Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > મગજને ઠેકાણે રાખવા માટે યોગની આ ટેક્નિક વિશે ખાસ જાણી લો...

મગજને ઠેકાણે રાખવા માટે યોગની આ ટેક્નિક વિશે ખાસ જાણી લો...

27 September, 2019 04:14 PM IST | મુંબઈ
રોજેરોજ યોગ- રુચિતા શાહ

મગજને ઠેકાણે રાખવા માટે યોગની આ ટેક્નિક વિશે ખાસ જાણી લો...

જેક્લિનનો યોગ મંત્ર

જેક્લિનનો યોગ મંત્ર


ભારતીય પરંપરામાં માઇન્ડને ખૂબ મહત્વ અપાયું છે અને હવે છેલ્લે-છેલ્લે મેડિકલ સાયન્સ પણ એની મહત્તા સમજી રહ્યું છે. મગજ વિઘ્નહર્તા છે અને વિઘ્નકર્તા પણ. આજે દુનિયાભરની બાબતો આપણા મગજ પર ભાર બનીને અથવા તો આપણી ચિંતાનું કારણ બનીને અંદરોઅંદર આપણા મનને ડિસ્ટર્બ કરવાનું કર્યા કરે છે. જેણે આપણી મેન્ટલ, ઇમોશનલ, ફિઝિકલ, સોશ્યલ હેલ્થને હાનિ પહોંચાડવાનું કામ કર્યું છે. ૯૫ ટકા રોગોનું ધ્યાન રાખી શકાય જો મગજને સાચવી લીધું. શ્રી પતંજલિ યોગસૂત્ર આખેઆખું માઇન્ડ કન્ટ્રોલ પર જ આધારિત છે. અવેરનેસ અને કૉન્સન્ટ્રેશન આ બે બાબતો જો પામી શકાય તો મગજ ઠેકાણે જ રહે અને માઇન્ડ હૅપી હશે તો બાકી બધું સચવાઈ જશે. આજે આપણે મહર્ષિ પતંજલિએ માનસિક અસ્વસ્થતાઓને દૂર રાખવા માટે કેવી પ્રૅક્ટિકલ ટેક્નિક્સ આપી છે એ વિશે જાણીએ યોગ ક્ષેત્રના વિદ્વાન ડૉ. ગણેશ રાઓ પાસેથી તેમના જ શબ્દોમાં...

૧- ચિત્તપ્રસાદનમ



તમારે તમારા ચિત્તને શાંત અને કાયમ માટે સ્વસ્થ રાખવું હોય તો કેવો દૃષ્ટિકોણ કેળવવો જોઈએ? શ્રી પતંજલિ યોગસૂત્રના પ્રથમ અધ્યાયનાં ૩૩ સૂત્રમાં આ મહર્ષિ પતંજલિએ ચિત્તપ્રસાદનમની એટલે ચિત્તને આનંદિત રાખવાની રીત કહી છે. મૈત્રી, કરુણા, મુદિત ઉપેક્ષાણામ, સુખદુખ પુણ્યાપુણ્યાણામ, ભાવનાતાઃ ચિત્તપ્રસાદાનામ. જ્યારે તમે આ ચાર બાબતોને જીવનવ્યવહારમાં સ્થાન આપીને લોકો સાથે રહો છો તો તમે ક્યારેય અશાંત કે દુખી નહીં થાઓ.


૧- જ્યારે પણ તમને ચાન્સ મળે ત્યારે તમારે હંમેશાં હૅપી લોકો સાથે, ખુશ રહેનારા, આનંદિત રહેનારા સાથે જ મિત્રતા કરવી. ૨- જે લોકો દુખી છે, પીડામાં છે તેમના પ્રત્યે કરુણાભાવ રાખવો. ૩- જે લોકો પુણ્યશાળી છે અથવા જીવનમાં ખૂબ આગળ વધી રહ્યા છે, તરક્કી કરી રહ્યા છે, પ્રોગ્રેસ કરી રહ્યા છે તેમના માટે ખુશી અનુભવવી. તેમના માટે ઈર્ષ્યા નહીં પણ જૉયફુલ ફીલ કરો. કોઈ વ્યક્તિ સમૃદ્ધ થઈ રહી છે એનો આનંદ મનાવો. ૪- જ્યારે કોઈ વ્યક્તિ નેગેટિવ ક્વૉલિટી દેખાડે, ખરાબ ટેન્ડન્સી વ્યક્ત કરે તો તેને ઇમ્પ્રૂવ થવામાં મદદ કરો, પણ તમે તેનાથી પ્રભાવિત ન થાઓ. તેનામાં રહેલી નકારાત્મકતાની ઉપેક્ષા કરો. જો તમારે તમારી આસપાસના બાહ્ય માહોલમાં શાંતિ જોઈએ છે તો આનું પાલન કરો. આ ચાર નિયમો તમને બહારના સંજોગોથી મનને અશાંત થતાં રોકશે.

૨ - પ્રણવઃ જપ


આંતરિક શાંતિ માટે, મનમાં ઉદ્ભવતાં અંતરાયો અથવા વિઘ્નો માટે તેમણે એક જ રસ્તો દેખાડ્યો અને કહ્યું પ્રણવઃ જપ. એટલે ૐનું સ્મરણ કરો. મહર્ષિ પતંજલિએ ૐને ખૂબ મહત્વ આપ્યું છે. તેમનું કહેવું છે કે ૐનો જપ કરવાથી આંતરિક અંતરાયો, અંદરનાં તમામ વિઘ્નો નાશ પામે છે.

૩- પ્રતિપક્ષ ભાવના

શ્રી પાતંજલ યોગસૂત્રના બીજા અધ્યાયનાં ૩૩ સૂત્રમાં તેમણે આ કન્સેપ્ટ આપ્યો, જેના મુજબ જ્યારે પણ નકારાત્મક વિચાર, નકારાત્મક લાગણી અથવા નકારાત્મક અભગિમ મગજમાં જન્મે તાત્કાલિક, એક ક્ષણ બગાડ્યા વિના તરત જ એને સબસ્ટિટ્યુટ કરો એક્ઝૅટલી ઑપોઝિટ વિચાર અથવા અભિગમ સાથે. એક પણ  ક્ષણ તર્ક લગાડવામાં કે વિચારવામાં પણ નહીં બગાડો. તરત જ વગર વિચાર્યે એકઝાટકે એનાથી ઑપોઝિટ વિચારને સ્થાન આપી દો. ધારો કે કોઈ વ્યક્તિ તમારી તરફ ચાલીને આવી રહી છે અને તમને તે નથી ગમતી એટલે તમારામાં અણગમાની લાગણી જન્મશે અને વિચાર આવશે કે મને આ વ્યક્તિ જરાય નથી ગમતી. પતંજલિ કહે છે કે ઇમિજિએટલી આ વિચારની વિરુદ્ધ વિચાર કરો અને સબસ્ટિટ્યુટ વિચાર આપો કે આઇ લવ ધિસ પર્સન. અહીં પતંજલિ એમ નથી કહેતા કે આ વ્યક્તિને હું ખૂબ પ્રેમ કરું છું એટલે ચાલો તેની સાથે ચા પી આવું. નો. તે માત્ર એટલું જ કહે છે કે તમારા મગજમાં કે મનમાં નકારાત્મક વિચાર કે લાગણીને સ્થાન નહીં આપો. ધૅટ્સ ઑલ.

હવે મેડિકલ સાયન્સ પણ કહે છે કે નેગેટિવ ઇમોશન્સ જન્મે કે તરત જ તમારી અંતસ્રાવી ગ્રંથિઓને મગજ મેસેજ પહોંચાડશે અને તમારી અંતસ્રાવી ગ્રંથિઓ નેગેટિવ હૉર્મોન્સ અને કેમિકલ્સનો સ્રાવ કરશે. એટલે જ જોવામાં આવ્યું છે કે વધુ સમય ગુસ્સામાં રહેનારા લોકોને ઍસિડિટીનો પ્રૉબ્લેમ બહુ હોય છે, કારણ કે ઍન્ગર ઇમોશન સાથે જ શરીરમાં ઍસિડ ડિસ્ચાર્જ વધી જાય. એન્ડોક્રાઇન ગ્રંથિ પ્રત્યેક ગુસ્સાની લાગણી જન્મે એટલે પેટમાં હાઇડ્રોક્લોરિક ઍસિડ ડિસ્ચાર્જ કરે, જે ઍસિડિટી વધારે. સો સિમ્પલ. હવે એ ગુસ્સો સાચો હતો કે ખોટો હતો એ પછીની વાત. તમારું જસ્ટિફિકેશન સાચું હોય તો પણ ગુસ્સો આવ્યો એટલે તમે તમારા શરીરનું નુકસાન કરી લીધું. એટલે જ પતંજલિ કહે છે કે વિચાર કરવામાં એક પણ ક્ષણ બગાડ્યા વિના તાત્કાલિક રિપ્લેસ. પૉઝિટિવ વિચાર કર્યા પછી તમારે એ મુજબ વ્યવહાર કરવો કે નહીં એ તમારે નક્કી કરવાનું. નકારાત્મક વિચારને સબસ્ટિટ્યુટ કરવાથી તમે તમારા શરીરને નુકસાનકારક હૉર્મોન્સ અને કેમિકલ્સથી બચાવી લીધું. આ પ્રતિપક્ષનો અર્થ થયો. હવે ભાવના એટલે રિપીટિટિવ પ્રૅક્ટિસ. વારંવાર કરો. જ્યારે તમે સતત નેગેટિવ ઇમોશન્સને પૉઝિટિવથી રિપ્લેસ કરતા રહેશો તો એક દિવસ એવો આવશે કે તમારું માઇન્ડ જાતે જ નેગેટિવ ઇમોશન જન્માવવાનું બંધ કરી દેશે. એ જોશે કે દરેક નેગેટિવને તો તમે પૉઝિટિવથી રિપ્લેસ કરી દો છો તો નેગેટિવને જન્માવવાનો કોઈ અર્થ જ નથી રહેતો. એનું રિઝલ્ટ એવું આવશે કે સમય જતાં ચિંતા, ડર, ઈર્ષ્યા, ક્રોધ જેવાં ઇમોશન જન્મશે જ નહીં. તમે ઑટોમૅટિકલી મનથી શાંત, સંતુલિત અને પ્રફુલ્લિત થઈ જશો. કદાચ દેખાવમાં આ તમને આર્ટિફિશ્યલ અને વિચિત્ર પ્રૅક્ટિસ લાગી શકે છે, પણ મારા અંગત અનુભવથી કહું છું કે આ ખૂબ જ ઇફેક્ટિવ પદ્ધતિ છે. પ્રતિપક્ષ ભાવના તમારી આખી પર્સનાલિટીને ટોટલી બદલી નાખશે.

અહીં બીજી એક વાત પણ કહી દઉં કે એક જમાનામાં વેસ્ટર્ન સાઇકોલૉજિસ્ટ કહેતા કે તમારા ઇમોશનને સપ્રેસ નહીં કરો, દબાવો નહીં; પણ એક્સપ્રેસ કરો. અંદર-અંદર ભરાવો થવાથી એ શરીરને નુકસાન કરે છે એટલે ગુસ્સો આવ્યો છે તો બહાર કાઢી દો. જોકે હવે તેઓ પણ એક વાત પર સહમત થઈ રહ્યા છે કે નેગેટિવ ઇમોશન એક્સપ્રેસ કરવાથી એ દૂર નથી થતી પણ એક્સપ્રેસ કરવાની તમારી કૅપેસિટી વધારે છે, કારણ કે જ્યારે તમે એક્સપ્રેસ કરો ત્યારે એની અમુક ઇમ્પ્રેશન મગજ પર પડે છે અને એ વધુ ને વધુ ડીપ અને ડીપ થતા જાય. તમે વધુ ઍન્ગ્રી થવાની દિશામાં આગળ વધો છો. તમે સાચા હો કે ખોટા પણ જો તમને ખબર પડી જાય કે ક્રોધિત થવાથી સામેવાળાનું નુકસાન થાય કે ન થાય, પણ તમારું નુકસાન નિશ્ચિત જ છે તો તમે ગુસ્સો કરશે? આટલું જાણ્યા પછી પણ ગુસ્સો કરે એ તો મૂર્ખ જ કહેવાય. એટલે જ ઉપનિષદમાં કામ, ક્રોધ, લોભ, મદ (અહંકાર), મોહ અને મત્સર

(ઈર્ષ્યા)ને ષડરિપુ એટલે કે છ મહાશત્રુ કહ્યા છે, કારણ કે આ છએ છ આપણી અંદર જન્મે એટલે આપણે સાચા હોઈએ કે ખોટા પણ આપણું નુકસાન જ કરે છે, કારણ કે જેવી આ લાગણીઓ તમારા મનમાં જન્મી તમારી સાઇકોલૉજિકલ અને ફિઝિયોલૉજિકલ હેલ્થ બગડવાનું શરૂ થઈ જશે. નેગેટિવ કેમિકલ્સને અટકાવો. પ્રતિપક્ષ ભાવનાની પ્રૅક્ટિસથી તમને સમજાશે કે નેગેટિવ ઇમોશન્સ જે સંજોગોને કારણે જન્મ્યા છે એને હૅન્ડલ કરવાના ઘણા રસ્તા છે. પ્રતિપક્ષ ભાવનાની ઇફેક્ટ જાદુઈ છે.

યોગ-ટિપ : આનાથી છૂ થઈ જશે તમારું સ્ટ્રેસ

બ્રીધિંગ અને માઇન્ડ એકબીજા સાથે તદ્દન કનેક્ટેડ છે. તમારા માઇન્ડના પ્રત્યેક ઇમોશન માટે એક બ્રીધિંગ પૅટર્ન છે. તમારું માઇન્ડ તમારી શ્વાસોચ્છવાસની ક્રિયામાં રિફ્લેક્ટ થાય છે. એટલે કે જ્યારે તમે ગુસ્સામાં છો ત્યારે તમારા શ્વાસ ઝડપી, અનિયમિત અને ટૂંકા બની જાય. જ્યારે તમે દુઃખી અથવા ડિપ્રેસ્ડ છો ત્યારે તમારો ઉચ્છવાસ લાંબો હોય છે. જ્યારે તમે આશ્ચર્યચકિત થાઓ છો ત્યારે તમારા શ્વાસ હાંફવા લાગે છે, જ્યારે તમે ડરેલા હો ત્યારે તમારા શ્વાસ રુંધાતા હોય એવો અનુભવ થયો હશે. મૉરલ ઑફ ધ સ્ટોરી એટલી જ કે તમારા સ્ટેટ ઑફ માઇન્ડ સાથે અમુક પ્રકારની બ્રીધિંગ પૅટર્ન જોડાયેલી છે. આ સાબિત થયેલી હકીકત છે. જો તમે ધીમા, લાંબા અને ઊંડા શ્વાસ લઈ શકો તો તમારું મગજ હંમેશાં શાંત અને સ્થિર રહેશે. આ જ કારણ છે કે આજના જમાનામાં પ્રાણાયામ જેવું એકેય ઍન્ટિડૉટ સ્ટ્રેસ માટે નથી.

પ્રાણાયામની જટિલતા ન સમજાતી હોય અને એમાં ઊંડા પણ ન ઊતરવું હોય તો કમ સે કમ દિવસમાં જ્યારે-જ્યારે નવરાશ મળે ત્યારે લાંબા, ઊંડા અને ધીમા શ્વાસ લેવાનું તો થઈ શકેને?

ACT યોગને તમારો ગોલ બનાવો

A એટલે ઑથેન્ટિક, C એટલે ક્લાસિકલ અને T એટલે ટ્રેડિશનલ.

- અત્યારે પૉપ્યુલર થઈ રહેલાં યોગઆસનોમાં આ ત્રણ મુખ્ય બાબતો જ મિસિંગ છે. યોગશાસ્ત્રનાં સર્વમાન્ય પ્રાચીન પુસ્તકોનો આધાર લઈને જે પદ્ધતિઓ અને ફિલોસૉફીની વાત છે એ આજના જમાનામાં વિસરાઈ ન જાય એવા પ્રયાસો ડૉ. ગણેશ રાઓ કરી રહ્યા છે. તેઓ કહે છે, ‘સ્પીડ ઑફ માઇન્ડ ઇઝ કોલ્ડ સ્ટ્રેસ. જેટલું ઝડપથી માઇન્ડ દોડે તમે એટલા વધારે સ્ટ્રેસમાં હો. એટલે જ પરંપરાગત યોગમાં ઝડપને સ્થાન જ નથી. આસનો બને એટલાં ધીમેથી કરો. જેટલું ધીમેથી કરશો એટલા તમે વધુ અવેર બનશો. પ્રત્યેક યોગની ક્રિયાઓનું મુખ્ય ફોકસ અવેરનેસ છે. તમારી જાગૃતિ પર. બધી જ યોગની પ્રૅક્ટિસ અવેરનેસને શાર્પ કરવાની દિશામાં લઈ જાય છે. જોકે પ્રાચીન પુસ્તકોમાં કંઈક કહેવાયું છે અને આજે થઈ કંઈક જુદું જ રહ્યું છે. થૅન્ક્સ ટુ મોદી કે તેમણે યોગ દિવસની શરૂઆત કરીને યોગ ભારતની દેન છે એટલું તો વિશ્વમાં પ્રસ્થાપિત કરી દીધું. નહીં તો કદાચ હળદર અને સૂંઠની જેમ એની પણ પેટન્ટ બનાવાઈ હોત અને આપણે યોગ કરવા માટે વિદેશીઓને રૉયલ્ટી ચૂકવવી પડતી હોત.

આ પણ વાંચો : વજન ઘટાડવું છે? તો હૉરર મૂવી જોવા બેસી જાઓ

હવે પૉપ્યલુર થઈ રહેલા મિક્સ-મસાલા યોગને તિલાંજલિ આપીને ભારતની ધરોહરને સાચી રીતે રજૂ કરવા માટે અમે ગંગાનદીના કિનારે હૃષીકેશમાં ઑથેન્ટિક યોગની ટ્રેઇનિંગ આપવાનું એક અભિયાન શરૂ કર્યું છે જેમાં યોગશાસ્ત્રની પરંપરાગત બાજુને આજના સંદર્ભમાં રજૂ કરવાના પ્રયાસો અમે કરી રહ્યા છે. યોગના શિક્ષકોને પણ અડધી ખબર નથી હોતી. વાસ્તવિક નૉલેજનો જો પ્રચાર અને પ્રસાર નહીં થાય તો એ લુપ્ત થઈ જશે એ દિશામાં સૌએ અલર્ટ બનવાની જરૂર છે.’

Whatsapp-channel Whatsapp-channel

27 September, 2019 04:14 PM IST | મુંબઈ | રોજેરોજ યોગ- રુચિતા શાહ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK