તેરે બિના ઝિંદગી ભી લેકિન ઝિંદગી તો નહીં

Published: Jun 04, 2020, 20:16 IST | Ruchita Shah | Mumbai

કેટલાંક એવાં કપલ સાથે વાત કરી જેમનાં વેવિશાળ થઈ ગયાં છે અને નજીકમાં ભવિષ્યમાં લગ્નગ્રંથિથી જોડાવાનાં છે પણ અત્યારે એક દુજે બિન દિવસો પસાર કરી રહ્યાં છે.

મુંબઈના કેટલાંક થનારાં હસબન્ડ-વાઇફ પાસેથી કે લૉકડાઉનને કારણે તેમના જીવનનો ગોલ્ડન પિરિયડ કેવી રીતે પસાર થઈ રહ્યો છે.
મુંબઈના કેટલાંક થનારાં હસબન્ડ-વાઇફ પાસેથી કે લૉકડાઉનને કારણે તેમના જીવનનો ગોલ્ડન પિરિયડ કેવી રીતે પસાર થઈ રહ્યો છે.

આયહાય, આ ગીતના શબ્દોએ તમને તમારો કોર્ટશિપ પિરિયડ અથવા પ્રિયજન સાથેના શરૂઆતના દિવસોને યાદ કરાવી દીધા હશે. જોકે તમારાં નસીબ સારાં હતાં કે એ દિવસોમાં લૉકડાઉન નહોતું આવ્યું. પૂછો એ વુડ બી કપલ્સને જેમના જીવનના આ ગોલ્ડન દિવસોનો લૉકડાઉને કચ્ચરઘાણ બોલાવી દીધો છે. અમે કેટલાંક એવાં કપલ સાથે વાત કરી જેમનાં વેવિશાળ થઈ ગયાં છે અને નજીકમાં ભવિષ્યમાં લગ્નગ્રંથિથી જોડાવાનાં છે પણ અત્યારે એક દુજે બિન દિવસો પસાર કરી રહ્યાં છે.

એ વાત તો તમે સો ટકા માનશો કે આજથી પાંચેક વર્ષ પહેલાં સુધી તો સગાઈ અને લગ્ન વચ્ચેનો ગાળો એટલે આખા જીવનનો સુવર્ણકાળ ગણાતો હતો. દુનિયાભરનું ગાંડપણ લોકો એ ગાળામાં પ્રેમવશ થઈને હોંશે-હોંશે કરતા હતા. એવા અઢળક કિસ્સાઓ તમારા ધ્યાનમાં પણ આવ્યા હશે જેમાં લોકોની એ દિવસોમાં એકબીજાની ઉત્કંઠાએ અનેક ગોટાળાઓ પણ કરાવ્યા હોય. વેલ, ભલે સોશ્યલ મીડિયા આવ્યું હોય, પણ આજની પેઢી માટે પણ પોતાનો કોર્ટશિપ પિરિયડ એટલો જ રોમાંચિત કરનારો છે. પણ બળ્યું આ લૉકડાઉન આવ્યું અને મજાનો એ પિરિયડ સજાનો બની ગયો. જાણીએ મુંબઈના કેટલાંક થનારાં હસબન્ડ-વાઇફ પાસેથી કે લૉકડાઉનને કારણે તેમના જીવનનો ગોલ્ડન પિરિયડ કેવી રીતે પસાર થઈ રહ્યો છે.

માત્ર ગોળધાણા ખાધા, સગાઈ અને લગ્ન બન્ને લંબાઈ ગયાં બોલો
બોરીવલીમાં રહેતી માનસી પારેખ પંદર માર્ચે જ્યારે તેના ચર્ની રોડમાં રહેતા ફિયાન્સે મનન મથુરિયાને મળી ત્યારે તેમણે આવતા અઠવાડિયાથી ડાન્સની પ્રૅક્ટિસ શરૂ કરીશું એવું પ્લાનિંગ કર્યું હતું. મે મહિનામાં તેમની સગાઈ થવાની હતી. વધુમાં વધુ કોર્ટશિપ પિરિયડ મળે એટલે તેમણે સગાઈ અને લગ્ન વચ્ચે એક વર્ષનો સમયગાળો રાખ્યો હતો. માનસી કહે છે, ‘ગોળધાણા પછી અમે બન્ને પોતપોતાના કામમાં બિઝી હતાં અને પછી સગાઈનું શૉપિંગ ચાલુ થયું. સગાઈ મે મહિનામાં હતી અને ગ્રૅન્ડ લેવલ પર થવાની હતી. એટલે એકાદ મહિનો શૉપિંગમાં ગયો. અમે બધું ફટાફટ પતાવી રહ્યાં હતાં જેથી એકબીજા માટે સમય વધારે મળે. જોકે ધાર્યું હતું એના કરતાં બધી ગરબડ થઈ ગઈ. હવે તો એન્ગેજમેન્ટનો અલગ પ્રોગ્રામ થશે કે નહીં એનું કંઈ નક્કી નથી. પંદર માર્ચ પછી એકબીજાને મળ્યાં નથી. વિડિયો કૉલ પર જિંદગી ચાલે છે. હવે લગ્ન પણ સાદગીથી થશે જેનો અમને આનંદ છે. મનનના બિલ્ડિંગમાં જ એક કોવિડ પૉઝિટિવ કેસ આવેલો એટલે તેનાથી તો બિલકુલ બહાર નીકળી શકે એમ નથી. તેનો બર્થ-ડે હતો તો મેં ઘરે જાતે કેક બનાવી અને પોતે જ ખાઈ લીધી. હા, એકબીજાને બહુ મિસ કરીએ છીએ, પણ હવે શું થાય? હવે થોડાક દિવસમાં મહારાષ્ટ્રમાં પણ બધું ખૂલશે એની રાહ જોઉં છું.’

મળીશું ત્યારે તેને શું ગિફ્ટ આપવાની એની તૈયારી કરી લીધી છે અક્ષિત છેડાએ
અંધેરીમાં રહેતા અક્ષિત છેડા અને ‍સિલવાસામાં રહેતી કોમલ જૈનનાં આમ તો લવ મૅરેજ છે, પણ પરિવારને મનાવ્યા પછી લગ્ન માટે બધાને તૈયાર કરીને પંદર જાન્યુઆરીએ સગાઈ થઈ ત્યારે ઑફિશ્યલી તેમનો સાથેનો ગોલ્ડન પિરિયડ શરૂ થયો હતો. હજી તો એ સમયને તેઓ એન્જૉય જ કરી રહ્યાં હતાં ત્યાં આ લૉકડાઉન આવી ગયું. અક્ષિત કહે છે, ‘છેલ્લે અમે પહેલી માર્ચે મળ્યાં હતાં. હવે તો ત્રણ મહિનાથી ઉપરનો સમય થઈ ગયો છે. સાથે ભણતાં હતાં એટલે એકબીજાને ઓળખતાં હતાં. જૂનમાં મૅરેજ હતાં એ તો પોસ્ટપોન થઈ ગયાં છે. અત્યારે તે સિલવાસામાં ફૅમિલી સાથે છે. તે તો સીએનું ભણે છે એટલે તેનો તો સમય નીકળી જાય છે, પરંતુ હું અત્યારે તદ્દન ફ્રી છું એવા સમયે મિસિંગની ઇન્ટેન્સિટી વધી જતી હોય છે. હમણાં મારા ઇન-લૉઝની ઍનિવર્સરી ગઈ ત્યારે મને બહુ થયું હતું કે આ બહાને જઈ આવું, પણ પછી સેફ્ટીને પ્રાધાન્ય આપીને તે પોતે જ ના પાડે છે. હમણાં તો મેં તેના માટે એક મેમરી ડાયરી બનાવી છે. અમારા ખાસ દિવસો અને યાદગાર મોમેન્ટ્સને ક્રીએટિવલી બનાવીને, એમાં ફોટો સ્ટિક કરીને તૈયાર છે. મળીશું ત્યારે હું તેને એ સરપ્રાઇઝ આપવાનો છું.’

વીસ માર્ચે સગાઈ થઈ અને પછી આવી ગયું લૉકડાઉન
નાશિકમાં રહેતી દિશા ભિંડે અને મુલુંડમાં રહેતા દીપક ભિંડે માટે લૉકડાઉન ખરેખર લંબી જુદાઈ સાબિત થયું છે. દીપક કહે છે, ‘૧૮ મેનાં અમારાં લગ્ન હતાં એટલે એપ્રિલ મહિનામાં અમે પૂરી રીતે એન્જૉય કરવાનું પ્લાનિંગ કર્યું હતું. અરેન્જ્ડ મૅરેજ છે અને અત્યાર સુધી માત્ર ત્રણ જ વાર મળ્યાં હતાં. જોકે લૉકડાઉનમાં અમારું અલગ જ બૉન્ડિંગ થયું છે. હકીકતમાં આ બહુ જ રેર તક છે. ભાગ્યે જ કોઈ કપલ સાથે આવું થાય કે સગાઈ થાય અને તરત જ તમારે ત્રણ મહિના હવે નથી મળવાનું એવો માહોલ બની જાય. અત્યારે સતત મેસેજ, ફોન, વિડિયો કૉલ અને ચૅટિંગથી અમે સંપર્કમાં છીએ. એકબીજાની ફીલિંગ્સને જતાવતાં સ્કેચ અને ગીતો મોકલીએ છીએ. મળ્યા વિના પણ સંબંધને સ્ટ્રૉન્ગ બનાવી શકાય એ અમને સમજાઈ ગયું છે. એક જ સમયે એક ફિલ્મ જોઈએ અને ચૅટિંગથી સંપર્કમાં રહીએ. અફકોર્સ મળવાનું બહુ મન થાય છે, પણ સાથે એ પણ ખબર છે કે હવે જેવું લૉકડાઉન ખૂલશે એ સમયે અમારી મળવાની મજા દસગણી વધી ગઈ હશે. અત્યારે તો લૉકડાઉન ખૂલવાની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છીએ.’

એકબીજા માટે લાગણીઓના તંતુ જોડાયા હતા ને લૉકડાઉન નામનો વિલન આવી ગયો
દાદરમાં રહેતા નિમેશ રાઠોડ અને બોરીવલીમાં રહેતી લવિશા સોનીગરાનાં હાર્ડકોર અરેન્જ્ડ મૅરેજ થવાનાં છે. એકવીસ ફેબ્રુઆરીએ તેમની સગાઈ થઈ. દસ માર્ચે તેઓ છેલ્લી વાર મળ્યાં. નિમેશ કહે છે, ‘એકબીજાને બિલકુલ ઓળખતી ન હોય એવી બે વ્યક્તિઓ માટે તેમનો સગાઈનો પિરિયડ બહુ જ ખાસ હોય છે. સગાઈ પછી અમે લગભગ ચાર વાર મળ્યાં હતાં. છેલ્લે દસ માર્ચે મળ્યાં ત્યારે અમારી વચ્ચે એક બૉન્ડ બનવાનું શરૂ થયું હતું. અત્યારે રોજના છથી સાત કલાક અમે ફોન પર વાત કરીએ છીએ. દરેક વખતે અમારી એ છેલ્લી મુલાકાત યાદ કરીએ છીએ. એમ કહીશ કે લૉકડાઉનમાં પર્સનલી નહીં મળ્યા પછી પણ અમારા વચ્ચે એકબીજાને જાણવાની પ્રોસેસ નથી અટકી. મળવા મળતું હોત તો વધુ મજા આવતી હોત. દાદર અને બોરીવલી વચ્ચેનું અંતર એટલું લાંબું લાગે છે કે ન પૂછો વાત. મને એક-બે વાર થયું કે પરમિટ મેળવીને બોરીવલી જઈ આવું પણ તે જ ના પાડે છે. આમ પણ ખોટું રિસ્ક લેવાનું યોગ્ય નથી. જોકે હવે ઝડપથી મળી શકીશું એવી આશા છે.’

ઘાટકોપર અને મુલુંડ આટલાં દૂર છે એવું ક્યારેય નહોતું લાગ્યું

જનરલી જેના ઘરે પહોંચવામાં વીસ મિનિટ લાગે તેને તમે અઢી મહિના સુધી ન મળી શકો તો કેવો ગુસ્સો આવે? હેતલ મારુ અને ચિંતન ગોગરીના મનમાં પણ ઊંડે-ઊંડે આ અકળામણ છે. જોકે આ અકળામણમાં એક સારી બાબત તેમને એમ લાગે છે કે શૉર્ટ ડિસ્ટન્સમાં જ તેમને લૉન્ગ ડિસ્ટન્સ રિલેશનશિપ જેવો અનુભવ મળી ગયો છે. હેતલ કહે છે, ‘અમારી સગાઈને પાંચ મહિના થયા અને મેમાં લગ્ન હતાં. લગ્ન તો પોસ્ટપોન થઈ ગયાં અને સગાઈનો પિરિયડ પણ મિસ થઈ ગયો. એકબીજાને મિસ કરીએ છીએ. મળવાનું મન પણ થાય પરંતુ શું થાય? જનરલી અમે અઠવાડિયામાં ત્રણથી ચાર વાર તો મળતાં જ હતાં અને અઢી મહિનામાં એક પણ વાર નથી મળ્યા. એકવીસ દિવસવાળા લૉકડાઉનની પહેલી તારીખ જાહેર થઈ ત્યારે અમે એ પૂરું થવાની રાહ જોતા હતાં, પણ આ તો લંબાતું જ ગયું.’
અહીં ચિંતન કહે છે, ‘અત્યાર સુધી નહીં મળવાને કારણે એકબીજાનું મહત્ત્વ વધી ગયું. વીસ મિનિટમાં બાઇક લઈને પહોંચી શકાય એવું હોય છતાં તમે ઘરે જ રહો અને જાતને રોકી રાખો એમાં તમારા વચ્ચેના બૉન્ડિંગમાં વધારો થાય છે એ અનુભવ આ લૉકડાઉને કરાવ્યો છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK