Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > હેલ્થ ટિપ્સ > આર્ટિકલ્સ > બાળક થવા માટે યોગ તથા મેડિટેશન એમાં ચોક્કસ રિઝલ્ટ આપે છે

બાળક થવા માટે યોગ તથા મેડિટેશન એમાં ચોક્કસ રિઝલ્ટ આપે છે

01 August, 2019 01:53 PM IST | મુંબઈ
રૂચિતા શાહ

બાળક થવા માટે યોગ તથા મેડિટેશન એમાં ચોક્કસ રિઝલ્ટ આપે છે

યોગા

યોગા


લાઇફ-સ્ટાઇલમાં બદલાવ લાવીને યોગ અને થોડીક આયુર્વેદિક સારવાર દ્વારા લગ્નનાં ૧૫-૨૦ વર્ષે બાળક થયાના રેકૉર્ડ્સ નિષ્ણાતો પાસે છે. અનેક વૈજ્ઞાનિક રિસર્ચો પણ ઇન્ફર્ટિલિટીથી લઈને પ્રેગ્નન્સીના દિવસો સુખરૂપ પાર પાડવામાં યોગ્ય રીતે થતી યોગિક ક્રિયાઓનાં વખાણ કરે છે. ત્યારે નિષ્ણાત પાસેથી જાણીએ કે કઈ રીતે યોગ સંતાનઇચ્છુક દંપતીને મદદરૂપ નીવડી શકે છે.

યુએનના રિપોર્ટ પ્રમાણે ૨૦૨૭ સુધીમાં ભારતની વસ્તી ચીનની વસ્તીને પાર કરી ગઈ હશે. ૨૦૫૦ સુધીમાં ભારતની જનસંખ્યા લગભગ ૧.૬૪ અબજ હશે. એક તરફ વસ્તીવધારાના આવા આકાશને આંબતા આંકડા આવી રહ્યા છે તો બીજી બાજુ ઇન્ફર્ટિલિટીનો પ્રશ્ન પણ આખા વિશ્વમાં સૌથી વધુ ભારતમાં ગંભીર રૂપ લઈ રહ્યો છે. આપણે ત્યાં લગભગ ત્રણ કરોડથી વધારે કપલ બાળક નહીં થવાની સમસ્યાથી પીડિત છે. ભારતનાં શહેરોમાં રહેતાં કપલ વાંઝિયાપણાની સમસ્યાથી વધુ પીડાય છે. દર છમાંથી એક કપલને બાળક માટે કોઈ ને કોઈ સારવારનો સહારો લેવો પડી રહ્યો છે. દર ત્રણમાંથી એક કપલને છ મહિનાથી વધુ સમય કન્સીવ કરવામાં લાગી રહ્યો છે. શહેરીકરણ, વ્યસન, મોટાપો, બેઠાડુ જીવન, માનસિક તાણ અને ખાણીપીણીની આદતોમાં આવેલો બદલાવ આ બધાં કારણો ઇન્ફર્ટિલિટી માટે પણ જવાબદાર ગણવામાં આવી રહ્યાં છે અને મેડિકલ સારવાર પણ જ્યાં સુધી જીવનશૈલીમાં ઉચિત ફેરફાર ન થાય ત્યાં સુધી કોઈ પરિણામ આપતી નથી. એટલે જ યોગ અને યોગની વિવિધ ક્રિયાઓ ઉપયોગી છે. વરલીમાં આવેલી સરકારી હૉસ્પિટલમાં આયુર્વેદ, યોગ, કાઉન્સેલિંગ અને મેડિટેશન ટેક્નિક દ્વારા ઇન્ફર્ટિલિટીના હજારો દરદીઓનો ઇલાજ કરનારા ડૉ. સુભાષ માર્લેવાર પાસેથી જાણીએ કે શું કામ યોગ ઇન્ફિર્ટિલિટીમાં રામબાણ ઇલાજ બની શકે છે અને પ્રેગ્નન્સી દરમ્યાન કેવી રીતે વિવિધ યોગ પ્રૅક્ટિસ મદદ કરે છે.



પહેલાં કઈ રીતે ઉપયોગી?


આજે લોકોની લાઇફ-સ્ટાઇલ એટલી ઝડપી થઈ ગઈ છે કે તેમની પાસે પોતાની જાત માટે પણ સમય નથી. ઇન્ફર્ટિલિટી એટલે અનેક પ્રયાસો પછી પણ બાળક ન રહેવું, કન્સીવ ન થવું. માતા અને પિતાની બાયોલૉજિકલ કન્ડિશન ઉપરાંત લાઇફ-સ્ટાઇલ અને ઉંમર પણ એના માટે જવાબદાર હોઈ શકે છે. બીજું સૌથી મોટું કારણ છે સ્ટ્રેસ. ખાસ કરીને મહિલાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધારે હોય ત્યારે ગર્ભ ધારણ કરવાની તેની ક્ષમતાને અસર પહોંચે છે. અમેરિકન જર્નલ ઑફ એપિડીમિઓલૉજીમાં છપાયેલો એક અભ્યાસ કહે છે કે સ્ટ્રેસ મહિલાઓને વધુ અસર કરે છે જે તેમની મેન્સ્ટ્રુઅલ સાઇકલથી લઈને ઓવ્યુલેશન પિરિયડને પણ અફેક્ટ કરે છે. યોગિક ક્રિયાઓ અહીં જ પિક્ચરમાં આવે છે. યોગનો મન સાથે ખૂબ ઊંડો સબંધ છે. તમે જ્યારે પ્રાણાયામ અને ધ્યાન કરો છો ત્યારે તમે તમારા મન પર કામ કરો છે. માનસિક રીતે તમે શાંત બનતા જાઓ અને તમારું કૉન્સન્ટ્રેશન વધે એટલે સ્વાભાવિક રીતે એની અસર તમારી સંપૂર્ણ જીવનચર્યા પર પડે.

મને યાદ છે એક પેશન્ટ મારી પાસે આવેલા. હસબન્ડ મહારાષ્ટ્ર શાસનમાં ઉપરી અધિકારીના દરજ્જા પર હતા. લગ્નનાં લગભગ પંદર વર્ષ થઈ ગયાં હતાં અને સારામાં સારી હૉસ્પિટલમાં તેમની સારવાર થઈ હોવા છતાં તેમને બાળક નહોતું રહેતું. મારી પાસે આવ્યા. થોડુંક કાઉન્સેલિંગ કર્યું અને તેમની જીવનશૈલી જાણી. રોજનો માત્ર ત્રણ મિનિટ ઓમકારનો મોટેથી જપ કરવાની સલાહ આપી. વાઇફને એક બસ્તી આપી. અને ૧૫ દિવસ માટે બધું જ કામ મૂકીને મહાબલેશ્વર રહેવા જવાનું કહી દીધું. મુંબઈનાં બધાં કામ છોડીને પંદર દિવસ માત્ર એકબીજા સાથે રહો. બે મહિના પછી રિપોર્ટ લઈને આવ્યા તેમની પ્રેગનન્સીના. આજે તેમનું બાળક આઠ વર્ષનું છે. આવા અઢળક કિસ્સાઓ છે. જ્યારે અંદરની હાર્મની ખોરવાય ત્યારે હૉર્મોન્સમાં પણ અસંતુલન ઊભું થાય. આજે મૅરિટલ હાર્મનીની સૌથી વધારે જરૂર છે. એકબીજા સાથે રહો, એકબીજાને સમય આપો. યોગ, અધ્યાત્મ તમારામાં એ હકારાત્મકતા લાવે, તમને શાંત પાડે. તમારી દોડમાં બ્રેક મારીને તમને જીવવા માટે પ્રેરે અને એટલે જ એ મદદ કરે. વેરી સિમ્પલ. એટલે દરેકે દરેક જણે થોડાંક આસનો, પ્રાણાયામ, ઓમકારનો જાપ, પોતાનાં ધર્મશાસ્ત્રોનું વાંચન વગેરે કરતા રહેવું જોઈએ.


પ્રેગ્નન્સી દરમ્યાન પણ ઉપયોગી

યોગનાં આસનો અને પ્રાણાયામ તમારી જાગૃતિને પ્રબળ કરે છે. તમે તમારી જાત સાથે કનેક્ટ થાઓ છો. માતા બનનારી સ્ત્રી માટે એ ખૂબ જરૂરી છે. તમે તમારા શરીર સાથે, તમારી અંદર રહેલા તમારા આવનારા બાળક સાથે એક સંપર્ક સાધો અને તેની સાથે સતત સંવાદિત રહો એ માટે યોગ સાઇકોલૉજિકલ ભૂમિકા ઊભી કરે છે. તો બીજી બાજુ, પ્રાણાયામ અને આસનો દ્વારા શરીરનું રક્તપરિભ્રણ સુધરે છે. પ્રજનન તંત્રના અવયવોમાં આસનો દ્વારા આપવામાં આવતું સ્નાયુઓનું ખેંચાણ એની ક્ષમતા વધારે છે. ખેંચાણ અને આંકુચન દ્વારા જે-તે અવયવોની કાર્યક્ષમતા સુધરે છે. હું કહીશ કે અન્ય કસરતમાં ઝડપ અને વજનનો ઉપયોગ થતો હોવાને કારણે ગર્ભપાતની સંભાવના છે, પરંતુ યોગ આસનો જો યોગ્ય શિક્ષકની દેખરેખ અને તમારી ક્ષમતાને ધ્યાનમાં રાખીને થાય તો તમારા પ્રજનન તંત્રને બળ પૂરું પાડે છે. પ્રસૂતિની પીડા પણ શરૂઆતથી જ કરેલાં આસનો અને પ્રાણાયામથી ઓછી થઈ જાય છે અથવા તો એને ખમવાની કૅપેસિટી વધી જાય છે. ગર્ભધારણ પહેલાં જો સર્વાંગાસન, હલાસન જેવાં આસનોની નિયમિત પ્રૅક્ટિસ કરો, ઉજ્જયી પ્રાણાયામ કરો તો તમારી થાઇરૉઇડ ગ્રંથિ વધુ સક્રિય બને છે. જો થાઇરૉઇડનો સ્ત્રાવ પૂરતો ન હોય તો ગર્ભપાત થવાની શક્યતા વધે છે. પહેલેથી જ આ આસનો કર્યાં હોય તો એ સંભાવના પર પણ રોક લગાવી શકાય એમ છે. તમારી કરોડરજ્જુ લચીલી બનવાથી બૅકપેઇન, લોઅર બૅકપેઇન જેવી સામાન્ય રીતે પ્રેગ્નન્સી દરમ્યાન દેખાતી સમસ્યાઓને ટાળી શકાય છે.

શું કરવું?

પ્રેગ્નન્સી પહેલાંથી લઈને પ્રેગ્નન્સીના છેલ્લા મહિના સુધી કરી શકાય એવાં આસનો છે અને એ કરવાં જ જોઈએ. પદ્માસન, વજ્રાસન, સુપ્તબદ્ધકોણાસન, બદ્ધકોણાસન, ગોમુખાસન, પર્વતાસન, મલાસન જેવાં આસનો કરી શકાય. હાથ-પગના જૉઇન્ટ્સમાં લચીલાપણું લાવતા સૂક્ષ્મ વ્યાયામ પણ કરી શકાય. નાડીશુદ્ધિ પ્રાણાયામ, પ્રણવ પ્રાણાયામ, ધીમેથી થોડીક માત્રામાં કપાલભાતી, ભ્રામરી પ્રાણાયામ, ઉજ્જયી પ્રાણાયામ વગેરે કરી શકાય. તમારા ગર્ભસ્થાને હાથથી ગર્ભની અંદર રહેલા બાળકને વહાલ કરો, તેની સાથે વાત કરો, ધાર્મિક સંસ્કૃત શ્લોકનું પઠન કરો. આ બધાની જ તમારી પ્રેગ્નન્સી પર અને તમારા આવનારા બાળક પર ખૂબ સારી અસર પડે છે.

આટલું ધ્યાન રાખવું

પ્રેગ્નન્સીમાં યોગ કરતી વખતે તમારી ક્ષમતા અને તમારી શારીરિક કન્ડિશન પર પહેલાં ધ્યાન આપવું. ઓવર સ્ટ્રેચિંગ ન કરવું. પોતાની ક્ષમતાની બહાર શ્વાસ રોકી ન રાખવો. થાક લાગે એ સ્તર પર આસનો ન કરવાં. હૉર્મોન્સમાં આવતા ઉતારચડાવને કારણે સ્નાયુઓ નબળા પડતા હોય છે, તેથી કયાં આસનો કરો છો અને કેવી રીતે કરો છો એના તરફ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. પશ્ચિમોત્તાનાસન, પાદાંગુષ્ટાસન જેવાં આસનો જેમાં પેટનું વધુપડતું સંકુચન થાય છે એ ટાળવાં. આસનો કરતી વખતે વચ્ચે-વચ્ચે રિલૅક્સ પણ થવું. પેટ પર સૂઈને આસનો ન કરવાં. બધાં જ આસનો કરવાનો મોહ પ્રેગ્નન્સી દરમ્યાન તો ટાળવો અને જાતને વધુપડતી તકલીફ ન આપવી. સંતુલનને લગતાં કોઈ પણ આસનો કરતા હો તો તમને જરૂર લાગે કે ન લાગે, પણ દીવાલનો સપોર્ટ અચૂક લેવો. આસનોની જેમ ધ્યાન અને પ્રાણાયામની જોરદાર અસર હોય છે એ ભૂલવું નહીં.

આ પણ વાંચો : ફર્સ્ટ-એઇડ બૉક્સ તમારા ઘરમાં છેને?

ગર્ભસંસ્કાર વિશે સભાન છો?

આપણે એક નાનકડી વસ્તુ લેવા જઈએ તો પણ એની સાથે સંકળાયેલા હજાર સવાલ દુકાનદારને પૂછીએ છીએ, પરંતુ એક જીવને આ ધરતી પર તમારા બાળકરૂપે જન્મ આપવાનું કોઈ પ્લાનિંગ નથી કરતા. સારી પ્રજાથી સમાજની રચના થાય એ માટે સુપ્રજા નામની સંસ્થા દ્વારા લોકોને નિઃશુલ્ક માર્ગદર્શન આપતા ગાયનેકોલૉજી નિષ્ણાત ડૉ. સુભાષ માર્લેવાર કહે છે, ‘આયુર્વેદમાં ચરક ઋષિએ ગર્ભાધાન પહેલાં આવનારા બાળકની ગુણવત્તા સારી હોય એના પર ખૂબ ભાર મૂક્યો છે, કારણ કે આવનારું બાળક આવનારા સમાજનું પ્રતિનિધિત્વ કરે છે. બાળક તંદુરસ્ત હોય, સાત્ત્વિક વિચારનું હોય, રાષ્ટ્રપ્રેમી હોય, પરિવાર માટે લાગણી ધરાવનારું હોય, બળવાન હોય, નીડર હોય, બુદ્ધિશાળી હોય આવી બધાં જ મા-બાપની ઝંખના હોય છે; પરંતુ આવું થાય એ માટે તેઓ પોતે શું કરે છે? ગર્ભધારણ પહેલાં જ તમારા આવનારા બાળક માટે જે બીજ નિમિત્ત બનવાનું છે એ હેલ્ધી હોય એની પૂરતી ચોકસાઈ રાખવામાં આવે અને પ્રેગ્નન્સી દરમ્યાન પૂરતી ચોકસાઈ રાખવામાં આવે તો મિરૅક્યુલસ પરિણામ આવી શકે છે.’

Whatsapp-channel Whatsapp-channel

01 August, 2019 01:53 PM IST | મુંબઈ | રૂચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK