લૉકડાઉનમાં ઘણા લોકોમાં જોવા મળી રહેલી ઍસિડીટી, ગૅસ કે કબજિયાતની સમસ્યામાં યોગ કેવી રીતે હેલ્પ કરશે?

Published: May 14, 2020, 15:11 IST | Ruchita Shah | Mumbai

બેઠાડુ જીવન, બદલાયેલી જીવનશૈલી અને ચટપટા ભોજનના અતિરેકમાં પાચનને લગતી સમસ્યાઓ વકરી છે ત્યારે પેટના સ્નાયુઓને સક્રિય કરે, પેટમાં રહેલા વાઇટલ ઑર્ગન તરફ રક્તપરિભ્રમણ વધારે અને ઓવરઑલ ડાઇજેશન સુધારે એવી યોગિક પ્રૅક્ટિસ વિશે વાત કરીએ

પ્રાણાયામ
પ્રાણાયામ

બની શકે કે લૉકડાઉને તમારી જીવનશૈલી પણ બગાડી નાખી હોય. સતત લોકોને કહેવામાં આવી રહ્યું છે કે અત્યારે કોરોના સામે લડવાનો એક જ ઇલાજ છે કે સોશ્યલ ડિસ્ટન્સિંગ જાળવો અને પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારો. જોકે રોગપ્રતિકારક શક્તિ માત્ર ઉકાળા પીવાથી નહીં વધે, તમારી ઓવરઑલ જીવનશૈલીથી એ નક્કી થશે. રાતે મોડે સુધી જાગીને ઑનલાઇન પોર્ટલ પર ફિલ્મો કે વેબસિરીઝ જોવી, સવારે મોડા ઊઠવું, લંચના સમયે બ્રેકફાસ્ટ કરવો, મોડું લંચ અને મોડું ડિનર કરવું, ખાવામાં પણ બધી જ નવી-નવી આઇટમો બનાવીને બોરડમને ભગાવવાના પ્રયત્નો કરવા જેમાં વધુ ને વધુ પ્રિઝર્વેટિવ, આર્ટિફિશ્યલી પ્રોસેસ્ડ ફૂડનો ઉપયોગ કરવાનો અને સ્વાદને સંતોષવાનો. બહાર નીકળવાનું નથી, ફિઝિકલ ઍક્ટિવિટી કરવાની નથી. કદાચ બે-પાંચ દિવસની રજા સમજીને લૉકડાઉનના સમયને આ રીતે વ્યતીત કર્યો હોત તો વાંધો નહોતો, પરંતુ આ સમયગાળો લાંબો છે. ઑલમોસ્ટ બે મહિના પૂરા થવા આવ્યા અને હજી લૉકડાઉન ઊઠ્યા પછી પણ લાંબા સમય સુધી આપણે અમુક નિયમોનું તો પાલન કરતા જ રહેવાનું છે ત્યારે તમારી આ જીવનશૈલી નહીં ચાલે. મોટા ભાગે પેટની હેલ્થ તમારી ઓવરઑલ હેલ્થના દર્પણનું કામ કરે. પેટ સારું હોય, પાચનતંત્ર મજબૂત હોય તો શરીરનાં અન્ય તંત્રોમાં જલદીથી ગરબડ થતી નથી. એનાથી ઊંધું પેટમાં બગાડ શરૂ થયો એટલે એની અસર ધીમે-ધીમે આખા શરીર પર પડે છે. જીવનશૈલીની અને સ્ટ્રેસની પેટની હેલ્થ પર સૌથી પહેલી અસર પડે છે. ખાવાપીવાની આદતોની પેટ પર અસર પડે છે. લૉકડાઉનમાં તમારી સ્ટમક હેલ્થને જાળવી રાખવા શું કરી શકાય એ વિશે પદ્મશ્રી સદાશિવ નિમ્બાલકરે સ્થાપેલી યોગ વિદ્યાનિકેત નામની સંસ્થાના વાઇસ પ્રેસિડન્ટ અને છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી યોગ સાથે સંકળાયેલા દુર્ગાદાસ સાવંત સાથે આ વિષય પર વાત કરીએ. 

બેઝિક સમજીએ


આર્યુવેદની દૃષ્ટિએ આપણી હેલ્થ ત્રણ બાબતો પર નિર્ભર કરે છે એમ જણાવીને દુર્ગાદાસ સાવંત કહે છે, ‘આહાર, વિહાર અને વિશ્રામ. યોગ ત્રણેય પાસાંઓ પર ઝીણવટપૂર્વક કામ કરે છે. પેટની હેલ્થ માટે પણ આ ત્રણ બાબતો જરૂરી છે. તમારા ખોરાકમાં કાચી શાકભાજી અને ફળોનું પ્રમાણ ૩૦થી ૪૦ ટકા તો ઓછામાં ઓછું હોવું જ જોઈએ. ઘઉંનો વધુપડતો ખોરાક, આથાવાળા ખોરાકનો અતિરેક, પચવામાં ભારે કહેવાય એવાં કઠોળ, પ્રોસેસ્ડ અને પૅકેજ્ડ ફૂડ જેવા પદાર્થો લોકો અત્યારે વધુ ખાઈ રહ્યા છે. યોગ અને આયુર્વેદ બન્નેમાં સાત્ત્વિક આહારનું મહત્ત્વ દર્શાવ્યું છે. ફ્રેશ રાંધેલો, ઓછો મસાલેદાર અને સાદો આહાર માણસને બીમાર પડવા દેતો નથી. અત્યારે કમ સે કમ એટલું તો કહીશ કે શરીરને નુકસાન કરી શકે એવા તળેલા, પ્રોસેસ્ડ અને મસાલેદાર આહારનો અતિરેક ટાળો. આહારનો અને રોજ સવારે ઊઠીને પેટ બરાબર સાફ થાય એનો પણ સંબંધ છે. શુષ્ક અને વધુપડતો ચીકણો આહાર કબજિયાત કરશે. મોટા ભાગના લોકોને ખબર જ હોય છે કે શું ખાવા જેવું છે અને શું ખાવા જેવું નથી. પણ એ લોકો નિશ્ચયપૂર્વક એ ન ખાવાથી જાતને રોકી નથી શકતા. યોગાસનો કરનારા લોકોમાં
ધીમે-ધીમે આહાર માટેની વિવેકબુદ્ધિ ડેવલપ થાય છે. યોગ કરવાથી તમારામાં એ સત્ત્વ પ્રગટ થાય છે. આત્મનિયંત્રણ આવે છે.’
વિહાર એટલે કે થોડી સ્ટ્રેચિંગ એક્સરસાઇઝ, થોડુંક હલનચલન, આસનો. અત્યારે ઘરના કામ દ્વારા શરીરને કસરત મળે એવા પ્રયત્નો કરો એમ જણાવીને દુર્ગાદાસજી કહે છે, ‘વહેતું જળ નિર્મળ હોય છે અને ભેગું થયેલું જળ દુર્ગંધ આપનારું છે. એ જ રીતે જ્યારે કસરત કરો છો અને ખાસ આસનો કરો છો ત્યારે શરીરના કોઈ એકાદ હિસ્સામાં સંચિત થયેલા લોહીનો ફ્લો વધે છે. બ્લડ-સર્ક્યુલેશન સુધરતાં પણ ઑર્ગન્સની કાર્યક્ષમતા બહેતર બને છે. શરીરના પ્રત્યેક કોષ સુધી પોષક તત્ત્વો પહોંચે છે. યોગાસનોમાં જાગૃતિ હોવાને કારણે નાનકડું તાડાસન પણ મોટું રિઝલ્ટ આપે છે. ત્રીજી બાબત છે વિશ્રામની. વિશ્રામ એ યોગની તમામ ક્રિયાનો અભિન્ન હિસ્સો છે. વિશ્રામ એટલે માત્ર ઊંઘ લેવી એમ નહીં પણ સાઉન્ડ સ્લીપ લેવી, સમયસરની ઊંઘ લેવી અને માઇન્ડને ઉચાટથી બચાવી રિલૅક્સ રાખવું એ. આ ત્રણેય જ્યારે ઠેકાણે હશે ત્યારે પેટની અને ઓવરઑલ તંદુરસ્તી જળવાશે. ઍસિડિટી, ગૅસ અને કબજિયાત આ ત્રણેયમાં આહાર, વિહાર અને વિશ્રાંતિના મહત્ત્વને સમજવું જોઈએ. આજે ઍસિડિટી થવાનું એક કારણ તળેલો આહાર છે તો બીજું કારણ સ્ટ્રેસ પણ હોઈ શકે છે. એ રીતે દરેક પાસાનો મહત્ત્વના રોલને સમજવાની જરૂર છે.’

દુર્ગાદાસ સાવંત પાસેથી જાણીએ રૂટીનની ટિપ્સ

સવારે વહેલા ઊઠીને એક ગ્લાસ ગરમ પાણી પી લો. યોગાચાર્ય દુર્ગાદાસજી કહે છે, ‘સવારે સાદું અથવા હળદરવાળું હુંફાળું પાણી પીવાથી ગૅસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ રિફ્લક્સ સ્ટિમ્યુલેટ થાય છે. એથી તમારું પેટ સાફ થવાની પ્રક્રિયા ઝડપી બને છે. ગરમ પાણી પીધા પછી કરોડરજ્જુને આગળ ઝુકાવવાની (હસ્તપાદાસન), પાછળ ઝુકાવવાની (હસ્તઉત્તાનાસન) ફૉર્વડ, બૅકવર્ડ, સાઇડ બેન્ડિંગ (ત્રિકોણાસન અથવા અર્ધચક્રાસન) અને ટ્વિસ્ટિંગ (ઉથ્થિતવક્રાસન) વગેરે કરવાથી પણ સવારે પેટ સાફ થવાની પ્રક્રિયાને બૂસ્ટ મળે છે. લાંબા સમય સુધી ટૉઇલેટમાં ન બેસવું પડે અને તરત જ પેટ સાફ થાય એ હેલ્ધી હોવાની નિશાની છે. એના પછી બૉડીને આલ્કલાઇન કરવા માટે એક ગ્લાસ માત્ર લીંબુ નાખેલું પાણી પી જાઓ. લીંબુ પીધા પછી એકથી દોઢ કલાક કંઈ જ નહીં ખાવાનું. એ દરમ્યાન તમે વૉકિંગ અથવા યોગ પ્રૅક્ટિસ કરી શકો છો. આને એક્સક્લુઝિવ લેમન શૉટ કહેવાય છે. આમ લીંબુ ઍસિડિક છે, પરંતુ જ્યારે એકલા લીંબુનો રસ શરીરમાં જાય તો એ જુદી રીતે કામ કરે છે અને બૉડીનું આલ્કલાઇન લેવલ વધારે છે. એ પછી તમારા દિવસના પહેલો આહાર ફળનો હોવો જોઈએ. એ પણ કોઈ એક ફળ. એ પછી બીજા એકાદ કલાક પછી અન્ય ગરમ નાસ્તો કરવો જોઈએ. મગ અને મગની દાળમાં પચવામાં હળવું કહેવાય એવું પ્રોટીન હોય છે જે આ દિવસોમાં લેવાવું જોઈએ. આયુર્વેદમાં હજારો વર્ષ પહેલાં મગ અને મગની દાળનાં ખૂબ ગુણગાન ગવાયાં છે. જ્યારે કબજિયાત હોય, પાચન નબળું પડ્યું હોય ત્યારે ગુજરાતીઓની ફેવરિટ તુવેરની દાળ અવૉઇડ કરવી જોઈએ.’

આટલું કરજો તમે

વમન ક્રિયા- ઍસિડિટીની તીવ્ર સમસ્યા હોય એ લોકો મીઠું નાખેલું હૂંફાળું પાણી એકસાથે એકથી દોઢ લિટર પી જાય અને મોમાં આંગળી નાખીને વૉમિટ કરી લે. ઍસિડિટીની સમસ્યામાં આ રામબાણ ઇલાજ ગણાય છે. જેમને ઍસિડિટી ન હોય તેમણે અઠવાડિયામાં એકાદ વાર આ ક્રિયા કરવી જોઈએ જેમાં વધારાનો કફ પણ ઓગળીને નીકળી જાય. જોકે તમારી હેલ્થ કન્ડિશનને ધ્યાનમાં રાખીને કોઈ યોગશિક્ષક પાસેથી પ્રૉપર મેથડ સમજીને પછી જ આગળ વધવું જોઈએ.
આસન- મંડૂકાસન, પવનમુક્તાસન, નૌકાસન, હલાસન, સર્વાંગાસન, ઉત્તાનપાદાસન જેવાં આસનો ઉપયોગી છે; કારણ કે આ આસનોમાં તમારો ઍબ્ડોમિનલ એરિયા એટલે કે પેટનો ભાગ વિશેષ પ્રભાવિત થાય છે. આ પવનમુક્તાસનનાં પોઝની તસવીર છે.

yoga
પ્રાણાયામ- ઍસિડિટીની સમસ્યા હોય તેમના માટે ચંદ્રભેદી પ્રાણાયામ, શીતલી, શીતકારી અને અનુલોમ-વિલોમ પ્રાણાયામ મદદ કરશે. ગૅસ અને કૉન્સ્ટિપેશનમાં કપાલભાતિ ક્રિયા અને ભસ્ત્રિકા પ્રાણાયામથી લાભ થશે.  આ નૌકાસનની તસવીર છે.

 

yoga

ઉડ્ડિયાન બંધ- પેટના સ્વાસ્થ્ય માટે ઉડ્ડિયાન બંધ નામની મુદ્રા બહુ જ ઉપયોગી છે. ઘણા લોકો એને ખોટી રીતે કરતા હોય છે. પેટનું અલ્સર, હાઈ બ્લડ-પ્રેશર, હાર્ટ પેશન્ટ, હર્નિયા અથવા પાઇલ્સના દરદીઓએ એ અવૉઇડ કરવું જોઈએ. કોઈ પણ આસનમાં ટટ્ટાર બેસી જાઓ. પછી એક ઊંડો શ્વાસ ભરો અને ફોર્સફુલી શ્વાસ છોડો. હવે શ્વાસને ભર્યા વિના છાતીને ઉપર અને આગળની તરફ ખેંચો. એનાથી પેટ પર એક નેગેટિવ પ્રેશર ક્રીએટ થશે અને પેટના સ્નાયુઓ આપમેળે અંદર જતા જશે. આ છે ઉડ્ડિયાન બંધ..

yoga

આ દરમ્યાન તમારો શ્વાસ સંપૂર્ણ રોકાયેલો છે. જેટલો સમય આ સ્થિતિમાં રહી શકાય એટલો સમય રહો અને પછી છાતીને નૉર્મલ કરતા જાઓ, પેટ આપમેળે બહાર આવશે એટલે ધીમે-ધીમે પછી પાછો શ્વાસ લેતા જાઓ. પેટની અંદર રહેલા મહત્ત્વના ઑર્ગનને આ એક ક્રિયાથી જોરદાર મસાજિંગ મળે, પેટના સ્નાયુઓને ટોનિંગ મળે. એ હિસ્સામાં આ ક્રિયાથી બ્લડ-સર્ક્યુલેશન વધે છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK