Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > બ્રેસ્ટ-કૅન્સરથી બચવું હોય તો કરો સેલ્ફ-એક્ઝામિનેશન

બ્રેસ્ટ-કૅન્સરથી બચવું હોય તો કરો સેલ્ફ-એક્ઝામિનેશન

13 October, 2020 03:20 PM IST | Mumbai
Varsha Chitalia

બ્રેસ્ટ-કૅન્સરથી બચવું હોય તો કરો સેલ્ફ-એક્ઝામિનેશન

 પોતાના સ્તનની તપાસ સંદર્ભે અજ્ઞાનતા કેમ? વિશ્વભરમાં ઑક્ટોબરને બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ મન્થ તરીકે ઓળખવામાં આવે છે

પોતાના સ્તનની તપાસ સંદર્ભે અજ્ઞાનતા કેમ? વિશ્વભરમાં ઑક્ટોબરને બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ મન્થ તરીકે ઓળખવામાં આવે છે


મહિલાઓમાં સ્તનનું કૅન્સર સૌથી કૉમન છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભારતમાં દર વર્ષે અંદાજે એક લાખ નવા કેસનો ઉમેરો થાય છે. જોકે આ એવું કૅન્સર છે જેમાં શરૂઆતના તબક્કામાં નિદાન થાય તો સંપૂર્ણપણે મટી શકે છે. કહેવાય છે કે સ્ત્રી પોતે જ પોતાના શરીરને સારી રીતે સમજી શકે છે. તો પછી પોતાના સ્તનની તપાસ સંદર્ભે અજ્ઞાનતા કેમ? વિશ્વભરમાં ઑક્ટોબરને બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ મન્થ તરીકે ઓળખવામાં આવે છે ત્યારે દરેક મહિલા પોતાનાં સ્તનની જાતે ચકાસણી કરવાની રીત સમજી લે તો ભવિષ્યનાં સંભવિત જોખમોથી બચી શકાય છે

ઑક્ટોબર મહિનો બ્રેસ્ટ-કૅન્સર અવેરનેસ મન્થ તરીકે ઓળખાય છે. સેલ્ફ-એક્ઝામિનેશન, પ્રારંભિક પરીક્ષણ, નિદાન અને સારવાર વિશે મહિલાઓને શિક્ષિત કરવાના હેતુથી વૈશ્વિક કક્ષાએ આખો મહિનો નિષ્ણાતો અને સામાજિક સંસ્થાઓ દ્વારા અભિયાન ચલાવવામાં આવે છે. સ્તન કૅન્સરથી પ્રભાવિત મહિલાઓ પોતાના અનુભવો શૅર કરી અન્ય મહિલાઓને આ રોગથી બચવાની પહેલ કરે છે. આ એવું કૅન્સર છે જેમાં પ્રાથમિક તબક્કામાં જ જો ખબર પડી જાય તો સારવાર સરળ અને ઓછી ખર્ચાળ બને છે. વિશ્વભરના દેશોમાં મહિલાઓમાં બ્રેસ્ટ-કૅન્સરના કેસ ઝડપથી વધી રહ્યા છે ત્યારે દરેક વયની મહિલાઓમાં આ બાબત જાગરૂકતા જરૂરી છે. આજે આપણે સ્તન કૅન્સરની જાતે ચકાસણી કઈ રીતે કરી શકાય એ વિશે વિગતવાર વાત કરીશું.
શું કરશો?
અત્યાર સુધી વિદેશી મહિલાઓની તુલનામાં ભારતીય મહિલાઓમાં નાની ઉંમરે બ્રેસ્ટ-કૅન્સરની શક્યતા ઘણી ઓછી હતી, પરંતુ હવે નાની વયના કેટલાક કેસ સામે આવતાં વીસ વર્ષની ઉંમર વટાવ્યા બાદ મહિલાઓએ સેલ્ફ-સ્ક્રીનિંગ કરવું જોઈએ એમ જણાવતાં મીરા રોડની વૉકહાર્ટ હૉસ્પિટલના કન્સલ્ટન્ટ ઑન્કોલૉજિસ્ટ ડૉ. અતુલ નારાયણકર કહે છે, ‘વિમેન આર બેસ્ટ જજ ઑફ ધેર ઓન બ્રેસ્ટ. કઈ રીતે સ્તનની ચકાસણી કરવાની છે એની જાણકારી દરેક મહિલાને હોવી જોઈએ. સામાન્ય રીતે માસિક દરમિયાન શરીરમાં હૉર્મોનની ઊથલપાથલના કારણે સ્તનના કદ અને આકારમાં પરિવર્તન આવે છે તેથી ચકાસણી કરવાનો સાચો સમય માસિકના દસ દિવસ પછીનો છે. માસિકચક્ર ચાલુ હોય એવી મહિલાઓએ દસમા દિવસ બાદ અને માસિક બંધ થઈ ગયું હોય એવી મહિલાએ ગમે ત્યારે મહિનામાં એક વાર નીચે પ્રમાણે પોતાના બ્રેસ્ટનું સેલ્ફ- એક્ઝામિનેશન કરવું જોઈએ.’
સ્ટેપ ૧ : ખભા સીધા અને હાથને નિતંબ પાસે રાખી અરીસામાં તમારાં સ્તનને જુઓ. સ્તન એના સામાન્ય કદ, આકાર અને રંગનાં છે કે નહીં એનું નિરીક્ષણ કરો. સ્તનની ત્વચા પર ખાડા, કરચલીઓ કે કોઈ સોજો નથીને એની ચકાસણી કરો. ત્યાર બાદ નીપલની સ્થિતિને ધ્યાનથી જુઓ. બરાબર છે કે અંદરની બાજુ વળી ગઈ છે? બહારની તરફ ઊપસેલી હોવાને બદલે દબાયેલી કે એના પર ઉઝરડા નથીને એ ચેક કરો.
સ્ટેપ ૨ : પ્રથમ સ્ટેપ પ્રમાણે નિરીક્ષણ કર્યા બાદ તમારા હાથને ઉપર કરી ફરીથી ઉપરોક્ત તમામ લક્ષણોનું સેલ્ફ-એક્ઝામિનેશન કરો. બન્ને બ્રેસ્ટની નીપલને વારાફરતી જુઓ. એક અથવા બન્ને નીપલમાંથી પાણી કે પીળાશ પડતું પ્રવાહી અથવા રક્ત નથી વહેતુંને એ ચકાસી જુઓ. બ્રેસ્ટ ઉપરાંત બગલની પણ ચકાસણી કરવી. અન્ડટ આર્મ્સમાં કોઈ ગાંઠ નથીને એ પણ ચકાસી લેવું.
સ્ટેપ ૩ : હવે ફ્લૅટ સર્ફેસ પર સૂઈ જાઓ. અન્ડરઆર્મ્સ નીચે તકિયો મૂકી જમણા હાથેથી ડાબા સ્તનને અને ડાબા હાથેથી જમણી બાજુના સ્તનને દબાવી જુઓ. ત્યાર બાદ પહેલી બે આંગળીઓનાં ટેરવાંથી દબાવીને જુઓ કે ગાંઠ જેવું નથી લાગતુંને. આંગળીઓનાં ટેરવાંને ગોળાકાર ફેરવતાં-ફેરવતાં છેક બ્રેસ્ટની નીચે સુધી (પેટની તરફ) લઈ જાઓ. ફરી રિવર્સમાં આવો ને આંગળીઓનાં ટેરવાંને બગલથી બ્રેસ્ટની વચ્ચેના ભાગ (ક્લીવેજ) સુધી ચકાસો. સર્ક્યુલેશન મોશનમાં એ રીતે ચકાસણી કરો કે સંપૂર્ણ સ્તનને આવરી લેવાય.
સ્ટેપ-૪ : હવે બેઠાં-બેઠાં સ્તનનું પરીક્ષણ કરો. સ્ટેપ ત્રણમાં સમજાવ્યા પ્રમાણે બન્ને બાજુ દબાવીને અને આંગળીનાં ટેરવાંને ગોળાકાર ફેરવીને સ્તનની ચકાસણી કરવી. ઘણી મહિલાઓને ત્વચા ભીની હોય ત્યારે સેલ્ફ-એક્ઝામિનેશન કરવું વધુ સરળ લાગે છે. બાથરૂમ મોટો હોય અને અરીસાની સારી સગવડ હોય તો સ્નાન કરતી વખતે ચકાસી શકાય અથવા સ્નાન કર્યા બાદ તરત સ્ટેપ પ્રમાણે પરીક્ષણ કરવું. સેલ્ફ-એક્ઝામિનેશન કરતી વખતે જે પણ ફેરફાર દેખાય એની નોંધ લખી રાખો. જો બધું સામાન્ય હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પરંતુ ફેરફાર દેખાય તો ડૉક્ટરની સલાહ લો.’



ગાયનેક શું કહે છે?


સ્તનમાં થતી બધી જ ગાંઠો કૅન્સરની હોય એ જરૂરી નથી. સ્તનપાન કરાવતી માતાના બ્રેસ્ટમાં ઍક્સેસ મિલ્ક પ્રોડક્શનના કારણે સ્તનમાં દૂધ ગંઠાઈ જવાની પ્રક્રિયા સામાન્ય છે, પરંતુ એની અવગણના ન કરવાની સલાહ છે. દૂધ જામે એમાં ડૉક્ટરને શું બતાવવું એવી ખોટી માન્યતાના કારણે સ્તનપાન કરાવતી મહિલાઓને બ્રેસ્ટ-કૅન્સર થયું હોય એવા અનેક દાખલા છે. ખારઘરની મધરહુડ હૉસ્પિટલનાં ગાયનેકોલૉજિસ્ટ ડૉ. સુરભિ સિદ્ધાર્થ આ સંદર્ભે માહિતી આપતાં કહે છે, ‘મારી પાસે એક કેસ આવ્યો હતો જેમાં એક વર્ષ સુધી માતાએ ધ્યાન ન આપતાં ઘણું મોડું થઈ ગયું હતું. છાતીમાં દૂધ જામી ગયું હશે એવું માની છ મહિના સુધી ગાંઠની અવગણના કરી હોય એવા તો અનેક દાખલા છે. સ્તનપાન કરાવતી માતાએ પણ પોતાના બ્રેસ્ટનું સેલ્ફ- એક્ઝામિનેશન ફરજિયાતપણે કરવાનું જ છે. માતાએ દર મહિને સેલ્ફ-એક્ઝામિનેશનની ગાઇડલાઇન પ્રમાણે સ્તનની ચકાસણી કરવી. અઠવાડિયે એક વાર હાથની હથેળી વડે બન્ને સ્તનને દબાવીને જોવું કે દુખા‍વો નથીને. સામાન્ય રીતે દૂધ જામી જવાથી ગાંઠ બને છે અને થોડો દુખાવો થાય છે. ઍન્ટિબાયોટિક દવાઓથી પાંચ દિવસમાં દૂધ સુકાઈ જાય તો વાંધો નથી આવતો. એ પછી પણ જો દુખાવો થતો હોય કે ગાંઠ જેવું લાગતું હોય તો મોડું ન કરવું. જોકે ગભરાવાની જરૂર નથી. આવા કેસમાં બૅક્ટેરિયલ ઇન્ફેક્શન હોઈ શકે છે. સ્તનપાન કરાવતી માતાએ શંકાના સમાધાન માટે સોનો મેમોગ્રામ કરાવી લેવું જોઈએ. ખોટી માન્યતાના લીધે વિલંબ કરવાથી કૅન્સરના કોષો સ્પ્રેડ થઈ જાય છે અને સારવાર લંબાઈ જાય છે. બેસ્ટ છે કે માતા પોતાનાં સ્તનની તપાસ કરે અને જરૂર પડે ડૉક્ટરની સલાહ લે.’
- ડૉ. સુરભિ સિદ્ધાર્થ

સ્તન કૅન્સર થવાનું જોખમ કોને?
ભૂતકાળમાં અથવા વર્તમાનમાં માતા, બહેન કે પુત્રીને બ્રેસ્ટ-કૅન્સર થયું હોય એવી મહિલાને આ રોગ થવાની સંભાવના વધુ હોય છે.
૧૦ વર્ષની વય પહેલાં માસિક શરૂ થયું હોય અથવા ૫૦ વર્ષ પછી પણ લાંબો સમય માસિક ચાલુ રહ્યું હોય તો જોખમ વધી જાય.
ત્રીસ વર્ષની ઉંમર બાદ પ્રથમ સંતાનને જન્મ આપનારી મહિલાઓમાં સ્તન કૅન્સરનું જોખમ રહે છે. સ્તનપાન ન કરાવ્યું હોય એવી માતાઓને પણ સ્તન કૅન્સર થવાની સંભાવના રહેલી છે.
સામાન્ય કરતાં ચાળીસ ટકા વધારે વજન ધરાવતી મહિલાઓને બ્રેસ્ટ-કૅન્સર થઈ શકે છે.
જિનેટિક કારણોસર નાની વયમાં કૅન્સરનું જોખમ ૯૫ ટકા જેટલું હાઈ છે. આ ઉંમરે થતું કૅન્સર અગ્રેસિવ હોવાથી કીમોથેરપી કામ લાગતી નથી. તેમની પાસે સર્જરી એકમાત્ર ઑપ્શન હોય છે. જ્યારે ૫૦ વર્ષ પછી દર વધતી ઉંમરમાં તમામ મહિલા આ શ્રેણીમાં આવી જાય છે.



દર મહિને સેલ્ફ-એક્ઝામિનેશન કરવામાં આળસ બિલકુલ ન કરવી. ઘણી મહિલાઓ બે-ત્રણ મહિના ચકાસણી કર્યા બાદ છ મહિના ધ્યાન નથી આપતી. આમ કરવાથી ઘણી વાર મોડું થઈ જાય છે. વધુ માહિતી આપતાં ડૉ. અતુલ કહે છે, ‘ચાલીસ વર્ષની ઉંમર સુધી દર મહિને સેલ્ફ-સ્ક્રીનિંગ કરવું જોઈએ. ત્યાર બાદ ક્લિનિકલ ચેકઅપ ફૉલો કરવું જોઈએ. જોકે આપણે જેમ વર્ષમાં એક વાર રેગ્યુલર બૉડી ચેકઅપ કરાવીએ છીએ એવી રીતે કોઈ પણ ઉંમરની મહિલા સ્તનની સામાન્ય તપાસ કરાવતી થાય એ બેસ્ટ કહેવાય. ૪૦ પછી ગમે ત્યારે મેનોપૉઝનો તબક્કો આવે છે તેથી વર્ષમાં એક વાર કિલનિકલ એક્ઝામિનેશન આવશ્યક છે. અહીં એક વાત યાદ રાખવી, બ્રેસ્ટ- કૅન્સરની અનુવંશિક બીમારી ધરાવતી મહિલાઓએ નાની વયથી જ ક્લિનિકલ ટેસ્ટને ફૉલો કરવી. ગયા વર્ષે મારી પાસે ૨૩ વર્ષની યુવતીનો કેસ આવ્યો હતો. નાની વયે બ્રેસ્ટ-કૅન્સરનું મુખ્ય કારણ જિનેટિક જ હોય છે. ત્યાર બાદ લાઇફસ્ટાઇલ, વ્યસન અને ઓબેસિટી જેવાં કારણો આવે છે. જુદી-જુદી અત્યાધુનિક પદ્ધતિથી બ્રેસ્ટ-કૅન્સરનું નિદાન શક્ય છે. સ્તન કૅન્સર સામેની લડતમાં મેમોગ્રાફીને સૌથી અસરકારક અને આધુનિક નિદાન પદ્ધતિ માનવામાં આવે છે. મશીન દ્વારા સ્તનના એક્સ-રે પાડવામાં થોડી જ સેકન્ડ લાગે છે અને દુખાવો થતો નથી. આ ઉપરાંત ફાઇન નીડલ એસ્પરેશન સાઇટોલૉજી ટેસ્ટ પણ થાય છે. આ પદ્ધતિમાં સ્તનની ગાંઠમાં સોયની મદદથી સંભવિત કૅન્સરના કોષોને બહાર કાઢી માઇક્રોસ્કોપ વડે ચકાસણી કરી નિદાન કરી શકાય છે. આ ટેસ્ટ કરાવતી વખતે ઇન્જેક્શન લેવા જેટલો દુખાવો થાય છે. જોકે હવે મોટા ભાગના ડૉક્ટરો આ પદ્ધતિને અનુસરવાની ભલામણ કરતાં નથી. મેમોગ્રામમાં શંકા જાય તો બાયોપ્સી કરવી પડે. આ પદ્ધતિમાં ઑપરેશનની મદદથી ગાંઠને બહાર કાઢી લૅબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલ્યા બાદ ગાંઠ કૅન્સરની છે કે નહીં એનું નિદાન થાય છે. સ્તન કૅન્સર એવો રોગ છે જેમાં સ્તનની માંસપેશીઓમાં કૅન્સરગ્રસ્ત કોષો મળી આવે છે. જો જલદી નિદાન થાય અને સારવાર શરૂ કરી દેવામાં આવે તો આ કૅન્સર સંપૂર્ણપણે મટી શકે છે.’

ડૉ. અતુલ નારાયણકર

Whatsapp-channel Whatsapp-channel

13 October, 2020 03:20 PM IST | Mumbai | Varsha Chitalia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK