ મેં ગુસ્સામાં આવીને ઘણી તોડફોડ કરી નાખી હતી. એમ છતાં કાઉન્સેલર મિસ બહુ જ શાંત રહ્યા.  તેમની સાલતા, સહિષ્ણુતા અને ખૂબ સરસ રીતે વાતને સમજાવવાની રીતને કારણે મને તેમની સાથે વાતો કરવી ગમવા લાગી. હું કલાકો સુધી બોલતો અને તેઓ સાંભળતા. મને દર વીકમાં તેમના સેશનમાં જવાની તાલાવેલી રહેતી. હું કોઈનાય વિશે નકારાત્મક વિચારીને ગુસ્સે થતો હોઉં ત્યારે તેઓ મને ઠંડો પાડતા અને બધા માટે સારું વિચારવાનું કહેતા. લગભગ ચાર મહિના સુધી નિયમિત સેશન્સ ચાલ્યા અને હું ક્યારે મિસના પ્રેમમાં પડી ગયો એ પણ ખબર ન પડી. તેઓ મારાથી જસ્ટ દસેક વર્ષ જ મોટા છે. તેમને મારી ફીલિંગ્સ કહી તો તેમણે જરાય ગુસ્સો કર્યો નહીં. મને નોકરી મળી એ પછી તેમણે મારાં મમ્મીને ફોન કરીને કહી દીધું કે હવે ટ્રીટમેન્ટ પૂરી થઈ ગઈ અને દીકરાને મોકલવાની જરૂર નથી. મારું દિલ ફરી તૂટી ગયું. તેઓ મને ડાર્લિંગ કહેતા હતા, પણ મારી ફીલિંગ્સને આમ જ ફેંકી દેશે એવું નહોતું ધાર્યું. હું ફરીથી રિજેક્શન સહન નહીં કરી શકું. મારો ફોન તેઓ ઉપાડતાં નથી. વૉટ્સઍપ પર તેમણે મને બ્લૉક કરી દીધો છે. 

જવાબ : તમે અત્યારે માનો છો કે તમારાં કાઉન્સેલર મિસે તમને રિજેક્ટ કર્યાં, પણ હકીકત એ નથી. એ મિસ તમારી સાથે શાંતિ અને સમજાવટથી કામ લેતા હતા અને તમારી વાત સાંભળતા હતા કે તમને ડાર્લિંગ કહીને બોલવાતા હતા એ બધું તેમના કામનો ભાગ હતું. તમને ડિપ્રેશનમાં કાઢવા માટે તમારી સાથે નજાકતપૂર્વક વાતચીત કરવી જરૂરી હતી. તમે એ વર્તનને તમારા પ્રત્યેની પર્સનલ લાગણી સમજવાની ગલતફહેમી કરો છો એટલે તમને એ રિજેક્શન લાગે છે.

જ્યારે આપણે ખૂબ એકલવાયું ફીલ કરતા હોઈએ એ વખતે કોઈ પોતીકાપણું બતાવે ત્યારે બહુ સારું લાગે. તે વ્યક્તિ પ્રત્યે તીવ્ર પ્રેમની લાગણી છે એવું ફીલ થાય, પણ એ હકીકતમાં પ્રેમ નથી હોતો. તમારાં મિસે તમને સાંભળ્યાં, તમારા અંતરના ઊંડાણમાં ધરબાયેલી વાતોને ખોતરીને બહાર કાઢી, તમને બ્રેકઅપના આઘાતમાંથી બહાર લાવવા માટે સપોર્ટ કર્યો એ તેમના કામના ભાગરૂપે કર્યું હતું. તમને તેમના પ્રત્યે ખેંચાણ અનુભવાયું એ બતાવે છે કે તમને આ પ્રકારનું વ્યક્તિત્વ ગમે છે. કોઈ તમને સમજે અને તમે કંઈ પણ કરો એમ છતાં સહાનુભૂતિ દાખવીને તમારી સાથે પેશ આવે એ તમને ગમે છે. આવું તમને જ નહીં, સૌને ગમતું હોય છે. અલબત્ત, આ કળા સાઇકોલૉજિસ્ટ્સની પ્રોફેશનલ સ્કિલ્સ હોય છે. સાઇકોલૉજિસ્ટ્સની બાબતમાં એવું અનેક વાર જાવા મળ્યું છે કે તેમના જ દરદીઓ તેમના પ્રેમમાં પડી જાય. જાણ્યે-અજાણ્યે તમારા દિલમાં પ્રેમની લાગણીઓ પેદા થઈ ગઈ એ જાણીને તેમણે સેશન્સ રોકાવી દીધાં એ યોગ્ય જ કર્યું છે.

તમારે ફરીથી સંબંધોમાં પછડાટ ન ખાવી હોય તો મિસને ભૂલી જાઓ અને માત્ર મિસે તમને સંબંધો બાબતે જે શીખવ્યું છે એ યાદ રાખો. એક સંબંધમાંથી બીજા સંબંધને વળગી જવાથી એકલવાયાપણું દૂર નથી થતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK